• કેશુભાઇએ મોરબીમાં અનાજ દળવાની ઘંટી શરૂ કરી હતી
  • લોકોને પરેશાન કરતા ‘લાલીયા’ નામનાં ગુંડાને જાહેરમાં ફટકારી ‘કેશુબાપા’એ પોતાનો સિક્કો જમાવ્યો
  • કેશુભાઇ પટેલને 1975માં તેમને ‘બાપા’નું બિરૂદ પણ રાજકોટમાં મળ્યું હતું


રાજકોટ. ભાજપનાં ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલના નિધનથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. જો કે વિસાવદરમાં જન્મેલા ‘કેશુબાપા’ની કર્મભૂમિ રાજકોટ રહ્યું છે. અને અહીંથી જ તેઓને રાજકારણમાં નવી ઓળખ મળી તેમ કહેવું જરાપણ અતિશયોક્તિભર્યું નથી. અહીં લોકોને પરેશાન કરતા ‘લાલીયા’ નામનાં ગુંડાને જાહેરમાં ફટકારી ‘કેશુબાપા’એ પોતાનો સિક્કો જમાવ્યો હતો. અને ગુંડા વિરોધી તેમજ મસીહાની આગવી ઓળખ ઉભી કરી હતી.

કેશુભાઈ ખેડૂત હતા. પરંતુ પરિવારમાં ખેતીની આવક નબળી હતી. તેથી તેઓએ મોરબીમાં અનાજ દળવાની ઘંટી શરૂ કરી હતી. મોરબીમાં મચ્છુ ડેમ બંધાતો હતો, ત્યારે આ ઘંટી નાંખીને તેમાંથી થોડી આવક રળી લીધી હતી. ત્યારબાદ તેઓએ રાજકોટનાં હાથીખાના ખાતે ઘંટી શરૂ કરી હતી. અને સાથે જ આરએસએસ સાથે જોડાઈને સંઘના સ્વંયસેવક તરીકે ગામે ગામે સાઈકલ લઈને ફરતા હતા. અને સંઘનો પ્રચાર કરવામાં તેઓએ કોઈ કચાશ બાકી રાખી નહોતી.

દરમિયાન 1970ના દાયકામાં બનેલી એક ઘટના તેમને રાજકીય સ્તરે અમદાવાદ સુધી લઈ જવામાં ખૂબ મોટુ કારણ બની હતી. રાજકોટમાં ત્યારે ‘લાલીયા’ નામનાં એક ગુંડાની ધાક હતી. આ ગુંડો લોકોને પરેશાન કરતો હતો અને તેમની પાસેથી હપ્તો ઉઘરાવતો હતો. ત્યારે કેશુભાઈએ જરાપણ ગભરાયા વિના ભરબજારમાં જ તેની ધોલાઈ કરી હતી. અને ત્યાંથી જ તેમનો એક નેતા તરીકેનો સિક્કો પડી ગયો હતો. અને 1975માં તેમને ‘બાપા’નું બિરૂદ પણ રાજકોટમાં મળ્યું હતું. ત્યારબાદ પોતાની કારકિર્દીમાં તેમણે ક્યારેય પાછળ ફરીને જોવું ન પડે તેવી પ્રગતિ કરી હતી.

બાદમાં ‘કેશુબાપા’એ ભાજપનાં લાખો કાર્યકર્તાઓનો હાથ પકડીને રાજનીતિમાં ચાલતા શીખવ્યું હતું. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ‘કેશુબાપા’નાં શિષ્ય રહી ચૂક્યા છે. અને તેમની પાસેથી રાજકારણનાં પાઠ ભણી સમગ્ર વિશ્વમાં તેમણે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. અને અનેક અડચણો છતાં મોદી આજે પણ પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવામાં સફળ રહ્યા છે. તેમાં પણ તેમના ગુરૂ ‘કેશુબાપા’નો સિંહફાળો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud