• રેલવેના પાટા ઓળંગતી વખતે લૂંટારું ટોળકીએ યુવક ઉપર હુમલો કરી લૂંટ ચલાવી હતી
  • ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો

WatchGujarat મોરબીની એ ટુ ઝેડ એન્જિનીયરિંગ કંપનીમાં કામ કરતા અને કોઠારીયા ગામે જ રહેતા દિલીપભાઈ જગદીશભાઈ મોડાસીયા થોડા દિવસ પહેલા રાત્રે નવેક વાગ્યે નોકરીમાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા. દરમિયાન ચાલીને રેલવેના પાટા ઓળંગતી વખતે લૂંટારું ટોળકી આવી હતી. અને તેમને છરીનો ઘા મારી લૂંટ ચલાવીને ફરાર થઈ હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે 5 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજીડેમ પોલીસનાં જણાવ્યા મુજબ, આ મામલે જ કિશન હસમુખભાઇ અગેસાણીયા, ધર્મેશ પરષોત્તમ સોલંકી, સુનિલ ભાવેશભાઇ શિયાળ, રાહુલ સોલંકી અને કુલદીપ સુનિલભાઇ સોલંકી સહિત પાંચને ઝડપી લેવામાં આવ્યા છે. આ પાંચેય શખ્સ રિક્ષા ડ્રાઇવર કે પેસેન્જરનો સ્વાંગ રચી કોઇ અવાવરૂ જગ્યાએ ઉભા રહી ત્યાંથી અવર-જવર કરતા એકલા રાહદારીઓને રોકી તિક્ષ્ણ હથિયાર બતાવી તેની પાસે રહેલી રોકડ, મોબાઇલ ફોન વગેરે કિંમતી ચીજવસ્તુઓ કાઢી લઇ લૂંટી ત્યાંથી નાસી ગુનો કરવાની ટેવ ધરાવે છે. ત્યારે આરોપીઓની પૂછપરછમાં આ પ્રકારનાં વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

જાણો શું હતો સમગ્ર મામલો

લૂંટનો ભોગ બનનાર દિલીપ મોડાસીયાએ કહ્યું હતું કે, હું સ્વાતિ રેસિડેન્સીમાં પરિવાર સાથે રહું છું. તેમજ છેલ્લા મહિનાથી મોરબીમાં એ ટુ ઝેડ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરું છું. કારખાનું મારા મિત્ર મહેશભાઈ કછોટનુ છે. અને હું રાજકોટથી મોરબી જવા માટે રોજ અપડાઉન કરું છું. જેમાં સવારે આઠ વાગ્યાથી ઘરેથી નીકળી દોઢ સો ફૂટ રોડ ઉપર બાલાજી હોલ પાસેથી લીયોની કંપનીની બસ મોરબી જતી હોય છે તેમાં બેસી મોરબી કામ ઉપર જાવ છું. અને સાંજના આઠ વાગ્યે ઉપરોક્ત બસમાં બેસી મોરબીથી પરત રાજકોટ આવી બાલાજી હોલે ઉતરી રિક્ષામાં બેસીને ઘરે પહોંચું છું.

બુધવારે પરત આવતી વખતે ગોંડલ ચોકડીની આગળ નાલા પાસે 4-5 જેટલા અજાણ્યા શખ્સો અચાનક સામે આવી ગયા હતા. અને બે શખ્સોએ મને પકડી રાખ્યો હતો. ત્યારબાદ મેં બુમાબુમ કરવાનો પ્રયાસ કરતા બાકીના પૈકી એકે છરીનો ઘા ઝીંકયો હતો. અને બીજાઓએ મારા મોબાઈલ અને પાકીટ કાઢી લીધા હતા. જો કે અન્ય કેટલાક છોકરાઓને દૂરથી આવતા જોઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud