રાજકોટ : ગઈકાલે જ હનીટ્રેપ કેસમાં એક મહિલા કોન્સ્ટેબલની સંડોવણી બહાર આવી હતી. ત્યારે આજે એક મહિલા PSI ની દાદાગીરીની ઘટના સામે આવી છે. જેમાં જુના બસ સ્ટેન્ડ ખાતે સામાન્ય બાબતે થયેલી માથાકૂટ બાદ એક મહિલા PSI એ મહિલા કંડકટરને જાહેરમાં ફડાકા ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મહિલા PSI દ્વારા કંડકટરને ગુનેગારની જેમ પકડીને માર મારવામાં આવી રહ્યો છે. દરમિયાન મહિલા PSI જાહેરમાં ફડાકાવાળી કરતા પણ જોઈ શકાય છે. જો કે બાદમાં સ્થાનિકોનાં હસ્તક્ષેપથી મહિલા PSI માંડ કંડકટરને છોડી રહ્યા છે. આ દરમિયાન કોઈ મુસાફર કે એસટીનાં કર્મચારી દ્વારા આ ઘટનાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો.
જાણવા મળતી વિગત અનુસાર, રાજકોટ-જૂનાગઢ રૂટની બસના મહિલા કંડક્ટર અને મહિલા પીએસઆઇ ડોડીયા વચ્ચે ગાડી દૂર લેવા બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા મહિલા પીએસઆઈ પ્રથમ તો બોલાચાલી બાદ હાથાપાઈ પર ઉતરી આવ્યા હતા. જો કે વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ પણ હરકતમાં આવી છે. અને ડીસીપી કક્ષાનાં અધિકારીને આ મામલે તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ મહિલા પીએસઆઈની દાદાગીરી હાલ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !