• આ વર્ષે મગફળીનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન થયું છે જેના કારણે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળી લઈને વેચાણ અર્થે આવી રહ્યા છે
  • હાલ જે ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે SMS કરવામાં આવી રહ્યા છે તે માત્ર 24 કલાક અગાઉ અથવા આગલી રાતે કરવામાં આવી રહ્યા છે – દિલીપ સખીયા
  • સરકારે સરકારી ટેકાના ભાવે વેચાણ કરવામાં ખેડૂતોને મગફળીના સેમ્પલ ફેલ થવા, ઉતારો ઓછો આવવાના કારણે માલ રિજેક્ટ થવો તેમજ બધું થઇ ગયા પછી વેચાણ બાદ રૂપિયા હાથમાં આવતા ખૂબ વાર લાગે છે

WatchGujarat. શહેર સહિત રાજ્યમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જો કે આ અંગે ખેડૂતોમાં ખાસ કોઇ ઉત્સાહ જોવાયો નથી. શહેરનાં માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યરત કેન્દ્રમાં આજે ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેંચવા પહોંચ્યા હતા. પણ અહીં તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો છે. જ્યારે ભારતીય કિસાન સંઘનાં પ્રમુખ દ્વારા ખરીદી પ્રક્રિયાની રૂબરૂ મુલાકાત લીધા બાદ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ જાણી આ અંગે ત્વરિત પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

કિસાન સંઘનાં પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, હાલ જે ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવા માટે SMS કરવામાં આવી રહ્યા છે તે માત્ર 24 કલાક અગાઉ અથવા આગલી રાતે કરવામાં આવી રહ્યા છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી લઈને ખેડૂતોને વાહન વ્યવસ્થા કરી શકતા નથી. સરકાર દ્વારા એક અઠવાડિયામાં ચૂકવણું મગફળી વેચ્યા બાદ કરવાની ખાત્રી આપે છે પરંતુ ત્રણ ત્રણ મહિલાઓ સુધી પૈસાની ચુકવણી કરવામાં આવતી નથી. તેમજ હાલ યાર્ડમાં ખુલ્લી બજારમાં સરકારના ટેકાના ભાવ કરતા માત્ર રૂપિયા 50થી 80 સુધીનો તફાવત જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો હાલ ખુલ્લા બજારમાં મગફળી વેચી રહ્યા છે.

નોંધનીય છે કે, આ વર્ષે મગફળીનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન થયું છે જેના કારણે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળી લઈને વેચાણ અર્થે આવી રહ્યા છે. જેથી યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે. મગફળીની આવક થતા માર્કેટ યાર્ડ મગફળીથી છલકાઈ ઊઠ્યું છે. પરંતુ ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નિરસતા જોવા મળી રહી છે. મગફળીના સારા ભાવો મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના રૂ. 1110 ના ભાવે મગફળી ખરીદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સરકારી ટેકાના ભાવો કરતા ખુલ્લા માર્કેટમાં ખેડૂતોને મગફળીના ખૂબ સારા 1200 રૂપિયા સુધીનાં ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાની મગફળી ખુલ્લા માર્કેટમાં વેચાણ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

મોટાભાગના ખેડૂતો મંડળીઓ પાસેથી ધિરાણ મેળવી વાવેતર કરતા હોય છે, જ્યારે વાવેતર કર્યા બાદ દવાનો છંટકાવ, પાકના નિંદામણ, મજુરી અને માર્કેટયાર્ડમાં લઈ જવા સુધીમાં ખાસો એવો ખર્ચ ભોગવવો પડતો હોય છે. તેમજ નવી સીઝન ના વાવેતર માટે પણ ખેડૂતોને રૂપિયાની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે. ખેડૂતોને ધિરાણ ચૂકવવા તેમજ નવા પાકોનુ વાવેતર કરવા માટે રૂપિયા ઝડપથી હાથમાં આવે તે જરૂરી છે. ત્યારે સરકારે સરકારી ટેકાના ભાવે વેચાણ કરવામાં ખેડૂતોને મગફળીના સેમ્પલ ફેલ થવા, ઉતારો ઓછો આવવાના કારણે માલ રિજેક્ટ થવો તેમજ બધું થઇ ગયા પછી વેચાણ બાદ રૂપિયા હાથમાં આવતા ખૂબ વાર લાગે છે. જ્યારે ખુલ્લા માર્કેટમાં વેચાણ કરવામાં આવી કોઈ જ સમસ્યા નહીં હોવાને કારણે પણ હાલ ટેકાના ભાવે મગફળી વેંચવામાં ખેડૂતોને રસ ન હોય તેવું લાગી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud