• ગત રોજ પોલીસ અને ચૂંટણી અધિકારીની બેઠક મળી હતી
  • જિલ્લા પંચાયતની ચૂંટણીના તા.8થી 13 તારીખ દરમિયાન ફોર્મની કાર્યવાહી થશે અને 15મીએ ફોર્મની ચકાસણી થશે.

WatchGujarat રવિવારે પોલીસ અને ચૂંટણી અધિકારીની બેઠક મળી હતી. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફોર્મ ચકાસણી કરવા નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જૂની કલેક્ટર કચેરી અને સરવે ભવનમાં ફોર્મની ચકાસણી કરવામાં આવશે. તો બીજીતરફ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ઉપાડવાની શરૂઆત આજે થશે.

મનપાની ચૂંટણી માટે જૂની કલેક્ટર કચેરી અને સરવે ભવનમાં ફોર્મની ચકાસણી કરવામાં આવશે. દરમિયાન બંને સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે. જેમાં ગેટ પરથી જ પ્રવેશ પ્રતિબંધિત રહેશે અને ફોર્મ ચકાસણીમાં જે વોર્ડનો વારો આવશે તેમના ઉમેદવાર અને તેમના ટેકેદારને પ્રવેશ અપાશે. તમામ કાર્યવાહી કેમેરાસામે જ કરાશે. ચૂંટણીપંચે અગાઉથી જ આદેશ આપ્યો હતો કે, ફોર્મ લેતી વખતે તેની પ્રિ-સ્ક્રૂટિની કરવાની રહેશે. અને જો ફોર્મની પ્રાથમિક ચકાસણીમાં કોઇ ત્રૂટિ હોય તો ઉમેદવારોને માર્ગદર્શન પણ આપવાનું રહેશે. આ કારણે જે ફોર્મ આવ્યા હતા તે તમામની પ્રાથમિક સ્ક્રૂટિની થઈ ચૂકી છે અને રદ થવા પાત્ર ફોર્મ હજુ સુધી દેખાયા નથી.

પરંતુ કોંગ્રેસના ઉમેદવારો છેલ્લી ઘડીએ બદલાયા હતા તેથી 3 વાગ્યાની સમયમર્યાદા પહેલા છેલ્લી મિનિટોમાં જે ફોર્મ આવ્યા હતા તે ફટાફટ લેવાઈ રહ્યા હતા. જોકે મેન્ડેટ એ ફોર્મનો મહત્ત્વનો ભાગ હોવાથી તે પણ ચેક કરાય છે. અને અત્યાર સુધીમાં એવા એકપણ ફોર્મમાં કોરા મેન્ડેટ કે પછી સહી કોરી હોય તેવું નીકળ્યું નથી. છતાં અન્ય વિગતોને લઈને કોંગ્રેસના એક દાવેદારનું ફોર્મ રદ થાય તેવી શક્યતા હોઈ ઉમેદવારી જોખમમાં છે.

બીજીતરફ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ઉપાડવાની આજથી શરૂઆત થશે. તા.8થી 13 તારીખ દરમિયાન ફોર્મની કાર્યવાહી થશે અને 15મીએ ફોર્મની ચકાસણી થશે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે એક જ મતદાન મથક રહેશે. જેમાં મતદારે બંને પંચાયત માટે રાખેલા અલગ અલગ ઈવીએમમાં મત આપવાનો રહેશે.

રાજકોટની જિલ્લા પંચાયત અને તમામ 11 તાલુકા પંચાયતમાં 9.42 લાખ મતદાર નોંધાયા છે. ​​​​​​​જેમાં સૌથી વધુ મતદારો ગોંડલ તાલુકામાં 1.40 લાખ અને સૌથી ઓછા મતદારો જામકંડોરણામાં 59133 છે. ગોંડલ નગરપાલિકામાં 88738 મતદાર નોંધાયા છે અને તે ચૂંટણી માટે ગોંડલ પ્રાંત અધિકારી અને મધ્યાહ્ન ભોજનના નાયબ કલેક્ટરને આર.ઓ. બનાવાયા છે. જિલ્લા પંચાયતની 36 સીટ અને 11 તાલુકા વચ્ચે 8 ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud