• રામેશ્ર્વર સોસાયટીમાં 23 વર્ષ જુના એક બે માળના મકાનમાં લાદીકામ ચાલી રહ્યું હતું
  • આખી દીવાલ સહિતનું મકાન અચાનક જમીનદોસ્ત થઇ જતા શેરીમાં દોડધામ મચી

રાજકોટ. શહેરનાં ભક્તિનગરમાં આવેલ રામેશ્ર્વર સોસાયટીમાં 23 વર્ષ જુના એક બે માળના મકાનમાં લાદીકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક જ કડડભૂસ કરતા આખું મકાન ધરાશાયી થઇ જતા ભારે દોડધામ મચી હતી. મકાન પડતા તેમાં રહેલી તમામ ઘરવખરી પણ દટાઈ જતા તહેવાર સમયે પરિવારનો આશરો છીનવાઈ ગયો છે. જો કે આ મકાનમાં રહેતા પરિવારના સભ્યો ઉપરાંત 5 મજૂરો સહીતનાંનો ચમત્કારિક બચાવ થયો છે.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર, રામેશ્વર સોસાયટી શેરી નંબર-3માં રહેતા અને ઘરે ઈસ્ત્રીકામ કરતા હરેશભાઇ બાબુભાઇ પરમારના જ બે માળના મકાનમાં લાદીકામ ચાલી રહ્યું હતું. સવારે સાડા દસેક વાગ્યે 5 મજૂરો જૂની લાદી કાઢવાનું કામ કરતા હતા અને હરેશભાઇ પરિવાર સાથે ઘરમાં જ હતા. ત્યારે અચાનક કોઈ કારણોસર બે માળનું આ આખું મકાન ધરાશાયી થઇ ગયું હતું.

આખી દીવાલ સહિતનું મકાન અચાનક જમીનદોસ્ત થઇ જતા શેરીમાં દોડધામ મચી હતી. જો કે સમય સુચકતા વાપરીને આખો પરિવાર અને કામ કરતા 5 મજૂરો વગેરે બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી. સૌ બહાર નીકળી ગયા હતા અને ઘટના અંગે કંટ્રોલમાં જાણ કરતા ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો. હાલ કાટમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પરિવારના ભાગ્યશ્રીબેન પરમારે જણાવ્યું હતું કે મકાન 23 વર્ષ જૂનું છે અને અગાઉ પણ તેઓ દ્વારા 2 વખત રીનોવેશન કરાવવામાં આવ્યું છે. આ વખતે માત્ર લાદી કાઢી નવી લાદી નાખવાનું કામ ચાલતું હતું. છતાં ક્યાં કારણોસર મકાન ધરાશાયી થયું તે જાણવા મળ્યું નથી. આ ઘટનાને પગલે બહાર પાર્ક કરેલ એક્ટિવામાં પણ નુકશાન થયું હતું. આ ઉપરાંત ઘરમાં રહેલ ટીવી, ફ્રીઝ, શેટી, અને 12 મહિનાનાં રાશન સહિતની તમામ ઘરવખરી કાટમાળ નીચે દટાઈ ગઈ હોવાથી દિવાળીનાં તહેવારમાં હોળી જેવો માહોલ સર્જાયો હોવાનું તેમણે કહ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud