• ભાજપનાં નેતાઓ ચૂંટણીને કારણે કોરોના ફેલાયો હોવાનું સ્વીકારવા પણ તૈયાર નથી
  • ધારાસભ્યનાં કહેવા મુજબ કોઈને કોરોના થવો જ ન જોઈએ. તો પછી આકરા નિયમોની જરૂર શુ છે ?
  • બેજવાબદાર નિવેદનના કારણે ધારાસભ્ય હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકાયા

WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ચૂંટણીઓ બાદ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. તેમજ પોઝીટીવ કેસોની સંખ્યા ડબલ કરતા વધુ થઈ છે. એટલું જ નહીં રિકવરી રેઈટમાં પણ 2%થી વધુનો માતબર ઘટાડો નોંધાયો છે. જો કે ભાજપનાં નેતાઓ ચૂંટણીને કારણે કોરોના ફેલાયો હોવાનું સ્વીકારવા પણ તૈયાર નથી. ગઈકાલે સીએમ રૂપાણીએ ચૂંટણી નહોતી તેવા સ્થળોએ પણ કોરોના વકર્યો હોવાનો બચાવ કર્યો હતો. ત્યારે આજે ધારાસભ્ય ગોવિંદ પટેલે, ‘ચૂંટણીમાં ભાજપનાં કાર્યકરોએ કાળી મજૂરી કરી છે. અને આવી મજૂરી કરે તેને કોરોના નો થાય’ તેવો બફાટ કરતા જ લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ચૂંટણીને કારણે કોરોના વકર્યો કે નહીં ? તે સવાલનો જવાબ આપતા ધારાસભ્ય ગોવિંદ પટેલે કહ્યું હતુ કે, આજે બધા જ નગરસેવકો, સંસદ સભ્યો સહિતનાને બોલાવ્યા છે. કોરોનાએ જે ફરીવાર માથું ઊંચક્યું છે, તેની સામે સૌએ મળીને લડવું પડશે. વેકસીનેશનને લઈ લોકોમાં ભય હોવાથી આ કામગીરી ઝડપથી થતી નથી. લોકોને મારી અપીલ છે કે તમામ ડર છોડીને વેકસીન માટે આગળ આવે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મેં પણ પ્રધાનમંત્રીનાં કહેવા મુજબ વેકસીનેશન કરાવ્યું છે. હાલ શહેર અને રાજ્યમાં સરકાર દ્વારા સિનિયર સીટીઝન તેમજ કોઈ બીમારી ધરાવતા 45થી60 વર્ષના લોકોને રસી તદ્દન ફ્રી આપવામાં આવી રહી છે. સાથે જ નાસ્તાની કે પાનની દુકાનોએ પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની સૂફીયાણી સલાહ આપી હતી. આ તકે ચૂંટણીને કારણે કોરોના ફેલાયો હોવા અંગે પુછાતા તેમણે કહ્યું હતું કે, જે લોકો મહેનત કરે છે મજૂરી કરે તેને કોઈને કોરોના લાગતો નથી. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરોએ પણ મહેનત અને મજૂરી કરી છે. એટલે જ એકપણ કાર્યકર કોરોનાથી સંક્રમિત થયો નથી.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સમયે અને જીત મેળવ્યા પછી પણ ભાજપનાં નેતાઓ દ્વારા ખુલ્લેઆમ બધા નિયમોનો ઉલાળીયો કરવામાં આવ્યો હતો. જેને આ ધારાસભ્ય મહેનત-મજૂરી ગણાવી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું પ્રજા મહેનત નથી કરતી ? અને જો કરે છે તો ધારાસભ્યનાં કહેવા મુજબ કોઈને કોરોના થવો જ ન જોઈએ. તો પછી આકરા નિયમોની જરૂર શુ છે ? કે પછી નિયમો ભાજપનાં નેતાઓ માટે નથી હોતા ? સહિતના અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

જો કે, ગોવિંદ પટેલે ગણતરીની કલાકોમાં પોતાના વિવાદિત નિવેદનની માફી માંગી છે. અને જણાવ્યું છે કે, આ નિવેદનથી જો કોઈપણ લોકોની લાગણી દુભાઇ હોય તો તેમની માફી માંગુ છું. લોકોની લાગણી દુભાવવાનો મારો કોઈ ઈરાદો ન હતો. આ નિવેદન આપ્યા બાદ મીડિયાનાં માધ્યમથી તરત જ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. અને કોઈને પણ દુઃખ થયું હોય તો તેના માટે હું માફી માંગુ છું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud