• શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ તાકીદે સંબંધિત મંત્રાલયને કાર્યવાહી કરવા આદેશ જારી કર્યા
  • મધદરિયે શીપમાં રહેલા કુલ-19 ક્રુ મેમ્બરમાં 10 ભારતીય છે જે પૈકી 2 વલસાડના સહિત ૩ ગુજરાતી છે
  • મધ દરિયે ફસાયેલા ક્રુ મેમ્બરને છેલ્લા કેટલાક મહિનાથી પીવાનું પાણી કે, જમવાનું પણ બરોબર નસીબ નથી થતું
  • ક્રુ મેમ્બર યુવાનોએ સોશિયલ મિડિયા દ્રારા ભારત સરકારની મદદ માંગી છે

WatchGujarat. વિશ્વમાં અત્યારે કોરોનાનો કહેર વરસી રહ્યો છે. હાલ ગુજરાતમાં પણ સ્થિતિ ભયાનક છે. તેવામાં ભાવનગર સરકારી સર.ટી.હોસ્પિટલમાં જીવના જોખમે કોરોના વોરિયર્સ તરીકે સેવા આપતા એક દંપતી અનેકનો સહારો બન્યા છે. પરંતુ તેમનો યુવાન દીકરો ધ્યેય કમલભાઈ હળવદિયા છેલ્લા છ મહિનાથી ઈરાનમાં મધદરિયે પોતાના સાથીઓ સાથે ફસાયેલો છે. મૂળ માલિક કાર્ગો ઓનર અને એજન્ટ વચ્ચે સર્જાયેલા મતભેદોને કારણે જહાજને ઇરાનના બંદર પાસપોર્ટ પર અટકાવાયેલું છે. હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો બહુ વાયરલ છે. જેમાં મધ દરિયેથી જીવ બચાવવા મરીન એન્જિનિયર યુવાન ધ્યેય કમલભાઈ હળવદિયા મદદ માંગતો દેખાય છે. તે ગુજરાત ભાવનગરનો રહેવાસી છે. તેમના માતા દીપ્તિ બહેન અને પિતા કમલભાઈ ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે મેડિકલ સેવા આપી રહયા છે. તેઓ દીકરાનું દુઃખ ભૂલી અસંખ્ય દર્દી ઓને સાજા કરવામાં લાગેલા છે. જોકે, તેમની અનેક જગ્યાએ કરેલી અપીલ બાદ ભારત સરકાર સુધી આ વાત પહોંચતા સરકાર તેમની મદદે આવી છે.

મદદ માટે ધ્યેય હળવદીયાએ સોશિયલ મીડિયા મારફત વીડિયો વાયરલ કરતા જણાવ્યું હતું કે, 19મી ઓક્ટોબર 2020ના રોજ ઇરાનના બંદર બસ ખાતે કાર્ગો લોડિંગ માટે અમે આવ્યા હતા. શિપિંગ એજન્ટ, શિપના માલિક, કાર્ગો માલિક વચ્ચે મતભેદો સર્જાયા બાદ જહાજના એજન્ટ તે તમામ ક્રુ મેમ્બરોના સીડીસી, પાસપોર્ટ અને જહાજ ના દસ્તાવેજો છીનવી લીધા હતા. હવે અમે લોકો છેલ્લા છ મહિનાથી ઇરાનના બંદર અબ્બાસ પોર્ટના ઇનર એન્કરેજ ખાતે ફસાયેલા છીએ. અમારે લોકોએ ઘરે જવું છે પણ પ્રત્યુત્તર આપવામાં આવતા નથી.

ઘરે જવા માટે સાઈન ઓફ થવા માટે અનેક પત્રો લખ્યા પરંતુ તેનો કોઈ જવાબ આવતો નથી. પીવાના પાણી અને જમવાનું જથ્થો હવે મર્યાદિત છે, ડીઝલ પણ ઓછું હોવાથી અમે માત્ર ચાર કલાક જ જનરેટર ચલાવી અને રસોઈ બનાવી લઈએ છીએ તથા મોબાઇલ ચાર્જ કરી લઈએ છીએ. શિપના માલિક દ્વારા અમોને માત્ર એક મહિનાનો પગાર આપવામાં આવ્યો છે, કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો તેને પણ છ મહિના થઇ ગયા છતાં કોઈ એક્શન લેવામાં આવી રહ્યા નથી. મધદરિયે અમારી હાલત જર્જરિત બની રહી છે. ભારતના 10 ક્રૂ મેમ્બર અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સંબંધિત મંત્રાલયને કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. ભારતના દૂતાવાસ વચ્ચે પણ વાતચીત ચાલુ થઈ ગઈ છે તેના પરિવાર સાથે વાત કરી છે. સરકાર તમામ પ્રયાસો કરી રહી છે.

ધ્યેયનાં માતા દીપ્તિ બહેનનાં જણાવ્યાં પ્રમાણે, મારો નાનો દીકરાએ મરીન એન્જિનિયરીંગ કર્યું છે. જે બાદ અમદાવાદની વેસ્ટલાઇન એજન્સીમાં કોન્કરાક્ટ કર્યો હતો. તે દ્વારા દુબઇની એક કંપની સાથે 9 મહિનાનો કોન્ટરાક્ટ કર્યો હતો. આ દરમિયાન મારા પતિને રોડ અકસ્માતમાં બ્રેઇન હેમરેજ થયું હતું. જેથી તે પોતાની રીતે કોઇ કામ કરી શકતા નથી. આવા સમયે અમને અમારા દીકરો પાછો આવી જાય તે જ અરજ છે.

ધ્યેયનાં પિતાાં જણાવ્યાં પ્રમાણે, છેલ્લા માર્ચથી ઓક્ટોબર સુધી મેં કોરોના વોર્ડમાં ફરજ બજાવી હતી. જેથી હું કોરોના સંક્રમિત થયો હતો. જેમાંથી હું માંડ માંડ બચેલો ત્યાર બાદ ડિસેમ્બરમાં હું ઘરે આવી રહ્યો હતો ત્યારે મારો રોડ અકસ્માત થયો હતો. જેમાં બ્રેઇન હેમરેજ થયું હતું. જેમાં 60 ટકા જેવું સારું છે. જહાજને ઇરાનના બંદર પાસપોર્ટ પર અટકાવાયેલું છે. આ અંગે મારા ભાઇએ અનેક મંત્રાલયોમાં અરજી કરી હતી. જેમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અમને ફોન કરીને ધરપત આપી છે કે તમારો દીકરો 10થી 15 દિવસમાં ઘરે આવી જશે. જે માટે તેમનો ઘણો ઘણો આભાર.

ભાવનગર શહેરનાં દેવુભાગ વિસ્તારમાં રહેતા ધ્યેયનાં પરિવારના પૈકી પ્રદિપભાઈ કહે છે કે, ધ્યેય હળવદિયા મારો ભત્રીજો છે. તે મરીન એન્જિનિયર છે. તે શિપમાં કામ કરી રહ્યો છે. તેના ઈરાન સ્થિત શિપિંગ એજન્ટ અને ઓનર વચ્ચે નાણાંકીય માથાકૂટ થઈ અને તમામ ક્રૃ મેમ્બરના જરૂરી દસ્તાવેજો એજેન્ટ દ્વારા ગેરકાયદે જપ્ત કરી લેવાયા છે. છેલ્લા છ માસથી શિપ એજેન્ટ અને ઓનર વચ્ચેની લડાઈમાં મધ દરિયે શીપમાં રહેલા કુલ-19 ક્રુ મેમ્બર યાતના ભોગવી રહ્યા છે. જેમાં 10 ભારતીય છે જે પૈકી ૩ ગુજરાતી છે. જેમાં 2 યુવાન વલસાડનાં અને એક યુવાન ધ્યેય હલવાદિયા ભાવનગરનો છે. છેલ્લા કેટલાક મહિનાથી પીવાનું પાણી કે, જમવાનું પણ બરોબર નસીબ નથી થતું. આ યુવાનોએ સોશિયલ મિડિયા દ્રારા ભારત સરકારની મદદ માંગી છે.

ધ્યેયના પરિવારે પણ સંબંધિત સરકારી વિભાગમાં રજૂઆત કરી છે. દરમિયાન આજે શિપિંગ મંત્રી મનસુખ માંડવિયા સુધી આ આખી ઘટનાની વિગતો પહોંચતા તેઓએ તાકીદે સંબંધિત મંત્રાલયને કાર્યવાહી કરવા આદેશ જારી કર્યા છે. બન્ને દેશનાં દૂતાવાસ પણ આ મુદ્દે કામગીરીમાં લાગ્યા છે. એટલું જ નહિં કેન્દ્રીય શિપિંગ મંત્રી માંડવિયાએ ધ્યેયનાં પરિવાર સાથે વાત કરી આશ્વાસન પણ આપ્યું છે કે, ચિંતા ન કરતા ભારત સરકાર તમામ મદદ કરશે અને ધ્યેય સહિતના તમામ ભારતીય પોતાના વતન સુરક્ષિત પરત લવાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud