• ઠગ ટોળકી રોકાણકારોને મોબાઈલ એપ્લિકેશનમાં ડેમો આપતો હતી
  • કોઈ જાળમાં ફસાય અને સંપર્ક કરે તો મેટા ટ્રેડર-5માં એકાઉન્ટ ખોલાવવા માટે રૂ. 1 લાખની અથવા તો ભોગ બનનાર આપી શકે તેટલી રકમની માગણી કરાતી
  • એપ બોગસ હોવાથી તેમાં મોટો નફો થયો હોવાનું દર્શાવાતું હતું.
  • નફાની રકમ ઉપાડી લેવાનું કહે તો ટોળકીના સભ્યો ટેક્સ ભરવો પડશે અથવા તો બીજી રીતે પૈસા કપાઈ જશે તેમ કહી રકમ ઉપાડવાની ના પાડતા


રાજકોટ. ફોરેક્સ ટ્રેડિંગમાં રોજના રૂ. 20-30 હજાર કમાવી અપાવવાની લાલચ આપી સમગ્ર રાજ્યમાં ઠગાઈ કરનાર ગેંગમાં સામેલ ત્રણ સભ્યોને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધા છે. જો કે મુખ્ય સુત્રધાર સુરતનો જયેશ હિંમતલાલ વાઘેલા હજુ હાથ લાગ્યો નથી. તેણે આ રીતે એક કરોડથી વધુ રકમનું કૌભાંડ આચર્યાની પોલીસે શક્યતા દર્શાવી છે. ગેંગનાં જે ત્રણ સભ્યોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી હતી. તેમાં જૂનાગઢનો 30 વર્ષીય જયસુખ ચીનુભાઈ સરવૈયા 35 વર્ષીય આશિષ ઉપેન્દ્ર દવે અને 38 વર્ષનો જીતેન્દ્ર હસમુખ જાગાણી સામેલ છે. હાલ આ ત્રણેય આરોપીઓ જેલની હવા ખાઈ રહ્યા છે.

આ ગેંગ લોકોને ફોરેક્સ ટ્રેડિંગમાં રોજના રૂ. 20-30 હજાર કમાવી આપવાનું કહી ટેક્સ્ટ મેસેજ કરી લાઈવ ડેમો માટે પોતાનો સંપર્ક કરવા માટે મોબાઈલ નંબર આપતી હતી. કોઈ જાળમાં ફસાય અને સંપર્ક કરે તો મેટા ટ્રેડર-5માં એકાઉન્ટ ખોલાવવા માટે રૂ. 1 લાખની અથવા તો ભોગ બનનાર આપી શકે તેટલી રકમની માગણી કરતી હતી. આ રકમ બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય પછી ભોગ બનનારને મેટા ટ્રેડર-5 નામની એપ ડાઉનલોડ કરાવી આપવામાં આવતી હતી.

આરોપી

જો કે આ એપ બોગસ હોવાથી તેમાં મોટો નફો થયો હોવાનું દર્શાવાતું હતું. ભોગ બનનાર એપમાં પોતાને તગડો નફો થયાનું જોઈ ખુશ થઈ જતો. જો તે આ નફાની રકમ ઉપાડી લેવાનું કહે તો ટોળકીના સભ્યો તેને તેમ કરવાથી ઈન્કમટેક્સ ભરવો પડશે, સરકારને ટેક્સ આપવો પડશે અથવા તો બીજી રીતે પૈસા કપાઈ જશે તેમ કહી રકમ ઉપાડવાની ના પાડતા હતા. આમ છતાં જો ભોગ બનનાર આગ્રહ કરે તો તેને જેટલી રકમ છે તેની 50 ટકા રકમ સુરતમાં આંગડિયામાં મોકલવાનું કહેવામાં આવતું હતું. ભોગ બનનાર લાલચમાં આવી રકમ ઉપાડવા માટે પૈસા મોકલે એટલે તરત જ ગેંગનાં સભ્યો પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દેતા હતા.

રાજકોટમાં રહેતા ઉમેશભાઈ વશરામભાઈ ગોંડલિયા પણ આ ટોળકીની ઝાળમાં ફસાયા હતા. તેણે અને તેના મિત્રોએ રૂ. 8 લાખ ગુમાવતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જેના આધારે તપાસ હાથ ધરી પોલીસે જૂનાગઢના 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય સુત્રધાર તરીકે સુરતના જયેશ વાઘેલાનું નામ બહાર આવ્યું છે. તેને પકડવા પણ પોલીસની ટીમ સુરત ગઈ હતી. પરંતુ આરોપી નહીં મળતા હાલ તો ખાલી હાથે પરત ફરવું પડ્યું છે.

સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ટોળકીનું જૂનાગઢની આઈસીઆઈસીઆઈ બેંકમાં ઝુલુ ટ્રેડિંગના નામે કરન્ટ ખાતુ હતું. જેમાં રૂ. 64.89 લાખના વ્યવહારો થયા છે. જ્યારે એયુ સ્મોલ ફીનાન્સ બેંકમાં કુરસો ડે ટ્રેડિંગના નામે ખોલાવાયેલા ખાતામાં રૂ.49.44 લાખના વ્યવહારો થયા છે. પોલીસને હાલ 19 ભોગ બનનાર મળ્યા છે. જેમની સાથે રૂ. ૬૭ લાખની ઠગાઈ થયાનું બહાર આવ્યું છે. પરંતુ બેંકના ખાતામાં એક કરોડથી વધુ રકમના વ્યવહારો હોવાથી કૌભાંડનો આંક પણ એક કરોડથી વધુ હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud