• આડેધડ ઈ-મેમા ફટકારી કરોડો રૂપિયા ખંખેરી લેવાયાનો મુદ્દો મનપાની ચૂંટણીને કારણે ગરમાયો
 • સત્તાધારી ભાજપને આ મુદ્દો ચૂંટણીમાં નડી શકે તેવી શક્યતા ધ્યાને લઈ પોલીસ દ્વારા મહદઅંશે ઈ-મેમા જનરેટ કરવાનું બંધ કરાયું

WatchGujarat શહેરમાં વાહનચાલકોને આડેધડ ઈ-મેમા ફટકારી કરોડો રૂપિયા ખંખેરી લેવાયાનો મુદ્દો મનપાની ચૂંટણીને કારણે ગરમાયો છે. સત્તાધારી ભાજપને આ મુદ્દો ચૂંટણીમાં નડી શકે તેવી શક્યતા ધ્યાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હાલ મહદઅંશે ઈ-મેમા જનરેટ કરવાનું બંધ કરાયું છે. આ મુદ્દે શહેરમાં છેલ્લા ઘણાં સમયથી યુવા લોયર્સ એસોસીએશન આંદોલન ચલાવી રહ્યું છે. જે અંતર્ગત હવે પોલીસ કમિશ્નર અને જિલ્લા કલેક્ટર પાસેથી માહિતી અધિકારના કાયદા હેઠળ કેટલીક માહિતી માગવામાં આવી છે. જો કે આ જવાબ દેવા બંને તંત્રો માટે મુશ્કેલ પડશે તે નિશ્ચિત છે.

યુવા લોયર્સ એસો. દ્વારા RTI હેઠળ પૂછાયેલા સવાલ

 • આઈ-વે પ્રોજેક્ટ અંતર્ગત લગાડવામાં આવેલા કેમેરા દ્વારા વાહનચાલકો વિરુદ્ધ ઈ-મેમો (ટ્રાફિક વાયોલેશન નોટિસ) ક્યા કાયદા હેઠળ જનરેટ કરવામાં આવે છે ?
 • ક્યા કાયદા હેઠળ પોલીસને ઈ-મેમો જનરેટ કરવા સત્તા આપવામાં આવી છે ?
 • પોલીસ તંત્ર દ્વારા અત્યાર સુધી કેટલા ઈ-મેમો ઈશ્યુ કરવામાં આવ્યા છે ?
 • કેટલા ઈ-મેમો ક્યા કારણોસર રદ્દ કરવામાં આવ્યા છે ?
 • ઈ-મેમો ક્યા અધિકારી દ્વારા ઈશ્યુ અને રદ્દ કરાય છે ?
 • ટ્રાફિક પોલીસ દ્વારા મોબાઈલમાંથી ફોટા પાડી જે એપ્લીકેશનથી ઈ-મેમો જનરેટ કરવામાં આવે છે તે એપ્લીકેશન સરકારી છે કે ખાનગી ? એપ્લીકેશન ડેવલપરને કોઈ રકમ ચૂકવવામાં આવી છે કે નહીં ?
 • ક્યા કાયદા-પરિપત્રની હેઠળ મોબાઈલમાં ફોટા પાડી ઈ-મેમો જનરેટ કરવામાં આવે છે ?
 • મોબાઈલમાં વાહનચાલકના ફોટા પાડવાની સત્તા કોણે, ક્યારે અને ક્યારથી આપી છે ?
 • આજ સુધી કેટલું સમાધાન શુલ્ક વાહનચાલકો દ્વારા ચુકવવામાં આવ્યું છે ?
 • કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાંથી ક્યા અધિકારી અને કર્મચારી ઈ-મેમો ઈશ્યુ કરે છે ?
 • ઈ-મેમોમાં દર્શાવેલ ટ્રાફિક નિયમનો ભંગ ક્યા હોદ્દાના કર્મચારી દ્વારા નક્કી કરવામાં આવે છે ?
 • ઈ-મેમો પ્રથમવાર કઈ તારીખથી ઈશ્યુ કરવામાં આવ્યા હતા ?
 • આજ સુધી કુલ કેટલી રકમના ઈ-મેમો ઈશ્યુ કરવામાં આવ્યા છે ?
 • આજ સુધી ઈ-મેમોની કેટલી રકમ વાહનચાલકો દ્વારા ભરવામાં આવી છે ?
 • આઈ-વે પ્રોજેક્ટ શરૂ કરવા પાછળના મૂળભૂત ઉદ્દેશ-હેતુઓ શું હતા ?
 • આજ સુધી કેટલા સરકારી વાહનોને ઈ-મેમો ઈશ્યુ કરવામાં આવ્યા છે ?
 • પોલીસના કેટલા માણસોને ઈ-મેમો આપવામાં આવ્યા છે ?

ઉલ્લેખનીય છે કે શહેરમાં જ્યારે આઈ-વે પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા. ત્યારે તેના લોકાર્પણ વખતે મુખ્યમંત્રી સહિતના નેતાઓ દ્વારા તેનો મુખ્ય હેતુ જાહેરમાં દબાણ કરનારાઓને પકડવા, રસ્તા પર ઢોરનો ત્રાસ દૂર કરવાનો, ગંદકી સહિતની સમસ્યા વિશે માહિતી મેળવી તેનો ઉકેલ લાવવાનો જણાવાયો હતો. આ ઉપરાંત (પોલીસ માટે) ગુનેગારો એટલે કે આરોપીઓને પકડવાનો જણાવાયો હતો. પરંતુ મૂળ હેતુ કોરાણે મુકી સીસીટીવી કેમેરાનો ઉપયોગ મુખ્યત્વે ટ્રાફિક, માસ્ક અને લોકડાઉનના નિયમોના ભંગ બદલ લોકો પાસેથી આકરા દંડ થઈ રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud