• હર્ષિત જાની 2019માં લોકસભાની ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા બાદ નિષ્ક્રિય થઇ ગયો હતો.
  • કોંગ્રસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગૂરૂ સાથે હર્ષિત નિકટતા ધરાવતો

WatchGujarat. શહેરનાં પોષ વિસ્તાર ગણાતા જ્યોતિનગર ચોકમાં મોડીરાત્રે ફાયરિંગની એક ઘટના સામે આવી છે. જેમાં ભાજપનાં કાર્યકર પર કોંગ્રેસનાં અગ્રણીએ તેના ભાઈ સાથે મળીને ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે.  ભાજપના કાર્યકર પર રૂપિયાની લેતી-દેતી મામલે પગ પાસે ફાયરિંગ કરીને બંને આરોપી નાસી ગયા હોવાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જો કે મોડીરાત્રે ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ મોકરિયા પણ ઘટના સ્થળે પહોંચતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. તેમજ આ મામલે સમાધાનનાં પ્રયાસો શરૂ કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

હર્ષિત જાની
હર્ષિત જાની

પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ, વોર્ડ નંબર 10માંથી કોર્પોરેશનની ચૂંટણી લડીને હારેલા કોંગ્રેસના આગેવાન અભિષેક તાળા અને તેના ભાઈ રાજદીપ તાળાએ ગત લોકસભાની ચૂંટણી સમયે ભાજપમાં ભળેલા હર્ષિત જાનીને રૂપિયાની લેતી-દેતીના મામલે ફોન કરીને જે. કે. ચોકમાં બોલાવ્યો હતો. જ્યાં હર્ષિતને ગાળો ભાંડીને બાદમાં આરોપીઓ અને હર્ષિત નજીકમાં જ આવેલા જ્યોતિનગર ચોક ખાતે ગયા હતા. જ્યાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો. હર્ષિત જાની 2019માં લોકસભાની ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા બાદ નિષ્ક્રિય હોવાનું અને કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરૂ સાથે નિકટતા ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન હર્ષિત કંઈપણ સમજે તે પહેલાં જ અભિષેક અથવા તેના ભાઈ રાજદીપે રિવોલ્વર જેવા હથિયારથી હર્ષિતના પગ પાસે એક ફાયરિંગ કર્યું હતું. જો કે એક ચર્ચા મુજબ આ સાથે હવામાં એક રાઉન્ડ મળીને કુલ બે રાઉન્ડ ફાયરિંગ થયાનું ચર્ચાઈ રહ્યું છે. હર્ષિત જાની પર ફાયરિંગ કર્યા બાદ બંને ભાઈઓ નાસી છૂટ્યા હતા. બાદમાં હર્ષિતે એક ઉચ્ચ પોલીસ અધિકારીને ફોન કરી સમગ્ર ઘટનાથી વાકેફ કરતા યુનિવર્સિટી પોલીસ મથક અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બીજીતરફ આ બનાવની જાણ થતા જ રાજ્યસભાનાં સાંસદ રામ મોકરિયા પણ મોડીરાત્રે જ્યોતિનગર ચોક પહોંચ્યા હતા. અને ઘટના અંગે જાણકારી મેળવી હતી. બાદમાં ફાયરિંગ જેવી મોટી ઘટના હોવા છતાં પોલીસ અધિકારી દ્વારા સમાધાનના પ્રયાસ શરૂ કરાયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે આ સમગ્ર ઘટના નજીકનાં  રેસ્ટોરન્ટના સીસીટીવીમાં કેદ થઈ છે. તેમજ ફાયરિંગ થયું તે વાત સ્પષ્ટ હોવાથી મોડી રાત્રે આ ઘટના અંગે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners