• પીએમ મોદી દ્વારા એશિયાના સૌથી મોટા રોપ-વેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું
  • ભાડું વધારે હોવાને કારણે કોંગી ધારાસભ્યએ સીએમને પત્ર લખી ઘટતું કરવા રજુઆત કરી 
  • રજુઆત બાદ ટીકીટ પર જીએસટી નહિ ચુકવવાનો નિર્ણય લેવામાં આવ્યો
જૂનાગઢ. તાજેતરમાં PM મોદીનાં હસ્તે એશિયાનાં સૌથી મોટા રોપ-વેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે આ લોકાર્પણ બાદ રોપ-વેનું ભાડું ઘટાડવાની માંગ સ્થાનિક કોર્પોરેટરો તેમજ ધારાસભ્ય સહિતનાં દ્વારા કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં લઈને રોપ-વેનાં ભાવમાં મામુલી ઘટાડો કરાયો છે. અને ભાડામાંથી જીએસટી દૂર કરવામાં આવ્યો છે. એટલે કે હવે રૂ.700ની ટીકીટમાં જીએસટી અલગથી નહીં ચૂકવવો પડે. જો કે હજુ આ ભાડું પણ વધુ હોવાથી સાંસદ રાજેશ ચુડાસમાએ કંપનીનાં અધિકારીઓ સાથે વધુ ઘટાડો કરવા ચર્ચા શરૂ કરી છે.
ગીરનાર રોપ-વેનું ભાડું ઘટાડવા માટે વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી રજુઆત કરવામાં આવી હતી. જે બાદમાં નવા ભાડાની જાહેરાત કરવામાં આવી છે. નવી જાહેરાત પ્રમાણે પુખ્ત વયની વ્યક્તિ માટે ટિકિટનો ભાવ 700 રૂપિયા રહેશે. આ માટે અલગથી જીએસટી ચૂકવવો નહીં પડે. 700 રૂપિયાની ટિકિટમાં વ્યક્તિ ઉપર જઈ અને પરત આવી શકશે. જ્યારે બાળકો માટે આવવા અને જવાના ટિકિટનો ભાવ જીએસટી સહિત 350 રૂપિયા રહેશે. પરંતુ જો કોઈ વ્યક્તિએ એક તરફની મુસાફરી કરવી હશે તો તેણે આ માટે જીએસટી સહિત 400 રૂપિયા ચૂકવવા પડશે.
જાણો અગાઉ કેટલો હતો રોપ-વેનો ચાર્જ
સામાન્ય ટિકિટ : 700 રૂપિયા + 18 %  જીએસટી (આવવા અને જવા માટે)
બાળકોની ટિકિટ: 350 રૂપિયા + 18 %  જીએસટી (આવવા અને જવા માટે)
કન્સેશન ટિકિટ: 400 રૂપિયા + 18 %  જીએસટી
ઉલ્લેખનીય છે કે, ગીરનાર રોપ-વેમાં પાંચ વર્ષ સુધીના બાળકોની કોઈ જ ટિકિટ રાખવામાં આવી નથી. જ્યારે બાળકોની ટિકિટમાં 5-10 વર્ષની વચ્ચેના બાળકોનો સમાવેશ થાય છે. અને 10 વર્ષથી વધુ ઉંમરનાં બાળકો માટે ફૂલ ટિકિટ લેવાની હોય છે. દિવ્યાંગ તેમજ ડિફેન્સ વ્યક્તિઓને ટિકિટનમાં કન્સેશન મળશે, પરંતુ આ માટે આઈડી કાર્ડ સાથે રાખવું ફરજિયાત છે. જો કે કંપની દ્વારા કરવામાં આવેલા આ મામુલી ઘટાડાને લોકો એક લોલીપોપ સમાન ગણાવી રહ્યા છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud