• ગેરકાયદે એપ્લીકેશનનાં ઉપયોગથી શેરબજારમાં ડિમેટ ધરાવતાં દેશભરના લોકો સાથે છેતરપીંડી
  • રોકાણ કરવાથી સો ટકા ફાયદો થશે તેવી લાલચ આપી નાણા પડાવતા
  • શેરબજારમાં ડીમેટ ધરાવતા લોકોના ડેટા લઈ તેના દ્વારા અલગ અલગ રાજયોમાં રહેતા નાગરીકોને ફોરેક્ષ ટ્રેડિંગમાં મોટો નફો રળવાની લાલચ આપી તેની જાળમાં ફસાવતા

WatchGujarat. ફોરેક્ષ ટ્રેડિંગના નામે છેતરપીંડી કરતી ગેંગનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. અને ચાર યુવતિ સહિત સાતને ઝડપી લીધા છે. આ આરોપીઓ બે ગેરકાયદે એપ્લીકેશનનાં ઉપયોગથી શેરબજારમાં ડિમેટ ધરાવતાં દેશભરના લોકો સાથે છેતરપીંડી કરતા હતા. ગ્રાહકોને તેઓ પોતાની એપ્લીકેશન કે જે ઓટોમેટીક ટ્રેડ થાય છે તેમાં રોકાણ કરવાથી સો ટકા ફાયદો થશે તેવી લાલચ આપી નાણા પડાવતા હતાં. અને બાદમાં ગ્રાહકનું ખાતું અને પોતાનો મોબાઈલ પણ બંધ કરી દેતા હતા. હાલ ક્રાઇમ બ્રાંચે સુત્રધાર લતિફ નામના તેના બે સાથીદાર અને કોલ સેન્ટરમાં નોકરીએ રહેલી ચાર યુવતિઓ સહિત સાતને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ ફુલછાબ ચોક સ્ટાર પ્લાઝા એપાર્ટમેન્ટની INSURE CARE નામની ઓફીસમાં ફોરેક્ષ ટ્રેડિંગનાં નામે જુદા-જુદા રાજયના લોકો સાથે છેતરપીંડી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને લઈ ઓફિસમાં દરોડો પાડી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી લેવાયુ છે. તેમજ પીએસઆઇએ ફરિયાદી બની લતીફ ઇરશાદભાઈ નરીવાલા (સંચાલક) આમીર અમીનભાઈ નરીવાલા (સુપરવાઇઝર), નશરુલ્લાહ અસ્પાકભાઇ પારૂપીયા (આસી. સુપરવાઇઝર) ઉપરાંત કોલ સેન્ટરની ટેલીકોલર કાજલબેન મકવાણા, કોમલબેન હરેશભાઇ પ્રાગડા, પુજાબેન રસીકભાઇ સોલંકી, સાહીસ્તાબેન વસીમભાઇ કુંપી સામે ગુનો નોંધી સાતેયની અટકાયત કરવામાં આવી છે.

જાણો કેવી હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી

આ ગેંગનાં તમામ આરોપીઓ પૂર્વયોજીત કાવતરાનાં ભાગ રૂપે શેરબજારમાં ડીમેટ ધરાવતા લોકોના ડેટા લઈ તેના દ્વારા અલગ અલગ રાજયોમાં રહેતા નાગરીકોને ફોરેક્ષ ટ્રેડિંગમાં મોટો નફો રાળવાની લાલચ આપી તેની જાળમાં ફંસાવતા હતા. જેમાં કોલસેન્ટર દ્વારા ગ્રાહકને ફોન કરી 200-500 ડોલર એટલે, 15થી35 હજારમાં પોતાની બન્ને મોબાઇલ એપ્લીકેશનમાં ટ્રેડ કરી ચોકકસ નફો થવાની ખાતરી આપતા હતા. આ બંને એપ્લિકેશન દ્વારા ઓટોમેટિક ટ્રેડ કરી 100 ટકા નફો થવાનું કહેતા હતા. અને નફામાં 30% કમિશન આપવાનું કહેતા હતા

બાદમાં ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, પાનકાર્ડ, બેંક ડીટેઇલ અલગ અલગ વોટસએપ નંબર મેળવી અને ઉપરોકત બન્ને મોબાઇલ એપ્લીકેશનમાં ફોરેક્ષ ટ્રેડીંગનું એકાઉન્ટ બનાવતા હતા. ત્યારબાદ એકાઉન્ટ એકટીવ કરી કોલસેન્ટર દ્વારા ભારતના અલગ અલગ રાજયના નાગરીકને આરોપીઓના અલગ અલગ બેંક એકાઉન્ટમાં પ્રથમ આશરે રૂ. 15થી35 હજાર રૂપિયા UPI અથવા બેંક એકાઉન્ટમાં જમા કરાવવાનું કહેવાતું હતું. ત્યારબાદ બે ત્રણ દિવસમાં જ તેના એકાઉન્ટમાં માત્ર મોબાઇલ એપ્લીકેશનમાં સોફટવેર મારફત નફો થયો હોવાનો ખોટો દેખાવ ઉભો કરાતો હતો.

નફો દેખાડ્યા બાદ રોકાણકારને ફોન કરી તમને બે-ત્રણ દિવસમાં જ રૂ.30 હજારનો નફો થયો છે. તમારે રકમ વિડ્રો કરવી હોય તો અમારા એકાઉન્ટમાં કમિશન પેટે 30 ટકા રકમ (દસ હજાર) જમા કરાવો તો જ વિડ્રો થઇ શકશે તેમ કહેવાતું હતું. ગ્રાહક આ રકમ જમાં કરાવે પછી પણ માત્ર રૂ. 3500 જ વિડ્રો કરી શકતા હતા. એ પછી તેને સમજાવી બીજી રકમ થોડા દિવસ પછી વિડ્રો થશે તેમ જણાવી તેનું એકાઉન્ટ બ્લોક કરી તેની સાથે વાત કરી હોય તે ફોન નંબર પણ બંધ કરી છેતરપીંડી આચરવામાં આવતી હતી.

પોલીસે સાતેય તમામ આરોપીઓની અટકાયત કરી ઓફિસમાંથી લેપટોપ માઉસ, ચાર્જર, રાઉટર, અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન, લાઇટબીલ, સ્ક્રીપ્ટ, હાજરી રજીસ્ટર, લીડ ડેટા સહિત કુલ રૂ. 99,000નો મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આરોપીઓ કેટલા સમયથી આ કામ કરતા હતા અને અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે કેટલાની છેતરપીંડી કરી છે તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરાઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud