• રાજકોટના વોર્ડ નં. 14નાં મહિલા કોર્પોરેટર વર્ષાબેન રાણપરાની એક મહિલા સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો
  • ઓડિયોમાં વર્ષાબેન મહિલાને સ્પષ્ટ કહે છે કે તમારા વિસ્તારમાંથી એક મત નથી મળ્યો, કામ માટે મને ફોન કરતા નહીં
  • મારી આ ભૂલ બદલ હું પ્રજાની માફી માંગુ છું. – વર્ષાબેન રાણપરા

WatchGujarat. શહેરમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રજાએ ભાજપને ખોબલે-ખોબલે મત આપ્યા છે. અને 18 પૈકી 17 વોર્ડમાં ભાજપની પેનલોનો વિજય થયો છે. પરંતુ હવે આ પ્રજા જ્યારે કામ માટે નગરસેવકને ફોન કરે છે ત્યારે તેની સાથે ગેરવર્તન થતું હોવાની વધુ એક વાત સામે આવી છે. જેમાં વોર્ડ નં. 14નાં મહિલા કોર્પોરેટર વર્ષાબેન રાણપરાની એક મહિલા સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં વર્ષાબેન મહિલાને સ્પષ્ટ કહે છે કે તમારા વિસ્તારમાંથી એક મત નથી મળ્યો, કામ માટે મને ફોન કરતા નહીં. જો કે ઓડિયો વાયરલ થયા બાદ પોતાને ઉશ્કેરવામાં આવતા આવું બોલાઈ ગયું હોવાનું જણાવી તેમણે પ્રજાની માફી માંગી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ ઓડિયોકિલપમાં એક સ્થનિક મહિલાએ વર્ષાબેનને ફોન કરીને કહ્યું હતું કે, અહીં ઘણા દિવસથી ડામર રોડ કરવા કોઈ આવતા નથી. જેને લઈને બાળકોને ઇજા થવાનો ભય રહે છે અમારા વિસ્તારમાં ગંદકીના ગંજ જામ્યા હોવાથી બાળકો બીમાર થવાની દહેશત છે. તમે કૈંક કરો, ત્યારે પ્રથમ તો વર્ષાબેને ફોન કટ કરી નાખે છે, ત્યારબાદ ફરી મહિલાએ ફોન કરતા વર્ષાબેન ઉકળી ઉઠ્યા હતા અને કહ્યું હતું કે તમારો વિસ્તાર કયો છે ? ત્યારે સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, હું નવયુગ પરા સાત નંબર માંથી વાત કરું છું. જેના વર્ષાબેને કહ્યું હતું કે, જા ને હવે, તમારા વિસ્તારમાંથી એક પણ મત નથી મળ્યો, હવે મને ફોન કરતા નહીં. આટલું કહીને ફોન કટ કરી નાખ્યો હતો.

જો કે આ ઓડિયોક્લિપ વાયરલ થયા બાદ વર્ષાબેને મીડિયા સાથે વાતચીત કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, એક બાદ એક ચારેક લોકોએ ઉપરાઉપરી કોલ કરી મને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ મત નથી મળ્યા તેવું બોલાઈ ગયું હતું. અને મારી આ ભૂલ બદલ હું પ્રજાની માફી માંગુ છું. પરંતુ લોકોએ પણ પોતાના વિસ્તારનાં કામ માટે નગરસેવકોની પાછળ પડી જવાને બદલે સહયોગ આપવો જરૂરી છે.

ઉલ્લેખનીય કે આજથી 4 મહિના પહેલા રાજકોટના 18 વોર્ડના કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા હતા. અને જનરલ બોર્ડ મળવાનું હતું ત્યારે વર્ષાબેન રાણપરાએ જણાવ્યું હતું કે, મારા વિસ્તારમાં કોઈ સમસ્યા નથી. ત્યારે આ કિલપ ચર્ચાનું કેન્દ્ર બની છે. તેમજ ચૂંટણી સમયે મત માંગવા અને મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવનાર કોર્પોરેટરો સમક્ષ પ્રજા પોતાના પ્રશ્નો રજૂ કરે છે, ત્યારે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર લોકોની વાત સાંભળવાને બદલે સ્થાનિકો સાથે દાદાગીરી કરતા હોય તેવી છાપ ઉપસી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud