• રાજકોટનાં મહિલા તબીબ ઉન્નતિબેન ચાવડા તેમજ તેઓના 180 સાથી મિત્રોએ પર્યાવરણ અને પ્રકૃતિની જાળવણી માટેનો સંકલ્પ કરી મુહિમ શરૂ કરી
  • આપણી પાસે કોઇપણ પ્રકારની વનસ્પતિ કે બીજ હોય તો તે સામેવાળી વ્યકિતને ફ્રીમાં આપવાનો અને લેવાનો છે – ડો.ઉન્નતિબેન ચાવડા
  • ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ ચોમાસાની શરૂઆતથી ખાલી જમીન ઉપર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે
  • ડોકટર ઉન્નતિબેન ચાવડાએ 2017માં તેમના રહેણાંક મકાન પાસે રેલવેની ખાલી જગ્યાને પોતાના ખર્ચે લીલીછમ કરી

Watchgujarat. હાલ કોરોના કાળમાં લોકોને ઓક્સિજનનું મહત્વ સમજાયું છે. અને ઓક્સિજન માટેની વૃક્ષોની જરૂરિયાતથી લોકો વાકેફ થયા છે. ત્યારે વાત કરીએ શહેરનાં એવા એક ડોક્ટરની કે જેઓ તેની વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને છેલ્લા 3 વર્ષથી વૃક્ષોનાં વાવેતરની સાથે-સાથે તેનું જતન કરે છે. સાથે જ 180 મેમ્બરનું ‘પ્લાન્ટ એન્ડ સિડસ એકસચેન્જ ગ્રુપ’ પણ ચલાવે છે. આ ગ્રુપની મહિલાઓ દ્વારા એકબીજાના ઘર આંગણે બનાવેલા ગાર્ડનમાંથી અરસપરસ પ્લાન્ટ અને રોપાઓ આપી પ્રકૃતિનું જતન કરવામાં આવી રહ્યું છે.

રાજકોટનાં મહિલા તબીબ ઉન્નતિબેન ચાવડા તેમજ તેઓના 180 સાથી મિત્રોએ પર્યાવરણ અને પ્રકૃતિની જાળવણી માટેનો સંકલ્પ કરી મુહિમ શરૂ કરી છે. આ ગ્રૂપમાં તમામ મહિલા સભ્યો છે, અને ગ્રુપનું નામ પણ પર્યાવરણ પર આધારિત પ્લાન્ટ એન્ડ સિડસ એકચેન્જ લેડીઝ ગ્રૂપ રાખવામાં આવ્યું છે. ગ્રુપના નામ પરથી જ તેના કામ કરવાનો અંદાજ લગાવી શકાય છે. ગ્રુપનાં 180 સભ્યો પર્યાવરણ દિવસે અરસપરસ અને અન્ય લોકોને જુદા-જુદા પ્લાન્ટ અને રોપાનું દાન કરે છે.

ડો.ઉન્નતિબેન ચાવડાનાં જણાવ્યા મુજબ, આ ગ્રુપનો મુખ્ય હેતુ, આપણી પાસે કોઇપણ પ્રકારની વનસ્પતિ કે બીજ હોય તો તે સામેવાળી વ્યકિતને ફ્રીમાં આપવાનો અને લેવાનો છે. તથા વનસ્પતિ વિશે કે પ્લાન્ટ વિશે વધુ જાણકારીની આપ-લે કરવામાં આવે છે. ઔષધીય ઝાડ, ઘરની શોભાનાં ઝાડ કે રોપા કે બિયારણની પણ અરસપરસ નિઃશુલ્ક લેવડ-દેવડ કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા મેળવાયેલા રોપા અને વૃક્ષોનું પાલનપોષણ અને માવજત કરવાની જવાબદારી લેનારની રહે છે.

આ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષ ચોમાસાની શરૂઆતથી ખાલી જમીન ઉપર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. ડોકટર ઉન્નતિબેન ચાવડાએ 2017માં તેમના રહેણાંક મકાન પાસે રેલવેની ખાલી જગ્યાને પોતાના ખર્ચે લીલીછમ કરી છે. આ વિશે તેઓ જણાવે છે કે, મહિલા કોલેજ પાસે આવેલ રેલવેની એક ખાલી જગ્યામાં આવારા તત્વોએ અડ્ડો જમાવ્યો હતો, આજુબાજુમાં રહેતા લોકો ત્યાં એંઠવાડ ફેંકીને ગંદકીનાં ગંજ ઊભા કરતા હતા. આથી રેલવે તંત્રને રજૂઆત કરી તેની શરતોને આધીન 110થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ પૈકી 90 જેટલા છોડ હાલ ઘટાટોપ વૃક્ષ બની ચુક્યા છે. આ ચોમાસામાં પણ 1100 જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન હોવાનું પણ તેમણે કહ્યું હતું.

વધુમાં તેમણે કહ્યું હતું કે, આ સાથે બીજો પ્રોજેકટ પ્લાસ્ટિકનાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો છે. જેમાં તમારા ઘરની અંદર બોટલ ડબ્બા કે કોઈપણ નકામી પ્લાસ્ટિકની વસ્તુ પડી હોય તો તેને ફેંકીને પૃથ્વી ઉપર  પ્લાસ્ટિકનું પ્રદૂષણ કરવાને બદલે તેનો ઉપયોગ કરીએ છીએ. આવા પ્લાસ્ટિકમાં પ્લાન્ટેશન કરીને કે તેમાં ઝાડ ઉગાડી પર્યાવરણનું જતન કરવાનો પ્રયાસ પણ ગ્રુપ દ્વારા સતત કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધીમા-ધીમા વરસાદની શરૂઆત વચ્ચે વાતાવરણ શુદ્ધ કરવા માટે વૃક્ષારોપણ શરૂ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud