• શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જેટ ગતીએ વધી રહ્યું છે.
  • કેસ અને મૃત્યુનો આંકડો સતત વધતા લોકોમાં ભારે ફફડાટ ફેલાય રહ્યો છે.

WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ જેટ ગતીએ વધી રહ્યું છે. કેસ અને મૃત્યુનો આંકડો સતત વધતા લોકોમાં ભારે ફફડાટ ફેલાય રહ્યો છે. આ બધા વચ્ચે માત્ર 24 કલાકમાં કાળમુખા કોરોનાનાં ખપ્પરમાં વધુ 82 દર્દીઓ હોમાઈ ગયા છે. જ્યારે બપોર સુધીમાં જ વધુ 318 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. તેમજ ઠેર-ઠેર એમ્બ્યુલન્સ અને શબવાહીનીઓ જોવા મળતા યમરાજા તાંડવ ખેલી રહ્યા હોય તેવો માહોલ સર્જાયો છે. જો કે તંત્ર દ્વારા હંમેશની માફક સબ સલામતનાં દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પણ હાલ માત્ર 129 બેડ ખાલી હોવાનું સામે આવ્યું છે.

તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.14નાં સવારનાં 8 વાગ્યાથી તા 15 ને સવારે 8 વાગ્યા સુધીમાં શહેર તેમજ જીલ્લાના વધુ 82 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. જો કે ગઇકાલે થયેલા 55 મૃત્યુ પૈકી માત્ર 10 મોત કોરોનાથી થયા હોવાનું સરકારની ડેથ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે.

નોંધનીય છેકે છેલ્લા સપ્તાહથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો દૈનિક આંકડો જ 500ને પાર થઈ ગયો છે. જેની સામે તંત્ર 2-3 દિવસે 500 બેડ વધારે છે. અને ટેસ્ટીંગ-ટ્રેસિંગ વધારવામાં આવ્યું હોવાના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે. જેની સામે 104માં સામે ચાલીને ફોન કરનારને પાંચ-પાંચ દિ સુધી કોઈ જવાબ પણ મળ્યો નહીં હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 318 નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ 24,537 પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં 20,467 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે જ 14,360 સેમ્પલ લેવાયા હતા.જેમાં 551 કેસ નોંધાતા પોઝિટિવ રેટ 3.80 ટકા થયો છે. તો આજ સુધીમાં 8,09,885 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 24,537 સંક્રમિત થતા પોઝિટિવ રેટ 2.99 ટકા છે. જયારે હાલ શહેરમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત 4,000 દર્દીઓ સારવાર હેઠળ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud