• સોરઠીયાવાડી સર્કલ પાસેની બેંક ઓફ ઇન્ડિયાની તિજોરી અને મવડી ચોકડી ખાતેની મન્નાપુરમ ફાયનાન્સ પેઢીની તિજોરીઓને ગ્રાઇન્ડર મશીનથી કાપી ચોરી કરવાનો પ્રયાસ થયો હતો
  • બાતમીના આધારે તપાસ કરતા આરોપીઓને ઝડપી તેમની ગ્રાઇન્ડર મશીન, કોશ, અને લોખંડની છીણીઓ પકડાઇ
  • બબ્બે વખત નિષ્ફળતા છતાં ટોળકી ગતરાત્રે ફિલ્ડ માર્શલ ખાતે ત્રાટકવાની તૈયારી કરી રહી હતી, ત્યારે જ ક્રાઈમ બ્રાન્ચનાં હાથમાં આવી


રાજકોટ. શહેરમાં આવેલી બેંકો તેમજ ફાયનાન્સ પેઢીની તિજોરી તોડી લાખોની ચોરીનો પ્રયાસ કરતી ગેંગનાં ચાર સભ્યોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાળ્યા છે. છેલ્લા બે સપ્તાહમાં સોરઠીયાવાડી સર્કલ પાસેની બેંક ઓફ ઇન્ડિયાની તિજોરી અને મવડી ચોકડી ખાતેની મન્નાપુરમ ફાયનાન્સ પેઢીની તિજોરીઓને ગ્રાઇન્ડર મશીનથી કાપી ચોરી કરવાનો પ્રયાસ થયાની ઘટનાઓ સામે આવી હતી. આ અંગેની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને આ સફળતા મળી છે.

ગતરાત્રે 80 ફૂટ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ આ અંગેની બાતમી ક્રાઈમ બ્રાંચની ટીમને મળી હતી. જેને પગલે રવિ કોૈશિકભાઇ ચોૈહાણ, અનિલ જયંતિભાઇ તાવીયા, વિશાલ કાબાભાઇ ધલવાણીયા અને રાહુલ રમેશભાઇ તાવીયાને એકટીવા અને બાઇક સાથે ઝડપી લેવાયા હતા. આરોપીઓ પાસે ગ્રાઇન્ડર મશીન, કોશ, અને લોખંડની છીણીઓ પણ મળી આવતાં ક્રાઈમ બ્રાન્ચે આકરી પૂછપરછ કરી હતી. જેમાં ચારેયે ફિલ્ડ માર્શલમાં ચોરી કરવાનો પ્લાન ઘડી રહ્યાની કબુલાત આપી હતી.

પોલીસનાં સૂત્રો દ્વારા અગાઉ બેંક – ફાયનાન્સ પેઢીમાં થયેલા ચોરીનાં પ્રયાસમાં પણ આ આરોપીઓ સામેલ હોવાની જાણકારી મળી હતી. જેને આધારે પૂછપરછ કરતા આરોપીઓ પોપટ બની ગયા હતા. અને કબુલ કર્યું હતું કે, ગત તારીખ 8 સપ્ટેમ્બરે રવિ, વિશાલ અને દિપક સોરઠીયાવાડી સર્કલની બેંક ઓફ ઇન્ડિયામાં બાથરૂમની બારી તોડી પ્રવેશ્યા હતા. અને સીસીટીવીનાં કેબલ કાપી બે લોખંડની પેટીઓ અને તિજોરીને પણ ગ્રાઇન્ડરથી કાપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તિજોરી ન કપાતાં લાંબી મહેનત બાદ બહાર નીકળી ગયા હતાં.

ત્યારબાદ 12 સપ્ટેમ્બરે રાતે રવિ, અનિલ, રાહુલ અને સાહિલ લોહીયાએ મવડી ચોકડી ઇન્દ્રપ્રસ્થ બિલ્ડીંગમાં મન્નપુરમ (મણીપુરમ) ફાયનાન્સ લિ. નામની પેઢીમાં ઘૂસ્યા હતા. અને સાયરનના તથા સીસીટીવીના કેબલ કાપી ડીવીઆર તોડી અંદર જઇ તિજોરીઓ કાપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અહિ પણ તિજોરી ન કપાતા પરત ફરવાની ફરજ પડી હતી. જો કે બબ્બે વખત આ નિષ્ફળતા છતાં આ ટોળકી ગતરાત્રે ફિલ્ડ માર્શલ ખાતે ત્રાટકવાની તૈયારી કરી રહી હતી. પરંતુ ત્યારે જ ક્રાઈમ બ્રાન્ચનાં હાથમાં આવી પહોંચી હતી.

આરોપીઓની પૂછપરછમાં તેના બીજા બે સાગરીતો દિપક બુધાભાઇ સરવૈયા અને સાહિલ રહિમભાઇ ઉર્ફ રમેશભાઇ લોહીયાનાં નામ સામે આવતા ક્રાઈમ બ્રાન્ચે આ બંનેને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી વિશાલ અગાઉ દારૂના ગુનામાં મોરબી પોલીસના હાથે પકડાઈ ચુક્યો હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગેંગનો સુત્રધાર રવિ ચૌહાણ સવા વર્ષ પહેલા 80 ફુટ રોડ શેઠ હાઇસ્કૂલ પાસે આશાપુરા ચાપડી ઉંધીયુ નામે ધંધો કરતો હતો. તેની સામેના ભાગે મોમાઇ ટ્રાવેલ્સ પાસે અનિલ અને વિશાલ ચાનો થડો ધરાવતાં હોવાથી ત્રણેય એકબીજાને ઓળખતા હતાં. બાકીના ત્રણેય વિશાલ અને રાહુલના સંપર્કમાં હતાં. રવિનો ચાપડી ઉંધીયાનો ધંધો લોકડાઉનમાં બંધ થઇ ગયો હતો. જેને પગલે ચારેયે ચોરી કરીને મોટી રકમ મેળવવાનો પ્લાન ઘડ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud