- અમદાવાદ, વડોદરા અને ત્યાર બાદ રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ સામે આવી
- બેજવાબદાર નિવેદનોને કારણો શહેરવાસીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી
WatchGujarat. કોરોના કાળમાં અમદાવાદ, વડોદરા અને ત્યાર બાદ રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી હતી. રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં મેયર બીના આચાર્યએ આગની ઘટનાને કુદરતી ઘટના ગણાવી હતી. બેજવાબદાર નિવેદનોને કારણો શહેરવાસીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. #Rajkot
ગુરૂવારે મોડી રાત્રે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા પાંચ લોકોના મૃત્યુ થયા હતા. હોસ્પિટલમાં આગની ઘટનાને પગલે શહેરના રાજકીય અગ્રણીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. દરમિયાન મેયર બીના આચાર્યએ કોવિડ હોસ્પિટલાં આગની ઘટનાને કુદરતી ઘટના તરીકે ગણાવી બેજવાબદાર નિવેદન આપ્યું હતું. જેને પગલે શહેરવાસીઓમાં રોષની લાગણી વ્યાપી હતી. મેયર બીના આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણમાં કોવિડ હોસ્પિટલમાં ઘટના બની, ખરેખર કુદરતી ઘટના કહેવાય. અમે ખરેખર દુખ વ્યક્ત કરીએ છીએ. એક મોટી જાનહાની થતા અટકી છે. તેમ જણાવ્યું હતું.
મેયરના આવા નિવેદનને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેમાં સૌથી મહત્વનો સવાલ તો એ છે કે, આગની ઘટના કુદરતી કેવી રીતે ગણાય ? શું પાંચ લોકોના મોત થવાને નાની જાનહાની ગણી શકાય ? અને જો હોસ્પિટલમાં ફાયર સેફટીનાં સાધનો હતા તો તેનો ઉપયોગ કેમ ન કરાયો ? અને જો સાધનો નહોતા તો એનઓસી કંઈ રીતે અપાયું ? ત્યારે હવે આ તમામ સવાલોનો મેયર મેડમ ક્યારે અને શું જવાબ આપે છે તે જોવું રહ્યું.
પરિવારજનોએ આઇસીયુનો દરવાજનો નાનો હોવાનો કર્યો આક્ષેપ
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા આઇસીયુમાં સારવાર લઇ રહેલા સંજયભાઇનું મૃત્યુ થયું હતું. મૃત્યુને પગલે તેમના સ્વજનો ઘેરા શોકમાં ડુબી ગયા હતા. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, હોસ્પિટલમાં દરવાજો ખુબ જ નાનો છે. જેને કારણે અકસ્માતની સ્થિતીમાં તેમાંથી બહાર નિકળવું ખુબ જ મુશ્કેલ થઇ શકે છે.