• પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનાં નિધન બાદ સીએમ રૂપાણી દ્વારા રાજકીય શોક જાહેર કરાયો
  • કૃષિમંત્રી આર.સી. ફળદુએ બેડી માર્કેટ યાર્ડ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનાં બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો
  • ગુજરાતના 18000 થી વધુ ગામડાંઓના ખેડૂતોને વર્ષો જૂની પીડામાંથી મુક્તિ મળવાનો દાવો

WatchGujarat. ગુજરાતનાં કૃષિમંત્રી આર.સી. ફળદુ આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અને બેડી માર્કેટ યાર્ડ ખાતે કિસાન સૂર્યોદય યોજનાનાં બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજનાથી હાલ રાજકોટ જિલ્લાના જ 32 જેટલા ગામોનાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. બાદમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ યોજનાનો વિસ્તાર કરવામાં આવનાર છે. જોકે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનાં નિધન બાદ સીએમ રૂપાણી દ્વારા રાજકીય શોક જાહેર કરાયો હોવા છતાં યોજાયેલા આ કાર્યક્રમને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ તકે ફળદુએ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનાં નિધન પર દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી હતી. તો કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં શાસકોને પ્રજાની પીડાની અનુભૂતિ થતી નહોતી. પરંતુ ભાજપ સરકારે ખેડૂતો અને લોકોની પીડાને સમજી અને તેના નિરાકરણનું ભગીરથ કાર્ય કર્યું છે. તેમજ યોજના દ્વારા ગુજરાતના 18000 થી વધુ ગામડાંઓના ખેડૂતોને વર્ષો જૂની પીડામાંથી મુક્તિ મળવાનો દાવો પણ તેમણે કર્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે કિસાનોને અનેક પ્રકારની મુશ્કેલીઓથી મુક્તિ અપાવતું બીજા તબક્કાનું ઐતિહાસિક ચરણ મંડાયું છે. ખેડૂતોની સુખાકારી માટે હાથ ધરાયેલી આ યોજનાના પ્રથમ તબક્કામાં સમગ્ર ગુજરાતના 1055 ગામડાઓને આવરી લેવામાં આવ્યા છે. જ્યારે બીજા તબક્કામાં રાજયના 2702 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ રૂપાણી સરકાર કોરોના કાળમાં પણ સતત ખેડૂતોની ચિંતા કરતી હોવાનું જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud