• આજરોજ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે મનપા અને રૂડાનાં સંયુક્ત ઉપક્રમે જનસુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી
  • મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યુલી રાજકોટનાં વોર્ડ નં.9માં વોર્ડ ઓફીસ સામેના રૂ. 8.51 કરોડના ખર્ચે નિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ તેમજ અન્ય વિકાસના કામોનું લોકાર્પણ કરાયું
  • શહેર- જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જન અધિકાર અભિયાનનું અંતર્ગત થોરાળા ખાતે ભાજપ સરકાર વિરુદ્ધ વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા

WatchGujarat. ગુજરાત સરકારના સુશાસનના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે ભાજપ દ્વારા શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત CM રૂપાણીની વર્ચ્યુઅલ હાજરીમાં મનપા અને રૂડાનાં સયુંકત ઉપક્રમે કરવામાં આવેલા વિકાસના કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિકાસ કામો માટે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. બીજીતરફ થોરાળા નજીક શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન અધિકાર અભિયાન હેઠળ વિવિધ બેનરો સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને લઈને પોલીસ દ્વારા 30 જેટલા કોંગી આગેવાનોની અટકાયત કરવામાં આવી છે.

આજરોજ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે મનપા અને રૂડાનાં સંયુક્ત ઉપક્રમે જનસુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી વર્ચયુલ માધ્યમથી ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે મુખ્યમંત્રી દ્વારા વર્ચ્યુલી રાજકોટનાં વોર્ડ નં.9માં વોર્ડ ઓફીસ સામેના રૂ. 8.51 કરોડના ખર્ચે નિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ વોર્ડ નં.18માં રૂ.714 લાખના ખર્ચે વોટર સપ્લાય હેડવકર્સ પ્રોજેક્ટનું, તેમજ શહેરના 15 સ્માર્ટ બસ સ્ટોપ સહિતના વિવિધ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ સાથે જ મોરબી રોડ પર પાઇપ ગટર નાખવાના કામનું, વિવિધ વિસ્તારોમાં ડી.આઇ.પાઈપલાઈન નાખવાનું કામ, મનપાના વિવિધ કોમ્યુનિટી હોલ તથા ઝુલોજીકલ પાર્ક ખાતે 255 KWPના રૂફ ટોપ સોલાર પાવર પ્લાન્ટનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. તો સાથે જ રીંગ રોડ 2, ફેઝ 2 પાળ ચોકડીથી ગોંડલ હાઇવે સુધીના રસ્તા અને બ્રીજના કામોનું ઇ-લોકાર્પણ સહિત કુલ રૂપિયા 47.72 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

એકતરફ ગુજરાત સરકાર દ્વારા સુશાસનનાં 5 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સરકાર દ્વારા શહેરી જનસુખાકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેની સામે શહેર- જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે  જન અધિકાર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત થોરાળા ખાતે ભાજપ સરકાર વિરુદ્ધ વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જો કે પૂર્વ મંજૂરી વિનાના આ વિરોધની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી. અને કોંગ્રેસનાં 30 જેટલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud