• દેશમાં સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટનો અમલ કરાયો હતો
  • બિલ્ડીંગ ડીઝાઈનના ફીચર્સમાં ટેકનીકલ ફેરફાર કરી ઘરની અંદરનું તાપમાન 30થી31 ડીગ્રી વચ્ચે રહે તે મુજબ કામગીરી કરવામાં આવી
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાનાં 15 જેટલા પ્રોજેકટ્સને લઈ ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેશનની અરજી કરાઇ

રાજકોટ. કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારે આયોજન કરવામાં આવેલ છે. દેશમાં સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટનો અમલ થવાને કારણે ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા આ સરાહનીય કામગીરી અને પહેલ માટે મનપાને ચેમ્પિયન એવોર્ડ અપાયો છે. આજે ઓનલાઈન માધ્યમ દ્વારા એવોર્ડ મળ્યો હોવાનું શહેરનાં મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિન મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, અને મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલની સંયુક્ત યાદીમાં જણાવ્યું છે.

જાણો શું છે ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ

ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલ સુચના મુજબ બિલ્ડીંગ ડીઝાઈનના ફીચર્સમાં ટેકનીકલ ફેરફાર કરી ઘરની અંદરનું તાપમાન 30થી31 ડીગ્રી વચ્ચે રહે તે મુજબ કામગીરી કરવામાં આવે છે. સાથે જ કેવીટીવોલ, ઓપનેબલ બારી અને દરવાજાની વ્યવસ્થા, વેન્ટીલેશન શાફ્ટ વિગેરેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઉપરાંત ગ્રીન બિલ્ડીંગના પ્રિન્સિપલને ધ્યાને રાખીને ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર સીસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હારવેસ્ટિંગ વિગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. અને ચણતર માટે લોકસનો ઉપયોગ કરાતો હોય છે.

જુદી-જુદી 7 કેટેગરીમાં એવોર્ડ નોમીનેશન

ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા જુદી-જુદી 7 કેટેગરીમાં એવોર્ડ નોમીનેશન કરાયું હતું. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાનાં 15 જેટલા પ્રોજેકટ્સને લઈ ગ્રીન બિલ્ડીંગ સર્ટીફીકેશનની અરજી કરવામાં આવી હતી. સાથે જ આ માટે જરૂરી તમામ પરિબળો પૂર્ણ કરવામાં આવ્યા છે. જેના કારણે કાર્બન ઉત્સર્જન ઘટાડી આવાસના લાભાર્થીઓને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે છે.

ગ્રીન બિલ્ડીંગ પ્રોજેકટનાં જવાબદાર અધિકારીઓને કમિશ્નરે બિરદાવ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપનાવવામાં આવેલા ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ મળી રહયું છે. ત્યારે આ પ્રકારના આયોજન માટે હાઉસિંગ સહિત વિવિધ પ્રોજેકટની જવાબદારી વહન કરી રહેલા સિટી એન્જીનીયર સ્પે. અલ્પના મિત્રા અને તેમના વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની જહેમતને પણ મ્યુ. કમિશ્નર સહિતનાં પદાધિકારીઓએ બિરદાવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud