• સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા CM રૂપાણીએ કરોડોનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા
  • ગુજરાતનો ખેડૂત ખૂબ ખુશ છે. કોંગ્રેસ તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. : CM રૂપાણી
  • સ્થાનિક કોંગ્રેસનાં આગેવાનો ખેડૂત સંમેલનની મંજૂરી લેવા માટે પોલીસ કમિશ્નર પાસે પહોંચ્યા હતા.
  • મંજૂરી ન મળતા જિલ્લા પંચાયત ચોકમાં ધરણા શરૂ કરી દીધા હતા.

WatchGujarat રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. જ્યાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા તેમણે કરોડોનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ તકે મીડિયા સાથે કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતનો ખેડૂત ખૂબ ખુશ છે. કોંગ્રેસ તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે આ દરમિયાન જ સ્થાનિક કોંગ્રેસનાં આગેવાનો ખેડૂત સંમેલનની મંજૂરી લેવા માટે પોલીસ કમિશ્નર પાસે પહોંચ્યા હતા. તેમજ મંજૂરી ન મળતા જિલ્લા પંચાયત ચોકમાં ધરણા શરૂ કરી દીધા હતા. જેને લઈને પોલીસે ટીંગટોળી સાથે તમામની અટકાયત કરી હતી. જો કે અટકાયત કરાયેલા અગ્રણીઓએ પ્રનગર પોલીસ મથકમાં પણ ધરણા ચાલુ રાખ્યા હતા.

આજે મીડિયા સાથે કરેલી વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં ખેડૂતોએ આ આખા સમયમાં સ્પષ્ટ બતાવ્યું છે કે, ગુજરાતનો ખેડૂત સંતુષ્ટ છે, ગુજરાતનો ખેડૂત ખૂબ સુખી છે. ખેડૂતને પૂરતા ભાવો મળે છે, પૂરતું પાણી અને સિંચાઈ મળે છે. સમય સમયે જરૂરી બિયારણ મળે છે. એટલે જ ગુજરાતના ખેડૂતે ક્યાંય અસંતોષ વ્યક્ત કર્યો નથી. કોંગ્રેસે છેલ્લા પાંચ વર્ષ ખેડૂતના નામે ખૂબ પ્રયત્નો કર્યા છે. મગરનાં આંસુ પણ સાર્યા છે છતાં ગુજરાતનો ખેડૂત તેની કોઈ વતમોમાં આવ્યો નથી અને આવશે પણ નહીં.

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં રાજકોટમાં આવતીકાલે ભવ્ય ખેડૂત સંમેલન યોજાનાર છે. આ સંમેલનની મંજૂરી લેવા માટે ખેડૂત નેતા પાલ આંબલિયા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂ અને વિપક્ષ નેતા પોલીસ કમિશ્નર પાસે પહોંચ્યા હતા. પરંતુ તેમણે મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરતા જ શહેરમાં સીએમની હાજરી હોવા છતાં જિલ્લા પંચાયત ચોક ખાતે ધરણા શરૂ કર્યા હતા. આ તકે ભાજપ હાય હાય તેમજ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. જેને પગલે પોલીસે ધરણા કરતા તમામની અટકાયત કરી હતી.

આ તકે ઈન્દ્રનીલ રાજગુરૂએ જણાવ્યું હતું કે, ખેડૂતોના સંમેલનને નિષ્ફળ બનાવવા માટે ભાજપનાં ઈશારે જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. લોકશાહી દેશમાં વિરોધ કરવાની મંજૂરી સૌકોઈને મળવી જોઈએ પણ ભાજપ સરકાર આ મંજૂરી નહીં આપી તાનાશાહી કરી રહી છે. આવી તાનાશાહી ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. કિસાન સંમેલન થઈને જ રહેશે. અને આ માટેની મંજૂરી નહીં મળે ત્યાં સુધી અમે ધરણા ચાલુ રાખીશું.

ઉલ્લેખનીય છે કે, એકતરફ ગુજરાતનો ખેડૂત સંતુષ્ટ હોવાની વાત અને બીજીતરફ ખેડૂત આગેવાનોને સાથે રાખી ખેડૂત સંમેલનની મંજૂરી માટે કરાયેલા ધરણાને લઈને રાજકારણ ગરમાયું છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ નજીક આવી રહી છે તે પહેલાં ખેડૂતોની નારાજગી ભાજપને મોંઘી પડી શકે છે. અને કોંગ્રેસ માટે તો હાલ ખેડૂતો સિવાય ચૂંટણી જીતવાનો કોઈ આધાર નથી. ત્યારે ખેડૂતો ખરેખર કોની સાથે છે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ આજે ખેડૂત ખુશ હોવાની વાત દરમિયાન જ ખેડૂત અને કોંગી નેતાઓની અટકાયતને લઈને લોકોમાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud