• ગતરોજ રાજકોટમાં મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
  • મુખ્યમંત્રી સાથે સાધેલા સંવાદમાં ઝલકે કહ્યું હતું કે, સાહેબ મારે ડોક્ટર બની લોકોની સેવા કરવી છે’ તેની આ મહેચ્છાને CM રૂપાણીએ બિરદાવી
  • 12 માં ધોરણ સાયન્સની તેજસ્વી વિદ્યાર્થીની ઝલક હાલ નીટની તૈયારી જોરશોરથી કરી રહી છે

Watchgujarat. 8 વર્ષ પહેલા પિતાની છત્રછાયા ગુમાવનાર શહેરની કિશોરી ઝલકની માતાનું મૃત્યુ પણ કોરોનામાં થતાં હવે તેનું અને તેના નાના ભાઈનું શું થશે ? એ યક્ષ પ્રશ્ન એને અત્યાર સુધી મુંઝવતો હતો. પરંતુ રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણીને મળ્યા બાદ તેમની સાથે થયેલ સંવાદથી આ કિશોરી તેનાં અને તેના નાના ભાઈના ભવિષ્ય અંગે નિશ્ચિંત બની છે. મુખ્યમંત્રી સાથે સાધેલા સંવાદમાં ઝલકે કહ્યું હતું કે, સાહેબ મારે ડોક્ટર બની લોકોની સેવા કરવી છે’ તેની આ મહેચ્છાને CM રૂપાણીએ બિરદાવી હતી.

મુખ્યમંત્રી સાથે થયેલ મુલાકાત અને સંવાદની ઘટનાને વર્ણવતાં ગદગદીત સ્વરે ઝલક કહે છે કે, મારા પિતાના મૃત્યુ બાદ કોરોનાના કપરા સમયમાં મારી માતાનો હાથ પણ અમારી ઉપર ન રહયો મારી માતાનું મૃત્યું થતાં હવે અમારા બન્ને ભાઈ – બહેનનું કોણ? એ મોટો પ્રશ્ન મારી સામે હતો. પરંતુ અમારી મુશ્કેલી મુખ્યમંત્રીને મળવાથી દૂર થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ અમારા માતા – પિતાની જેમ જ અમને આજે હૂફ – સધિયારો આપ્યો છે, જેના કારણે હવે હું હાશકારો અનુભવું છું.

વધુમાં ઝલકે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, હવે અમને કોઇ જ  મુશ્કેલી નહીં પડે કારણ કે મારા અને ભાઇના માથે હવે રાજયના મુખ્યમંત્રી રૂપાણીનો હાથ છે, તેમ ગૌરવભેર જણાવતા ઝલક વધુમાં ઉમેરે છે કે અમારા બન્ને ભાઇ બહેનના અભ્યાસ અને ઉજ્જવળ કારકિર્દીની જવાબદારી રાજય સરકાર લેશે તેવું કહી મુખ્યમંત્રીએ સધીયારો આપવાનું અને જરૂરી તમામ પ્રકારની મદદ પુરી પાડવાની ખાતરી પણ તેમણે આપી છે. જેને લઈને મારી ચિંતા દૂર થઈ છે.

ઝલકના પિતા નિપુલભાઈનું ૮ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. હાલમાં કોરોનામાં માતાની છત્રછાયા ગુમાવી ચુકેલી ઝલક તેના નાના ભાઈ દેવ સાથે હાલમાં તેમના નાની સાથે રહે છે. 12 માં ધોરણ સાયન્સની તેજસ્વી વિદ્યાર્થીની ઝલક હાલ નીટની તૈયારી જોરશોરથી કરી રહી છે. માતા પિતાની છત્ર છાયા ગુમાવી ચુકેલી ઝલક તેના નાના ભાઈની અભ્યાસ સહિત દેખભાળની એક વ્હાલી બહેન તરીકેની જવાબદારી પણ નિભાવી રહી છે. માતા કોરોનામાં મૃત્યુ પામતા દર્દીઓની સારવાર રૂપી સેવાના સ્વપ્નને સેવતી ઝલકે આત્મવિશ્વાસ સાથે મુખ્યમંત્રી સાથે મોકળા મને સાધેલા સંવાદમાં ડોક્ટર બની લોકોની સેવા કરવાની મહેચ્છા દર્શાવી હતી. જેને મુખ્યમંત્રીએ બિરદાવી હતી.

મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ટેબ્લેટની ભેટ મળ્યા બાદ ખુબ જ ખુશી સાથે તેણીએ મુખ્યમંત્રી સાથે સેલ્ફી ખેંચી હતી. ઝલક હાલ માતા પિતાની ગેરહાજરીને ભૂલી સશક્ત ઉજ્વળ ભવિષ્ય તરફ પ્રતિબદ્ધતા સાથે કર્મના સિદ્ધાંતને વરી આગળ વધી રહી છે. ‘શો મસ્ટ ગો ઓન’ ઉક્તિને સાર્થક કરતી ઝલક કોરોનામાં અનાથ બનેલા અન્ય નિરાધાર બાળકો માટે રોલ મોડેલ બની તરીકે ઉભરી આવી છે. રાજ્ય સરકાર દ્વારા બાળ સેવા યોજના તળે માસિક 4,000 રૂ. ની સહાય તેમના સ્વપ્નને સાર્થક કરવામાં મદદરૂપ બનશે તેમ જણાવી મુખ્યમંત્રી તેમજ રાજ્ય સરકારનો તેણે દિલથી આભાર માન્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud