• સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ-ગુજરાત દ્વારા વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન
  • ટ્યુશન ક્લાસીસ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલો વગેરેને ખોલવાની મંજૂરી તો ખાનગી શાળાઓને કેમ નહીં ? : ખાનગી શાળા સંચાલકો
  • સરકાર દ્વારા ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કરવાની મંજૂરી નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

WatchGujarat. સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ-ગુજરાત દ્વારા આજે રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને રાજ્યની તમામ 9થી 12ની ખાનગી શાળાઓને ત્વરીત શરૂ કરવાની મંજૂરી આપવા માટે માંગ કરવામાં આવી હતી. જેમાં વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કરવા માટે સરકાર દ્વારા વહેલી તકે મંજૂરી આપવામાં આવે તેવી માંગણી કરી હતી.

આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હવે કોરોના મહામારી કાબુમાં આવી રહી છે. ત્યારે ખાનગી શાળાઓના વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોની વાંરવાંર માંગ છતાં સરકાર દ્વારા વર્ગો શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવી નથી. જેને લઈને રાજ્યના તમામ ખાનગી શાળા સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. જેથી સરકાર દ્વારા શાળાઓ ખોલવા માટે મંજૂરી આપવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

તમને જણાવી દઈએ કે કોરોનાનું સંક્રમણ ઓછું થવાના કારણે સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસ, સરકારી સ્કુલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મીક સ્થળો, સ્વીમીંગ પુલ, અને ટ્રાવેલ્સની બસો સહીત તમામ વાણીજ્ય વ્યવસાયોને કોવીડ ગાઈડલાઈન અનુસાર ખોલવાની મંજૂરી આપી છે.

આ રજૂઆતમાં મહામંડળે જણાવ્યું હતું કે, ગુજરાતના અમુક અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટની કનેક્ટીવીટીની મોટી સમસ્યા છે. ઘણા બાળકો એવા છે જેની પાસે ઈન્ટરનેટ કે મોબાઈલ ફોનની જરૂરી વ્યવસ્થા નથી, તેવા બાળકોને ખુબ નુકશાન થઈ રહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મોટા ભાગના રાજ્યોએ શાળાઓ શરૂ કરવાનો રોડમેપ તૈયાર કરી જાહેર કરી દીધો છે, ત્યારે ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારએ આ બાબતે તૈયારી કરવી જોઈએ.

સરકારથી નારાજ ખાનગી શાળા સંચાલકોએ આવેદનમાં જણાવ્યું છે કે, જો આ પછી પણ સરકાર અમારી માંગ નહીં સ્વિકારે તો આગામી દિવસોમાં રાજ્યના તમામ શાળા સંચાલકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમજ જો જરૂરી જણાશે તો ઓનલાઈન શિક્ષણ કાર્યનો પણ બહિષ્કાર કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud