• મલેશિયામાં દેહવેપારમાં વહીદા અને તેના પુત્ર ફિરોઝે ધકેલેલી તલાકસુદા યુવતીને પાકિસ્તાનીએ મલેશિયા પોલીસમાં રહેલી તેની ભાભીની મદદથી બચાવી હતી
  • વહીદા અને તેની બહેન મહમદી સ્ટીકર વેચવાના ધંધાનું કહી યુવતીને મલેશિયા દેહવીક્રિયના વેપલા માટે લઈ ગયા હતા
  • મુન્નીના પુત્ર ફિરોઝે 5 વર્ષમાં અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું, ગર્ભ રહી જતા 30 ઓગસ્ટ 2013 માં પીડિતાને પુત્રનો જન્મ, 1 વર્ષમાં જ ખેંચની બીમારીથી મોત
  • યુવતીએ ચુંગાલમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા વહીદા અને તેનો પુત્ર મારી નાખવાની અને તેનાં લગ્નના આલ્બમ બધાને બતાવી દેવાની ધમકી આપી તેની પાસે જબરદસ્તી આ ધંધો કરવા મજબૂર કરતા
  • 2017 માં પીડીતાએ કલેકટરને મળી આપવીતી રજૂ કરતા પોલીસે ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્સન એકટ સહિત 29 કલમો હેઠળ 16 આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો

Watchgujarat. ભરૂચની તલાકસુદા યુવતીના ગુજરાતના 14 જિલ્લામાં 27 લગ્ન અને 3 સગાઈ કરાવી મલેશિયા દેહવેપારમાં ધકેલનાર 4 વર્ષથી વોન્ટેડ મલેશિયાકાંડની મુખ્યસૂત્રધાર વહીદા ઉર્ફે મુન્નીને ભરૂચ પેરોલ ફ્લો સ્કવોર્ડ પકડી પાડી છે. પીડિતાને મલેશિયાથી વહીદાની ગેંગમાંથી છોડાવવા પાકિસ્તાનીએ મદદ કરી હતી.

વર્ષ 2017માં મલેશિયામાં દેહવેપારના ધંધામાં ધકેલાયેલી ભરૂચની યુવતીને પાકિસ્તાની શખસે મલેશિયાની પોલીસમાં ફરજ બજાવતી તેની ભાભીની મદદથી બચાવી લીધી હતી. યુવતીને દેહવેપારમાં ધકેલનાર ભરૂચની 2 મહિલાને મલેશિયા પોલીસે પકડી જેલમાં મોકલી આપી હતી. મલેશિયામાં પ્રકાશમાં આવેલો આ સમગ્ર મામલો ભરૂચ પોલીસ સમક્ષ આવતાં શહેરની એક તલાકસુદા આ મહિલાને લગ્ન અને સગાઈની આડમાં પુરુષો સાથે નાણાકીય છેતરપિંડી કરી વેચી દેવાતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

ભરૂચની તલાકસુદા મહિલાની મજબુરીનો લાભ ઉઠાવનાર ગેંગે યુવતીનાં ગુજરાતભરના 14 જિલ્લાઓમાં 27 જેટલા પુરુષો સાથે બોગસ લગ્ન તથા 3 સગાઈ કરાવી તેમની પાસેથી નાણાં ખંખેરી થોડાંક દિવસો સુધી યુવતીને પત્ની તરીકે તેમની સાથે રાખી પરત ભગાડી લાવતાં હતા.

વહીદા ઉર્ફે મુન્ની

ભરૂચ શહેરની સામાન્ય પરિવારની એક મુસ્લિમ યુવતીનાં લગ્ન શહેરના લાલબજાર વિસ્તારમાં રહેતાં એક યુવાન સાથે થયાં બાદ ત્રણ વર્ષ સુધી તેને કોઈ સંતાન ન થતા બંનેએ સંમતિથી તલાક લઈ છૂટા થયાં હતાં. આ ઘટના બાદ યુવતીએ અન્ય એક યુવાન સાથે લગ્ન કરતાં તે યુવાનને તેજ યુવતીની બહેન સાથે પ્રેમ થઈ જતાં બીજા લગ્નમાં પણ યુવતીને નિષ્ફળતા મળી હતી અને તે નિરાશ થઈ ગઈ હતી.

દરમિયાન આ યુવતી એક વહીદા નામની સ્ત્રીનાં સંપર્કમાં આવી હતી . વહીદા તેને પોતાનાં ઘરે જબદસ્તી લઈ ગઈ હતી. ત્યારબાદ વહીદાએ યુવાન વયની અને લગ્નમાં નિષ્ફળ ગયેલી યુવતીની મજબુરીનો લાભ લઈ તેને લગ્ન અને સગાઈના નામે વેચવાનો ગોરખધંધો શરૂ કરી દીધો હતો.

વહીદા અને તેની બહેન મોહંમદી , એઝાઝ , ફિરોજ , રેહાના , સિકંદર શેખ , ઝરીના , માયા ઊર્ફે સુનિતા , સવિતા , ભૂપત , મધુ . સોનલ , કાંતિ દલાલ , કિશોર દલાલ , ઈકબાલ જાડિયો તથા અન્ય દલાલોની ગેંગે પ્રાંતિજ , બાવળા , તળાજા , પાવાગઢ , ધ્રાંગધ્રા , રાજકોટ નજીકના ગામ , વિસનગર , વિરમગામ , વડોદરા , સુરત , અંકલેશ્વર , કચ્છ , પિલવાઈ ગામ , મોરબી , દિશા , નડિયાદના ખોજબલ ગામ , લુણાવાડાના વિરપુર સોરડિયા ગામ , રાજુલાના ખાજબાઈ ગામ , અમદાવાદના ખોરજ ગામ , કપડવંજ મોટીજેર ગામ , સુરતના ઉધના ડીંડોલી , વિજાપુરનું રાડોલ ગામ તથા ભરૂચના ફલશ્રુતિનગર વિસ્તારનાં પુરુષો સાથે મંદિરોમાં હિન્દુવિધી મુજબ લગ્ન કરાવી આ પુરુષો પાસેથી તગડી રકમ વસૂલ કરી યુવતીને થોડાંક દિવસો માટે તેમનાં હવાલે કરી ત્યાંથી ભાગી છુટતાં હતા.

યુવતીનાં જે પુરુષ સાથે લગ્ન થતાં હતાં , તે પુરુષ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધતા હતા . ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ યુવતીને પરત લઈ જઈ થોડાંક દિવસોમાં નવા મુરતિયા શોધી યુવતીને તેમનાં હવાલે સોંપી નાણાં લઈ રીતસર યુવતીને વેચવાનો લાંબા અરસાથી ગોરખધંધો ચલાવી રહ્યાં હતાં.

યુવતીએ આ ચુંગાલમાંથી બહાર નીકળવાની કોશિશ કરી હતી ત્યારે વહીદા અને તેનો પુત્ર ફિરોજ તેને મારી નાખવાની અને તેનાં લગ્નના આલ્બમ બધાને બતાવી દેવાની ધમકી આપી તેની પાસે જબરદસ્તી આ ધંધો કરવા માટે મજબૂર કરતા હતા . દરમિયાન 2017 માં વહીદા અને તેની બહેન મોહંમદીએ યુવતીને સ્ટિકર વેચવાનો ધંધો કરવાની વાત કરી મલેશિયા લઈ જઈ ત્યાં દેહવેપારના ધંધામાં જબરદસ્તી ધકેલવાની કોશિશ કરી હતી . ત્યારે મલેશિયાની લાહોર હોટલમાં તેની બાજુના રૂમમાં રોકાયેલાં એક પાકિસ્તાની નાગરિકને તેણે પોતાની સાથે થઈ રહેલી જબરદસ્તીની ઘટના જણાવી હતી.

પાકિસ્તાની નાગરિકે યુવતીને પોતાનો મોબાઈલ નંબર આપી કોઈપણ તકલીફ પડે ત્યારે કોન્ટેક કરવા જણાવ્યું હતું . દરમિયાન ગત 4 મે 2017 ના રોજ યુવતી હોટલમાંથી ભાગી છૂટવામાં સફળ થયાં બાદ તેણે પાકિસ્તાની નાગરિકનો સંપર્ક કરી મદદની ગુહાર લગાડતાં પાકિસ્તાની નાગરિકે મલેશિયાની પોલીસમાં ફરજ બજાવતી તેની ભાભીને સમગ્ર ઘટના બાબતે જણાવતાં મલેશિયા પોલીસે તાત્કાલિક અસરથી યુવતીને દેહવેપારમાં ધકેલવાની કોશિશ કરનાર ભરૂચની વહીદા અને મોહંમદીની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યા હતા .

મલેશિયામાં સજા ભોગવી ચુકેલી વહિદા ઉર્ફે મુન્ની ઉર્ફે મીના અલ્લારખા પઠાણ રહે . રૂંગટા સ્કુલની પાછળ , સુથીયાપુરાની ખાડી , ભરૂચ ઇન્ડિયા પરત ફરી હતી. બીજી તરફ ભરૂચ પેરોલ ફ્લો સ્કવોર્ડને તે તેના ઘરે આવી હોવાની માહિતી મળતા 4 વર્ષથી મલેશિયા કાંડમાં વોન્ટેડ મુખ્ય સૂત્રધાર મુન્નીને આજે ગુરૂવારે પકડી પાડવામાં આવી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ભરૂચના રહાડપોર ગામે ભાડાના મકાનમાં વહીદાએ કૂટણખાનું શરૂ કર્યુ

વર્ષ 2012 માં વહીદાએ ભરૂચના રહાડપોર ગામે મકાન ભાડે લઈ ત્યાં કૂટણખાનું શરૂ કર્યું હોવાનું 2017 માં ભોગ બનનારે પોલીસને હકીકત જણાવી હતી. અલગ અલગ ગ્રાહકો પાસે પીડિતાને વહીદા શરીર સંબંધ બાંધવાની ફરજ પાડતી હતી.

વહીદાનાં પુત્ર ફિરોઝે 5 વર્ષમાં અનેકવાર બળાત્કાર ગુજાર્યો

વહીદાનો પુત્ર ફિરોઝ પીડિતા ઉપર નજર રાખતો હતો અને 5 વર્ષ દરમિયાન અનેકવાર તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનું 2017માં પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. મજબુરીનો લાભ લઈ અવારનવાર ગુજારેલા બળાત્કારમાં ગર્ભ રહી જતા વહીદા અને ફિરોઝ તેને પડાવવા માગતા હતી. જોકે 30 ઓગસ્ટ 2013 ના રોજ પીડિતાને પુત્રનો જન્મ થયો હતો. જેનું એક વર્ષ બાદ ખેંચની બીમારીથી મોત થયું હતું .

મલેશિયા પોલીસે વહીદા ઉર્ફે મુન્ની અને તેની બહેન મોહમદીની ધરપકડ કરી સજા ફટકારી હતી

મલેશિયા પોલીસે વહીદા અને મોહંમદીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે સજા ફટકારી હતી. જયારે મલેશિયા એમ્બેસી દ્વારા પીડિતાને પરત ભારત મોક્લાઈ હતી . પીડિતા ભરૂચ પહોંચ્યા બાદ સીધી ક્લેકટર પાસે પહોંચી હતી . ઉચ્ચ અધિકારીઓએ આપવીતી સાંભળ્યા બાદ ગુનો દાખલ કરવાનું નક્કી કર્યુ હતુ . ભરૂચ બી ડિવિઝન પોલીસે આઈપીસીની વિવિધ કલમો અને ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્સન એકટની મળી કુલ 29 કલમો હેઠળ 16 આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud