• હરિધવા રોડ શ્રીનાથજી ક્લિનિકમાં એક શખ્સ ડીગ્રી નહીં હોવા છતાં ડોક્ટર બની લોકોની સારવાર કરતો હોવાની માહિતી પોલીસને મળી
  • પોલીસે ડોક્ટર તરીકેની ડિગ્રી માગતા બોગસ ડોક્ટર ગેંગેંફેફે કરવા લાગ્યો
  • દસ વર્ષથી અહીં ક્લિનિક ખોલી આર્થિક લાભ મેળવવા દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાની કેફિયત આપી

Watchgujarat. કોરોના કાળ વચ્ચે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. ત્યારે પોલીસે વધુ એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ મુન્નાભાઈ શહેરના હરિધવા રોડ, પુરુષાર્થ સોસાયટી મેઇન રોડ પર ડિગ્રી વગર ડોક્ટર તરીકે સારવાર આપી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. ભક્તિનગર પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ હરિધવા રોડ શ્રીનાથજી ક્લિનિકમાં એક શખ્સ ડીગ્રી નહીં હોવા છતાં ડોક્ટર બની લોકોની સારવાર કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેને પગલે પોલીસે દરોડો પાડતા દુકાનમાં એક શખ્સ બેઠેલો જોવા મળ્યો હતો. પૂછપરછ કરતા તે શખ્સે પોતે દેવપરા સોસાયટી ખાતે રહેતો યાજ્ઞિક ભૂપતભાઇ ગજેરા હોવાનું જણાવ્યું હતું. અને પોલીસે ડોક્ટર તરીકેની ડિગ્રી માગતા તે ગેંગેંફેફે કરવા લાગ્યો હતો.

જોકે બાદમાં તેણે ઇન્દોરમાં સાડા ત્રણ વર્ષ આયુર્વેદનો અભ્યાસ કર્યો હોવાનું પણ રટણ રટ્યું હતું. પણ તેનાં આ અભ્યાસ અંગેની પૂરતી માહિતી કે પુરાવાઓ રજૂ કરી શક્યો ન હતો. પોલીસે પકડાયેલા નકલી ડોક્ટરની વધુ પૂછપરછ કરતા તે ધો.12 પાસ છે. અને દસ વર્ષથી અહીં ક્લિનિક ખોલી આર્થિક લાભ મેળવવા દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાની કેફિયત આપી હતી. જેને લઈ પોલીસે દવાઓ, ઇન્જેક્શન અને બાટલાઓ સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરીને આ મુન્નાભાઈને લોકઅપમાં ધકેલી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં ડોક્ટરનું કામકાજ ખૂબ સારું ચાલતું હોવાથી ઠેર-ઠેર આ પ્રકારના નકલી ડોક્ટરો લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરી રહ્યા છે. અને છેલ્લા એક જ મહિનામાં પોલીસે 7 કરતા વધુ બોગસ ડોક્ટરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ જાણે આ મામલે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે. અને ડોક્ટર પાસેથી દવા કે સારવાર લેતા પહેલા તેની ડીગ્રી અંગે તપાસ કરવી જરૂરી બની ગઈ છે. પરંતુ લોકો તો ડોક્ટરનું બોર્ડ વાંચીને અંધળો વિશ્વાસ કરતા હોવાથી આવા મુન્નાભાઈ ખુલ્લેઆમ લોકોના આરોગ્યની સાથે ગંદી રમત રમી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud