• દેશભરના 4000 જેટલાં પોલીસ વિભાગ અને વહીવટી વિભાગો દ્વારા એવોર્ડ માટે ઉમેદવારી નોંધાવાઈ હતી.
  • રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એવોર્ડ મુખ્યમંત્રીને અર્પણ કરાયો.

રાજકોટ. કોરોના કાળમાં કાયદો વ્યવસ્થા જાળવવા સાથે સંવેદનશીલ કામગીરી કરવા બદ્દલ રાજકોટ પોલીસને “સ્કોચ ગોલ્ડ” એવોર્ડ એનાયત કરાયો છે. દેશભરના 4000 જેટલાં પોલીસ વિભાગ અને વહીવટી વિભાગો દ્વારા એવોર્ડ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, દેશભરમાં રાજકોટનું ગૌરવ વધારનાર એવોર્ડ પોલીસ કમિશનરના હસ્તે મુખ્યમંત્રીને અર્પણ કરાયો હતો.

જાણો શું છે સ્કોચ ગોલ્ડ એવોર્ડ

દેશની સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, વિભાગો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા યોજી તેના દ્વારા લોકો માટે થતી નવીનત્તમ કામગીરને ધ્યાને રાખી શ્રેષ્ઠત્તમ ત્રણને સ્કોચ એવોર્ડ અપાય છે. આ વખતે દેશભરમાંથી કુલ 4000 પોલીસ ડિપાર્ટમેન્ટ તથા વહિવટી તંત્રો દ્વારા એવોર્ડ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જેમાં 300ને મેરીટ એવોર્ડ અપાયો હતો. આ પૈકી માત્ર 60 ઉમેદવારો ફાઇનલ સુધી પહોંચ્યા હતા. અને રાજકોટ પોલીસે ફાઈનલમાં અવ્વલ રહીને ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.

કોરોના કાળમાં રાજકોટ પોલીસની ઉત્કષ્ટ કામગીરીનો ચિતાર.

રાજ્યનો પહેલો કોરોના દર્દી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મળી આવ્યો હતો. પહેલો કોરોના દર્દી મળી આવતાં જ રાજકોટ પોલીસે સત્વરે તાકીદના પગલાં લીધા હતાં. એટલું જ નહીં કોરોના પોઝિટીવ દર્દીઓની સારવાર અર્થે સંવેદનશીલ રાજકોટ પોલીસે રૂ. 2125025 જેટલી રકમ સૌ પ્રથમ મુખ્યમંત્રી રિલીફ ફંડમાં અર્પણ કરી હતી. આ ઉપરાંત, રાજકોટ પોલીસે કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે પોઝિટિવ આવેલા વ્યકિત સાથે સંપર્કમાં આવનારાઓને કોન્ટેકટ ટ્રેસીંગની ટેકનોલોજીથી શોધી કાઢવા, ઓટોમેટિક નંબર બ્લેટ રેકોગ્નીઝેશન સિસ્ટમ અને આઇ-વે પ્રોજેકટનો ઉપયોગ કરી બીનજરૂરી રીતે બહાર ફરતાં લોકોને શોધી કાઢવા, લોકડાઉનનું પાલન કરનાર સોસાયટીઓનું સન્માન કરવું, સિગ્નલો પર લેન ડ્રાઇવનો અમલ, લોકોને સુરક્ષીત રહેવા લાઉડ સ્પીકર દ્વારા અપીલ કરવી, વહીવટી તંત્ર સાથે રહી કન્ટેન્મેન્ટ ઝોનમાં બંદોબસ્ત ગોઠવવો, ડ્રોન કેમેરાના ઉપયોગથી માર્ગદર્શિકાનું પાલન કરાવવું, માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં લોખંડી બંદોબસ્ત, ઘોડેશ્વારી, હાઇરાઇઝ પોઇન્ટનો ઉપયોગ કરી બંદોબસ્ત જાળવવો જેવા કાર્યો કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત માનવતાલક્ષી અભિગમ અપનાવી લોક ડાઉન વખતે ભુખ્યાને ભોજન કરાવાયું હતું. હેડકવાર્ટર ખાતે રસોડુ ઉભુ કરીને દરરોજ 30 હજાર ગરીબોને જમવાની વ્યવસ્થા, ઝૂપડપટ્ટી વિસ્તારમાં રાહત કીટ, દુર્ગા શકિત ટીમ દ્વારા વૃધ્ધાશ્રમોમાં સેવાકાર્ય, પશુઓ માટે પાંજરાપોળમાં ઘાંસચારો અને પાણીની વ્યવસ્થા, પક્ષી માટે ચણની વ્યવસ્થા, બિમાર લોકોને ઘેર બેઠા દવાની વ્યવસ્થા, પરપ્રાંતિયોને વતન મોકલવા તેમજ ટેકનોલોજીના ઉપયોગથી કોરોના સામે જાગૃતિ ફેલાય તે માટેની કાર્યવાહી, ફૂટ પેટ્રોલીંગ અને ફલેગ માર્ચ આ ઉપરાંત પોલીસ વેલફેરના કાર્યો કરવામાં આવ્યા હતાં.

મહામારીના સમયમાં જાહેરનામા ભંગના કુલ 8809 કેસ, ડ્રોન કેમેરાની મદદથી 1400 કેસ, સીસીટીવી કેમેરાની મદદથી 104 કેસ, 38690 વાહનો ડિટેઇન અને કોન્ટેકટ ટ્રેસીંગથી 3570 વ્યકિતઓને શોધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઇન્ડિયા ઇકોનોમિક ફોરમમાં સમગ્ર ભારતમાંથી 1000 પ્રોજેકટ સિલેકટ થયા હતાં. જેમાંથી ગુજરાત પોલીસની સુરક્ષા કવચ એપ્લીકેશન ફાઇનલમાં સિલેક્ટ થતાં સ્કોચ ગ્રુપના ચેરમેન સમીર કોચર, મેમ્બર ઓફ નીતિ આયોગના વિનોદ પાલ, તેમજ સેક્રેટરી મિનીસ્ટ્રી ઓફ રૂરલ ડેવલોપમેન્ટના અમરજીતસિંહાના હસ્તે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને સ્કોચ એવોર્ડ એનાયત કરાયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud