• રાજકોટના ડ્રીમ સીટીમાં રહેતા અને સોસાયટીનાં પ્રમુખ તરીકે કાર્યરત 36 વર્ષીય અમિતકુમાર બીપીનકુમાર ઠક્કરે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
  • કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોસાયટીના તમામ ફ્લેટ ધારકોને કોરોનાના નિયમનું પાલન કરવા જણાવ્યું
  • વાત ધનરાજ નિમાવત ઉર્ફે વીરમ બેડલાને નહીં ગમતા, તું તારી બિલ્ડિંગનું ધ્યાન રાખ કહી દીધું

WatchGujarat. શહેરમાં એકતરફ કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. બીજીતરફ કેટલાક અસામાજીક તત્વો નિયમોનું પાલન નહીં કરતા હોવાથી અન્યને ભોગવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કોરોનાનાં નિયમનું પાલન કરવાનું કહેતા રૈયારોડ સ્થિત સોસા. પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આરોપીની દાદાગીરી પણ સીસીટીવીમાં કેદ થઇ છે. એટલું જ નહીં છરી લઇ આવ્યા બાદ મેસેજ કરી એકાદ ઓછો કરી નાખવાની તૈયારી છે તેવી ધમકી પણ આરોપીએ આપી હતી. જેને લઈને આ તમામ પુરાવાઓ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંતર્ગત હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, ડ્રીમ સીટીમાં રહેતા અને સોસાયટીનાં પ્રમુખ તરીકે કાર્યરત 36 વર્ષીય અમિતકુમાર બીપીનકુમાર ઠક્કરે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે ડ્રીમ સીટીમાં ઈ-2/1204 નંબરના ફ્લેટમાં રહેતા ધનરાજ નિમાવત ઉર્ફે વિરમ બેડલાનું નામ લખાવ્યું છે. સાથે જ જણાવ્યું છે કે, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોસાયટીના તમામ ફ્લેટ ધારકોને કોરોનાના નિયમનું પાલન કરવા જણાવ્યું હતું. આ વાત આરોપી ધનરાજ નિમાવત ઉર્ફે વીરમ બેડલાને નહીં ગમતા તેણે 14 મેના રોજ વ્હોટસએપ મેસેજ કરીને, ડ્રીમ સીટીમાં કોરોનાના કેસ વધી ગયા છે એમ, તું તારી બિલ્ડિંગનું ધ્યાન રાખ… હવે 302ની તૈયારી રાખી છે, એકાદો ઓછો થશે એ નક્કી… તેવા ધમકી ભર્યા મેસેજ કર્યા હતા.

ત્યારબાદ 15 મેની રાતે એક વાગે પણ ધનરાજ ઉર્ફે વીરમ તેને મારવા માટે બિલ્ડીંગના ગેટ પાસે ખુલ્લી છરી સાથે આંટાફેરા કરતો હતો. દરમિયાન પોતે બહારગામ હોવાથી સિક્યોરીટીમેનને પેટમાં લાકડી ફટકારી દીધી હતી. વધુમાં એવો પણ આરોપ મૂક્યો હતો કે, આરોપી અવારનવાર બિલ્ડીંગના રહેવાસીઓ સાથે ઝઘડા કરી ગાળો ભાંડે છે. તેમજ સોસાયટીના રહીશ ધવલભાઇ સચદે થતા રાકેશભાઇ જેઠાભાઇ કાનગડને ગાળો ભાંડીને અમીત ક્યાં છે? તેને પતાવી દેવો છે… તેમ કહી મારી નાખ્યાની ધમકી આપી હતી.

આ સોસાયટીમાં ગુંડાગીરી કરતા ધનરાજ ઉર્ફે વિરમ બેડલાના ત્રાસથી છુટકારો મેળવવા રહેવાસીઓની સહી સાથે અગાઉ પોલીસ કમિશ્નરને અરજી કરવામાં આવી હતી. ત્રાસ વધી જતાં ગઇ કાલે હર્ષિલભાઇ રાજેશભાઇ પૂર્ણવૈરાગી, મીલનભાઇ વાઘેલા સહિતના રહેવાસીઓ સાથે ધમકીભર્યા મેસેજ અને રેકોર્ડીંગના પુરાવા પણ યુનિવર્સિટી પોલીસને સોંપ્યા છે. જેને લઈ  પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રહેવાસીઓની રજૂઆત અનુસાર, આરોપી ધનરાજ ઉર્ફે વિરમ બેડલા અલગ અગલ કાર લઇને આવ-જા કરતો હોય છે. કેટલીક વખત કારના ડેસબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ મુકેલી હોય છે. અને પોલીસ સાથે અંગત સબંધો હોવાનો રોફ જમાવીને નિર્દોષ નાગરિકોને દબાવવા તેના માટે સામાન્ય બાબત બની ચુકી છે. ત્યારે તેના વિરૂદ્ધ ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud