• ઘાસચારો પણ મોંઘો થતા બળદ પણ પોસાય તેમ નહીં હોવાથી ખેડૂત પોતે બળદની જગ્યાએ જોતરાઈ ખેતી કરવા મજબૂર બન્યો
  • સરકાર આ ભાવ વધારાને રોકવાની સાથે ખેત ઉત્પાદનોનાં પૂરતા ભાવ મળે તે માટે કોઈ અસરકારક પગલાં નહીં લે તો ખેડૂતોને ખેતી છોડીને નોકરી કરવી પડશે
  • જો ટ્રેકટરથી ખેતી કરીએ તો અમારે અને અમારા બાળકોને ભૂખે મરવાનો વારો આવે – ખેડુત

Watchgujarat. દેશભરમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં અસહ્ય વધારો થતાં મોંઘવારીએ માઝા મૂકી છે. જેની વિપરીત અસરો હવે શહેરો સહિત ગામડાઓમાં પણ જોવાઈ રહી છે. પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવોની ખાસ કરીને ખેડૂતો ઉપર અતિ ખરાબ અસર પડી છે. અને ખેડૂતો માટે ડીઝલથી ચાલતા ટ્રેકટર સહિત અન્ય આધુનિક સાધનોનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો છે. એટલું જ નહીં ઘાસચારો પણ મોંઘો થતા બળદ પણ પોસાય તેમ નહીં હોવાથી ખેડૂત પોતે બળદની જગ્યાએ જોતરાઈ ખેતી કરવા મજબૂર બન્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, જે રીતે ડીઝલ-ઘાસચારાનાં ભાવો વધી રહ્યા છે તે પ્રમાણે ફસલનાં ભાવ વધતા નથી. ત્યારે ભાવમાં આ રીતે જ વધારો થતો રહેશે તો ભૂખે મરવાનો વારો આવશે.

કણકોટનાં ખેડૂત કૈલાશભાઈ જાદવભાઈ ખૂંટ કહે છે કે, ડીઝલનાં ભાવ વધતા અમે ટ્રેકટર સહિતનાં સાધનો મૂકી દીધા છે. અને બળદથી ખેતી શરૂ કરી હતી. પરંતુ ઘાસચારાનાં ભાવો વધતા તે પણ પોસાય તેમ નહીં હોવાથી અમે હાથે ખેતી કરવા મજબૂર બન્યા છીએ. જેમાં બળદની બદલે જાતે જોતરાવું પડતું હોવાથી જમીન સારી રીતે ખેડી શકાતી નથી. તેના પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થતા હવે ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. જો સરકાર આ ભાવ વધારાને રોકવાની સાથે ખેત ઉત્પાદનોનાં પૂરતા ભાવ મળે તે માટે કોઈ અસરકારક પગલાં નહીં લે તો ખેડૂતોને ખેતી છોડીને નોકરી કરવી પડશે.

તો આ જ ગામનાં સંજયભાઈ મેઘજીભાઈ નંદાણીયા નામના ખેડૂતે જણાવ્યું હતું કે, ડીઝલનાં ભાવ 92 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે. ત્યારે જો ટ્રેકટરથી ખેતી કરીએ તો અમારે અને અમારા બાળકોને ભૂખે મરવાનો વારો આવે તેમ છે. હાલ તો અમે ટ્રેકટર મૂકી બળદથી ખેતી કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ ઘાસચારાનાં ભાવ વધતા બળદ પણ પોસાય તેમ નથી. ડીઝલનાં ભાવ આમ જ વધશે તો ખેડૂતનાં દીકરાને ભૂખે મરવાનો વારો આવશે. ત્યારે સરકારે તાત્કાલિક ભાવ વધારાને રોકવા માટે પગલાં લેવાની જરૂર હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ડીઝલ અને ઘાસચારાની સાથે સાથે બિયારણ તેમજ ખાતર અને જંતુનાશક દવાનાં ભાવો પણ સતત વધી રહ્યા છે. જેની સામે ખેડૂતોને જણસનાં પૂરતા ભાવ મળતા નથી. બીજીતરફ અતિવૃષ્ટિ-દુષ્કાળ જેવી કુદરતી આફતો ક્યારે આવશે તે પણ નક્કી હોતું નથી. પરિણામે જગતનાં તાતને તો બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. ટ્રેકટર-બળદથી ખેતી કરવી પોસાય તેમ નથી. બળદની જગ્યાએ જાતે જોતરાય તો ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય તેમ છે. ત્યારે ખેડૂતો માટે જાયે તો જાયે કહાં ? જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સરકાર આ મુદ્દે ધ્યાન આપી ત્વરિત પગલાં ભરે એ જરૂરી બન્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud