• રાજકોટમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું
  • દિકરાની સારવાર માટે રૂ. 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. રૂ. 13 લાખ ચૂકવ્યા છતા 10 લાખની પઠાણી ઉઘરાણી કરે છે, મારી મદદ કરી મને ન્યાય આપો – વૃદ્ધા
  • વ્યાજખોરો સામે છેલ્લા 3 વર્ષમાં 117 ફરિયાદ દાખલ કરીને કુલ 326 આરોપીની ધરપકડ કરી આ પૈકીનાં કુલ 7 આરોપીઓને પાસામાં ધકેલી દેવાયા 

WatchGujarat. શહેર પોલીસ દ્વારા રૈયા રોડ પરનાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં આજે સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી વ્યાજખોરીનું દૂષણ ડામવા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાજખોરોથી ત્રાસી ગયેલા અનેક અરજદારો પોલીસ સમક્ષ ન્યાયની માંગ સાથે પહોંચ્યા હતા. આ પૈકી એક વૃદ્ધા તો પોલીસ સમક્ષ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. અને જણાવ્યું હતું કે, દિકરાની સારવાર માટે રૂ. 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેના રૂ. 13 લાખ ચૂકવ્યા છતા વ્યાજખોર પીછો છોડતો નથી. અને હજુપણ 10 લાખની પઠાણી ઉઘરાણી કરે છે, મારી મદદ કરી મને ન્યાય આપો…

https://youtu.be/9VagQLcmVZM

આજના લોકદરબારમાં મોટાભાગે વૃદ્ધ અને મધ્યમ વર્ગીય લોકો આવ્યા હતા. અને પોલીસ પાસે ન્યાયની માંગ. આ તકે અનેક અરજદારોની આંખોમાંથી આંસુ વહેતા જોવા મળ્યા હતા. જેના પરથી સમજી શકાય કે વ્યાજખોરો દ્વારા આપવામાં આવી રહેલો ત્રાસ કેટલો પીડાદાયક છે. આવા જ એક હરિધવા મેઈન રોડ પાર રહેતા વૃદ્ધા કંચનબેન સોલંકી પણ આ લોક દરબારમાં આવી પહોંચ્યા હતા. અને પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરતા તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, દિકરાની કિડનીની સારવાર કરાવવા માટે રૂપિયા 5 લાખ વ્યાજે લીધા હતા. જેના 13 લાખ ચૂકવી આપ્યા છે. છતાં હજુ વધુ 10 લાખની માગણી વ્યાજખોરો દ્વારા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આટલા રૂપિયા દેવા છતાં પોતે દિકરાનો જીવ તો ગુમાવ્યો જ હતો. અને હવે વ્યાજખોરો દ્વારા અપાતો ત્રાસ અસહ્ય બની ગયો છે.

તો અન્ય એક કેસમાં દિપ્તીબેન જૈને જણાવ્યું હતું કે, મારા પુત્ર હાર્દિકને ધંધામાં નુકસાની અને હોસ્પિટલમાં સારવાર અર્થે રૂપિયાની જરૂર હતી. જેને લઈને તેમણે રાજકોટના બે અને ચોટીલાના એક શખ્સ સહિત 3 લોકો પાસેથી રૂ. 2.50 લાખ વ્યાજે લીધા હતા. જેનું 10% વ્યાજ વસૂલી વ્યાજખોર ચેતન બોરીચા, કાના ભરવાડ અને ચોટીલાનો રવિ અવારનવાર ઘરે આવી ધમકી આપતો હતો. જો કે આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરતા જ તુરંત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરી પરિવારને ન્યાય અપાવતા આજે તેઓ શાંતિપૂર્વક પોતાનું જીવન ગુજારી રહ્યા છે. પુત્રવધૂને સારા દિવસો જાય છે. અને પુત્ર હાર્દિક પ્રાઇવેટ નોકરી કરી રહ્યો છે. આ માટે તેમણે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે, શહેર પોલીસ દ્વારા વ્યાજખોરી ડામવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને છેલ્લા 3 વર્ષમાં 117 ફરિયાદ દાખલ કરીને કુલ 326 આરોપીની ધરપકડ કરી આ પૈકીનાં કુલ 7 આરોપીઓને પાસામાં ધકેલી દેવાયા છે. ત્યારે આજે લોકદરબારમાં મોટી સંખ્યામાં આવેલા અરજદારોની અરજીને લઈ આગામી સમયમાં પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્વાસ હાલમાં અરાજદારોમાં જોવા મળી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud