• રાજકોટમાં કાલાવડ રોજ નજીક રહેતા ડો. દિપ્તી ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવવાનું કામ કરે છે
  • તહેવારોમાં પર્યાવરણ સાથે ખૂબ મોટા પ્રમાણમાં ચેડા થતા હોવાનું સામે આવતા અગાઉ હોળી માટેના ઈકો ફ્રેન્ડલી કલર બનાવ્યા
  • રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો હોવાથી ત્રણેક મહિના પૂર્વે આવેલા આ વિચારને સાર્થક કરવામાં દોઢ-બે મહિનાની મહેનત લાગી

કુલીન પારેખ. ભાઈ-બહેનનાં પવિત્ર પ્રેમનું  પ્રતીક એવા રક્ષાબંધનનાં તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકોટમાં નેચરોપેથી ડોક્ટર મહિલાએ ખાસ ઈકો ફ્રેન્ડલી રાખડી બનાવી છે. જાણીને નવાઈ લાગશે કે સીડ પેપર (છોડનાં બીજ)માંથી બનાવવામાં આવેલી આ રાખડી ભાઈની રક્ષા કરવાની સાથે પર્યાવરણની રક્ષા કરવામાં પણ સક્ષમ છે. અને ભાઈના કાંડે બાંધેલી આ રાખડીને માત્ર કુંડામાં નાખી તેનાં ઉપર માટી નાખી દીધાનાં થોડાક જ દિવસોમાં તુલસી ઉગે છે. માત્ર દેશ જ નહીં વિદેશમાં પણ આ રાખડીની ભારે માંગ જોવા મળી રહી છે.

શહેરનાં કાલાવડ રોડ નજીક રહેતા અને ત્રણેક વર્ષથી વિવિધ ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવવાનું કામ કરતા આ ડોક્ટર દીપ્તિ ગાંધી કહે છે કે, આમ તો ઘણા સમયથી જુદી-જુદી ઈકો ફ્રેન્ડલી કોસ્મેટિક્સ સહિતની વસ્તુઓ બનાવું છું. પરંતુ તહેવારોમાં પર્યાવરણ સાથે ખૂબ મોટા પ્રમાણમાં ચેડા થતા હોવાનું સામે આવતા હોળી માટેના ઈકો ફ્રેન્ડલી કલર બનાવ્યા હતા. હાલમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો હોવાથી આ ઈકો ફ્રેન્ડલી રાખડી બનાવી છે. ત્રણેક મહિના પૂર્વે આવેલા આ વિચારને સાર્થક કરવામાં દોઢ-બે મહિનાની મહેનત લાગી હતી. પરંતુ તેનું જે પરિણામ મળ્યું તે જોતા મારી મહેનતનું અણધાર્યું વળતર મળ્યું હોય તેવી લાગણી અનુભવાઈ રહી છે.

ઈકો ફ્રેન્ડલી રાખડી વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, સામાન્ય રાખડી જેવી લાગતી આ ઈકો ફ્રેન્ડલી રાખડી દ્વારા પર્યાવરણની જાળવણી કરી શકાય છે. આ ખાસ રાખડી સીડ પેપર (છોડનાં બીજ) દ્વારા બનાવવામાં આવી છે. એટલે આ રાખડી રક્ષાબંધનનાં દિવસે તો ભાઈની રક્ષા કરશે જ, પરંતુ ત્યારબાદ આ રાખડીને પાણીમાં પધરાવવા કે બીજે ક્યાંય ફેંકી પર્યાવરણને નુકસાન કરવાને બદલે તેને કુંડામાં નાખી તેના ઉપર માટી નાખી દેવાની રહેશે. અને ત્યારબાદ માત્ર થોડા દિવસોમાં આ રાખડી તુલસીનાં છોડમાં રૂપાંતરિત થઈ લોકોને આજીવન લાભ આપશે.

વધુમાં દીપ્તિ ગાંધીએ જણાવ્યું હતું કે, હાલ સમયનાં અભાવે આ પ્રકારની માત્ર 500 જેટલી રાખડીઓ જ બનાવી છે. અને તેમાંથી પણ 400 જેટલી રાખડીઓ વિદેશમાં વેંચાઈ ચુકી છે. આ વર્ષે ઇકો ફ્રેન્ડલી રાખડી માત્ર બાળકો માટે જ તૈયાર કરવામાં આવી છે પરંતુ આગામી દિવસોમાં યુવાનો માટે પણ ઇકો ફ્રેન્ડલી અને આકર્ષક રાખડીઓ તૈયાર કરવામાં આવશે. લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ આવે તેમજ લોકો ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રેરાય તેવા ઉદ્દેશથી આ રાખડીઓનું વેંચાણ માત્ર રૂ. 60-70 જેવી નજીવી કિંમતે કરવામાં આવી રહ્યું હોવાનું પણ તેમણે કહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud