• બીજા પક્ષો રૂપિયા લઈને ટિકિટની વહેંચણી કરે છે, AAP એ નાના માણસોને ટિકિટ આપી ઈમાનદારી સાબિત કરી : AAP ઉમેદવાર જ્યોત્સનાબેન
  • વિસ્તાર મુખ્યમંત્રી વિજય રૂપાણીનો હોવા છતાં પણ અહીં અનેક સમસ્યાઓ છે. : AAP ઉમેદવાર હંસાબેન

WatchGujarat આગામી 21 ફેબ્રુઆરીનાં રોજ કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટીએ પણ તમામ 72 સીટ પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેમાં આપ દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેને લઈને લોકો પાર્ટીની પ્રશંસા કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા એક સફાઈ કામદાર અને એક પટાવાળા બહેનને પણ ટીકીટ આપવામાં આવી છે. અને આ બંને બહેનો દ્વારા જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીનો વિસ્તાર હોવા છતાં અનેક સમસ્યા છે જેનો ઉકેલ લાવીશું : હંસાબેન

આમ આદમી પાર્ટીનાં વોર્ડ નં. 1નાં ઉમેદવાર હંસાબેન સામાજિક કાર્યકર્તાની સાથે એક હોસ્ટેલમાં પટાવાળા તરીકે કામ કરે છે. WatchGujarat.com સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારો વિસ્તાર મુખ્યમંત્રી વિજય રૂપાણીનો હોવા છતાં પણ અહીં અનેક સમસ્યાઓ છે. મુખ્યત્વે આ વિસ્તારમાં ગંદકી સાથે કેટલાક ઘરોમાં લાઈટો પણ જોવા નથી મળતી. અને પોતે પટ્ટાવાળાની નોકરી કરતા કરતા પણ છેલ્લા ઘણા વર્ષોથી સાથે લોકો માટે કામ કરતા હોવાનું તેમણે કહ્યું હતું. સાથે જ આ કારણે પોતે લોકસંપર્કમાં હોવાથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

બીજા પક્ષો રૂપિયા લઈને ટીકીટની વહેંચણી કરે છે, જ્યારે ‘આપ’ કામ જોઈને : જ્યોત્સનાબેન સોલંકી

આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 7 માં એક સફાઈકર્મી જ્યોત્સનાબેન સોલંકીને ટીકીટ આપી છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ મહાનગર પાલિકામાં કોન્ટ્રાક્ટ પર સફાઈ કર્મચારી તરીકે કામ કરી રહ્યા છે. WatchGujarat.com સાથે વાત કરતા જ્યોત્સના કહે છે કે, બીજા પક્ષો રૂપિયા લઈને ટિકિટની વહેંચણી કરે છે. જ્યારે આમ આદમી પાર્ટીએ અમારા જેવા નાના માણસોને ટિકિટ આપી ઈમાનદારી સાબિત કરી છે. પાર્ટીની આ ઈમાનદારી અને દિલ્હીનાં કામો જ પોતાને જીત આવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં ઈતિહાસમાં ત્રીજો પક્ષ ક્યારેય સફળ રહ્યો નથી. માત્ર ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો જ જીતતા રહ્યા છે. પરંતુ આ ચૂંટણીમાં ‘આપ’ દ્વારા મોટું સાહસ કરીને તમામ 72 બેઠકો પર ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સાથે જ હાલના સમયમાં કોંગ્રેસ ત્રીજો પક્ષ બની ગયો હોવાનું પણ આમ આદમી પાર્ટી દ્વારા જણાવાઈ રહ્યું છે. અને લોકોને ટેક્સમાં રાહત સહિતનાં દરેક મહત્વના મુદ્દાઓ પણ ‘આપે’ પોતાના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીને લોકોનો કેવો પ્રતિસાદ મળે છે તે તો આવનારો સમય જ બતાવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud