• દિનેશ ઉર્ફે ગોપાલ અને જયરાજસિંહે પોલીસ પૂછપરછમાં અગાઉ અહિં જવલનશીલ પ્રવાહીમાં અન્ય પેટ્રોલીયમ પેદાશની ભેળસેળ કરીને ગેરકાયદે બાયોડીઝલનો ધંધો કરતા હોવાનું જણાવ્યું
  • સ્થળ પરથી 21 હજાર લીટર જવલંતશીલ પ્રવાહી, ટેન્કર, લોખંડનો વિશાળ સ્ટોરેજ ટાંકો, પ્લાસ્ટિકના બે નાના ટાંકા, જવલંતશીલ પ્રવાહી સહિત 31 લાખનો માલ જપ્ત
  • કચ્છમાં કોની પાસેથી આ પ્રવાહી મગાવ્યું હતું? એ નામ ઓકાવવા ચારેયની પૂછપરછ શરૂ કરવામાં આવી

WatchGujarat. જિલ્લા પોલીસની એસઓજીના સ્ટાફે ગઇ કાલે ધોરાજીમાં ફરેણી રોડ પરનાં વાડામાં જવલનશીલ પ્રવાહીનું મિશ્રણ કરી તૈયાર થતા કથિત બાયોડીઝલની મીની ફેક્ટરી પર છાપો માર્યો હતો. સ્થળ પરથી 21 હજાર લીટર જવલંતશીલ પ્રવાહી, ટેન્કર, લોખંડનો વિશાળ સ્ટોરેજ ટાંકો, પ્લાસ્ટિકના બે નાના ટાંકા, જવલંતશીલ પ્રવાહી ભરેલા 6 કેરબા અને ઇલેક્ટ્રિક મોટર, ફ્યુઅલ પંપ સહિત કુલ રૂ. 31,09,600 ના મુદ્દામાલ સાથે 4 આરોપીને ઝડપી લીધા હતા. સમગ્ર મામલે પૂછપરછ થયા બાદ વધુ કેટલાક શખસોની સંડોવણી ખુલવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી છે.

જાણવા મળી રહેલી વિગતો મુજબ, ધોરાજીના દિનેશ ઉર્ફે ગોપાલ લીજવભાઇ કોયાણી અને જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમાએ ફરેણી રોડ પર રેલ્વે ટ્રેક પાસે વાડામાં ગેરકાયદે બાયોડીઝલ બનાવાની મીની ફેક્ટરી ચાલુ હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે કચ્છ પાસીંગના ટેન્કરમાંથી એક મોટા ટાંકામાં જ્વલનશીલ પ્રવાહી ઠાલવવાની કામગીરી ચાલી રહી હતી. પોલીસે સ્થળ પર હાજર વાડા માલિક દિનેશ ઉર્ફે ગોપાલ લવજીભાઇ કોયાણી, જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમા ટેન્કર ચાલક હસ્તબહાદુર કાશીરામ ભુડાક્ષેત્રી ઉપરાંત રાજનદત્તે નેપાલીને અટકાયતમાં લઇ લીધા હતા.

આ અંગે ઝડપાયેલા આરોપી દિનેશ ઉર્ફે ગોપાલ અને જયરાજસિંહે પોલીસ પૂછપરછમાં આપેલી કબૂલાત મુજબ, તેઓ અગાઉ અહિં જવલનશીલ પ્રવાહીમાં અન્ય પેટ્રોલીયમ પેદાશની ભેળસેળ કરીને ગેરકાયદે બાયોડીઝલનો ધંધો કરતા હતા. પરંતુ સરકારની ધોંસ બોલતા થોડા સમયથી માયાજાળ સંકેલી લીધી હતી. થોડાં દિવસથી દરોડાની કાર્યવાહી ઢીલી પડતા પહેલી વખત કચ્છથી જવલનશીલ પ્રવાહી મગાવ્યું એ સાથે જ પોલીસ ત્રાટકી હતી. જો કે તેઓએ કચ્છમાં કોની પાસેથી આ પ્રવાહી મગાવ્યું હતું? એ નામ ઓકાવવા ચારેયની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

એસઓજી પોલીસે વાડામાંથી કબ્જે કરેલો મુદ્દામાલ

– 21 હજાર લીટર જવલંતશીલ પ્રવાહી, કિંમત રૂ. 12.60 લાખ

– કચ્છ પાસીંગનું ટેન્કર, કિંમત રૂ. 15 લાખ

– લોખંડનો મોટો સ્ટોરેજ ટાંકો, કિંમત રૂ. 3 લાખ

– પ્લાસ્ટિકના બે નાના ચોરસ ટાંકા, કિંમત રૂ. 2 હજાર

– જવલનશીલ પ્રવાહી ભરેલા 35-35 લીટરના કુલ 6 કેરબા, કિંમત રૂ. 12,600

– ઇલેક્ટ્રિક મોટ કિંમત રુપિયા 5 હજાર

– બંધ હાલતમાં ફ્યુઅલ પંપ નોઝલ સહિત કિંમત રૂ. 30 હજાર

આમ પોલીસે હાલ  કુલ રૂ. 31,09,600 ના મુદ્દામાલ સાથે 4 ઈસમોને ઝડપી લીધા છે. હવે કબ્જે થયેલું જવલનશીલ પ્રવાહી એફએસએલમાં મોકલાશે. અને પોલીસે વાડામાંથી કબજે કરેલું આ પ્રવાહી ક્યું છે? એ જાણવા નમૂનો લઇને પરિક્ષણ થયા બાદ FSL રિપોર્ટ આવ્યા પછી આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud