• ચૂંટણી ટાણે રાજકીય પાર્ટીઓ સામે કાર્યવાહી કરવાને બદલે હાથ પર હાથ મૂકી બેસી રહેલું તંત્ર હવે કોરોના સંક્રમણને વધતું અટકાવવા દોડતું થયું.
  • ચૂંટણી ટાણે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ યાદ નહીં કરનાર પ્રદીપભાઈ ડવ, હવે માસ્ક પહેરેલાં લોકોને જ માસ્ક વ્હેંચવા નિકળ્યાં!

Watch Gujarat. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે રાજકીય અગ્રણીઓ – ઉમેદવારો દ્વારા કોવિડ ગાઈડલાઈનનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવા છતાં હાથ પર હાથ મૂકી બેસી રહેનાર તંત્ર હવે કોરોના સંક્રમણને વધતું અટકાવવાં દોડતું થયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજરોજ મિડીયાને સાથે રાખી માસ્ક વિતરણની ‘સેવા’ કરી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા નિકળેલાં મેયરને એક મહિલાએ રોકડું પરખાવી દીધું હતું. હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તેની સામે નક્કર કામગીરી કરવામાં ધ્યાન આપવાને બદલે મેયર આમ યૂઝ એન્ડ થ્રો માસ્ક વિતરણ કરવા નિકળ્યાં એ મુદ્દે રાજકીય મોરચે ચર્ચા ઉઠી હતી.

કોરોના સંક્રમણમાં ચિંતાજનક રીતે વધી રહ્યું હોવાથી કોર્પોરેશન અને કલેક્ટર તંત્ર હરકતમાં આવ્યાં છે. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગની કામગીરી ઝડપી બનાવવા માટે કેકેવી ચોક અને રૈયા સર્કલ સહિતનાં સ્થળોએ ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. તેમજ શહેરનાં બસપોર્ટ ઉપરાંત રેલવે સ્ટેશન પર પણ બહારથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે કલેક્ટર તંત્ર દ્વારા ડોક્ટર્સ સહિતનાં જરૂરી સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

સિટી બસમાં મુસાફરોને અગવડ પડે તેમ માસ્ક વિતરીત કરવાનો શું લાભ?

આજે સવારે 10 વાગ્યે રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવ જાતે માસ્ક વિતરણ કરવા નિકળ્યાં હતાં. 150 ફૂટ રિંગ રોડ પર રીક્ષા ચાલકોને માસ્કનું વિતરણ કરવા સાથે તેઓ સિટી તેમજ બીઆરટીએસ બસોમાં માસ્કનું વિતરણ કરવા ચડ્યા હતાં. મેયરના માસ્ક વિતરણ કાર્યક્રમને પગલે સિટી બસના મુસાફરોનો સમય બગડ્યો તેમજ મિડીયા કર્મીઓ સાથે બસમાં મેયર ચડતાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયું નહોતું. એકંદરે, સિટી બસમાં મુસાફરોને અગવડ પડે તે રીતે મેયર માસ્ક વિતરણ કરવા પહોંચ્યા હતાં. જેનો કોઈ અર્થ સરતો નથી.

માસ્ક પહેરેલાં લોકોને જ યૂઝ એન્ડ થ્રો 1 માસ્ક આપી રહેલાં મેયર પ્રદીપ ડવને એક મહિલાના રોષનો ભોગ બનવું પડ્યું હતું. એક તબક્કે મહિલાએ માસ્કની જરૂર રાજનેતાઓને હોવાનું રોકડું પરખાવી દેતાં મેયર ભોંઠા પડ્યા હતાં. જોકે, બધાએ જ માસ્ક પહેરવો જરૂરી હોવાનું કહીને મેયરે વાત વાળી લીધી હતી. અને અન્ય લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું. દુઃખદ વાત છે કે, મેયર સમક્ષ પોતાનું મંતવ્ય વ્યક્ત કરી રહેલી મહિલાની વાત ઉડાડવાનો પણ કેટલાંક લોકોએ પ્રયાસ કર્યો હતો.

કલેક્ટર તંત્ર દ્વારા તબીબી અધિકારીની 58 જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી શરૂ

ઉપરાંત શહેર અને જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને રોકવા કલેક્ટર તંત્ર પણ મેદાને આવ્યું છે. જિલ્લાના આરોગ્ય વિભાગની ખાલી જગ્યાઓ પર ભરતી માટે કલેકટરે જાહેરાત બહાર પાડી છે. જેમાં પણ તબીબી અધિકારી વર્ગ-2 ની કુલ 58 જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા ક્ષય કેન્દ્ર, પી.ડી.યુ. જનરલ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ, અને પદ્મકુંવરબા હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલમાં ભરતી શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud