• ખેતીકામ કરતા નીતિનભાઈ મગનભાઈ દેત્રોજા નામના પટેલે મીતાણા ગામના ઉર્વેશ પટેલને બગદાણા જાવા માટે ઈકો કાર ભાડે આપી હતી
  • કારનું ભાડુ નહિ આવતા ખેડુતે પૈસાની માંગણી કરી
  • પૈસા વસુલવા ચુનારવાડામાં રહેતી જાનકીબેનનો સંપર્ક કરવાનું જણાવાયું
  • આખરે ખેડુતને બહેલાવીને ફોસલાવીને મળવા બોલાવ્યા બાદ પૈસાની માંગણી કરવામાં આવી, આખરે પોલીસ આવી જતા ભાંડો ફુટ્યો

Watchgujarat. શહેરમાં હનીટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોરબીના ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા ખેડૂતને પોતાની ઇકો કાર દેવી મોંઘી પડી હતી. શહેરની યુવતીએ ઈકો કારનું ભાડું નહીં આપતા ખેડૂતે તેને ફોન કર્યો હતો. દરમિયાન યુવતીએ ફ્રેન્ડશીપ કરવાના બહાને હડાળા મળવા બોલાવ્યો હતો. તેમજ ત્યાં અગાઉથી જ આવી ગયેલી યુવતી સહિતનાઓ બાઇકમાં અપહરણ કરી ખેડૂતને માંડાડુંગર લાવ્યા હતા. અને પોલીસની ઓળખ આપી દુષ્કર્મના ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયા અઢી લાખની માંગ કરી હતી. જો કે નસીબજોગે ત્યારે જ પોલીસ આવી જતા એક કિશોર અને ચાર મહિલાઓ સહિત કુલ 6ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત મુજબ, ટંકારાના નેકનામ ગામે રહેતા અને ખેતીકામ કરતા નીતિનભાઈ મગનભાઈ દેત્રોજા નામના પટેલે મીતાણા ગામના ઉર્વેશ પટેલને બગદાણા જાવા માટે ઈકો કાર ભાડે આપી હતી. જેમાં રૂપિયા 2500 ભાડું નક્કી કરાયું હતું. બીજા દિવસે જ તેઓ ગાડી લાવ્યા હતા. પરંતુ ભાડું મળ્યું નહોતું. અને ફોન કરવા છતાં દસેક દિવસ ફોન પણ ઉપાડયો ન હતો. બાદમાં તેણે નીતિનભાઈનો નંબર ચુનારાવાડ નજીક રહેતી જાનકીબેન કનકભાઈ કુંભાર નામની યુવતીને આપ્યો હતો.

આ યુવતિએ અવારનવાર ફોન કરી મારે તમને જોવા છે. તમે મને મળવા આવો મારે ફ્રેન્ડશીપ કરવી છે તેવી વાતો શરૂ કરી હતી. જેને લઈને ખેડૂત હડાળા મળવા ગયા હતા. દરમિયાન એક પુરુષ અને બે મહિલા આવી ચડ્યા હતા. અને અમે પોલીસ છીએ તમે આ યુવતી સાથે ખોટું કરો છો તેમ કહી બાઇકમાં વચ્ચે બેસાડીને રાજકોટનાં માંડાડુંગર પાસે આવેલ મોગલ માતાજીના મંદિરે લઇ ગયા હતા. ત્યારે ઉર્વેશ પટેલ પણ સાથે જ હતો. અને ખેડૂતને મંદિરમાં રૂમમાં ગોંધી રાખ્યો હતો.

આ તકે ત્યાં રહેતા ભુઇમા ગીતાબેન પણ હાજર હતા. આ લોકોએ પોલીસની ખોટી ઓળખ આપી મારકૂટ કરી હતી. અને ફડાકા ઝીકી ફોન સહિત આધારકાર્ડ પડાવી લીધુ હતું. બાદમાં દુષ્કર્મના કેસમાં ફિટ કરાવી દેવાની અને 10 વર્ષ જેલમાં જવું પડશે તેવું કહી અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે સદનસીબે આ સમયે પેટ્રોલીંગમાં રહેલ આજી ડેમ પોલીસ સ્ટાફ આવી પહોંચતા આ હનીટ્રેપનો પ્લાન ફેઈલ થઇ ગયો હતો.

આ મામલે ભોગ બનનાર ખેડૂત નીતિનભાઈ મગનભાઈ દેત્રોજાએ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે ચુનારાવાડની જાનકીબેન કુંભાર, મીતાણાના ઉર્વેશ પટેલ, ભુઈમાં ગીતાબેન, જીલુબેન, અશિષભાઈ અને એક સગીરની ધરપકડ કરી છે. અને હાલ ખેડૂતને હનીટ્રેપમાં ફંસાવવાના આરોપસર બધા સામે ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud