• કેવડિયાથી ચીન-પાકિસ્તાનને કરારી ચેતવણી આપતા PM
  • પુલવામાં પર પાકના નિવેદનથી ભારતમાં અનેક લોકો બેનકાબ થયા
  • સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં સહભાગી
  • હવે દુનિયાના ટુરિઝમ મેપમાં કેવડિયા દેખાશે

કેવડીયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને સ્મરણાંજલિ આપ્યા બાદ રાષ્ટ્રજોગ સંબોધનમાં ભારતની સરહદ પર નજર નાંખનારને જડબાતોડ જવાબ અપાશે તેવી ચેતવણી આપી હતી. કેવડીયામાં બીજા દિવસે સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિના પ્રસંગે PM નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનીટી પહોંચીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સલામી લઇ જવાનોને રાષ્ટ્ર સેવાના શપથ લેવડાવ્યા હતાં.

રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે આતંકવાદ, કોરોના, પાડોસી દેશ, સરહદની સ્થિતિ સહિતની બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. ચીન અને પાકિસ્તાનને ચેતવણી રૂપ સંદેશ પણ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ આતંકવાદને ટેકો આપનારાઓને આડે હાથ લઇ કહયું હતું કે, બધા દેશોએ ત્રાસવાદ સામે લડવા એક થવાની જરૂર છે.

 

વિપક્ષ પર પ્રહાર કરતાં કહયું હતું કે પાડોસી દેશ દ્વારા પુલવામાં કાંડ અંગેના સ્વીકારથી ભારતમાં કેટલાક લોકો બેનકાબ થઇ ગયા છે. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, સરદારે દેશના અનેક રજવાડાને એક બનાવી ભારતને નવુ સ્વરૂપ આપ્યુ. આપણે આજે તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવી રહ્યા છીએ. સરદારની પ્રતિમા આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનું તિર્થસ્થળ બન્યુ છે. હવે કેવડિયા દુનિયાના ટુરિઝમ મેપમાં દેખાશે. આ દરમિયાન પીએમ મોદીએ ચીન અને પાકિસ્તાનને પણ આડે હાથ લીધા હતાં.

પીએમ મોદીએ ચીનનું નામ લીધા વગર જણાવ્યુ હતુ કે, આજે આપણો દેશ સરહદ પર વધારે મજબૂત થયો છે. દેશની સરહદ મજબૂત થઈ છે. જે સરહદ પર નજર નાખે છે તેને ભારત જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે.

આજે આતંકવાદને કેટલાક દેશ ખુલામાં સમર્થન કરી રહ્યા છે. આવા દેશ દુનિયામાં ખુલા પડ્યા છે. દુનિયાના દેશોએ આતંકવાદ વિરૂદ્ઘ એક થવાની જરૂર છે. આતંકવાદ અને હિંસાથી કોઈનું કલ્યાણ થયું નથી. આપણો દેશ છેલ્લા દ્યણાં દશકોથી આતંકવાદથી પીડાઈ રહ્યો છે. આપણે આતંકવાદના કારણે અનેક જવાનોને ગુમાવ્યા છે.

આજે સરદારનું સ્વપન સાકાર થવા જઈ રહ્યુ છે. આજે કાશ્મીર વિકાસની રાહ પર આગળ વધી રહ્યુ છે. નોર્થઈસ્ટમાં શાંતિ સ્થાપવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આપણે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થતું જોઈ રહ્યો છે.

પીએમ મોદીએ કોરોના મહામારી અંગે જણાવ્યુ હતુ કે, આજે આપણો દેશ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યો છે. દેશના તમામ લોકો સાથે મળીને કોરોના સામે લડાઈ લડી છે. આપણા કોરોના વોરિયર્સ બીજાના જીવનને બચાવવા માટે પોતાના જીવનનું બલીદાન આપી રહ્યા છે. દેશની એકતાની તાકાતના કારણે આજે આપણે કોરોના સામે લડી રહ્યા છે.

આદિવાસી ભાઇઓ-બહેનોને રોજગારી મળી રહી છે, હું 130 કરોડ દેશવાસીઓને અભિનંદન આપું છું. સંયોગ છે કે, આજે મહર્ષી વાલ્મિકીની જયંતિ છે, ભગવાન રામના આદર્શ અને તેમના સંસ્કાર આજે ભારતના દરેક ખૂણામાં પહોંચ્યા છે, તેનો શ્રેય મહર્ષી વાલ્મીકીને જાય છે, હું આ દિવસની લોકોને શુભકામનાઓ આપુ છું. કોરોનાએ આખા વિશ્વમાં માનવજાતને પ્રભાવિત કરી છે, પરંતુ 130 કરોડ દેશવાસીઓએ સામૂહિક ઇચ્છા શકિતને સાબિત કરી છે, તે અભૂતપૂર્વ છે, કોરોના વોરિયર્સના સન્માનમાં 130 કરોડ દેશવાસીઓ એક થયા છે.

35000 પોલીસ જવાનોએ આઝાદી પછી બલિદાન આપ્યું છે, પરંતુ કોરોના કાળમાં લોકોની જિંદગી બચાવવા માટે પોલીસ જવાનોએ સેવા કરતા કરતા ખુદને સમર્પિત કર્યાં છે. ઇતિહાસ આ સ્વર્ણિમ પળને કયારેય નહીં ભૂલાવે. દેશની એકતાની જ તાકાત હતી, કે ભારતે તેનો મજબૂતીથી મુકાબલો કર્યો છે અને નવા માર્ગે આગળ વધી રહ્યો છે

સીમા પર પણ ભારતની નજર અને નજરીયા બદલાઇ ગયા છે. ભારતની ભૂમી પર નજર કરનારાઓને જડબાતોડ જવાબ આપવાની તાકાત ધરાવે છે -કેટલાક દેશો આતંકવાદના સમર્થનમાં આગળ આવી ગયા છે, તે વિશ્વ અને શાંતિ માટે ચિંતાનો વિષય બન્યો છે. દરેક સરકારોને આતંકવાદ સામે એકજૂથ થવાની જરૂર છે. આતંકવાદ હિંસાથી કયારેય કોઇનું કલ્યાણ થઇ શકતુ નથી, ભારત દ્યણા વર્ષોથી આતંકવાદથી પીડિત રહ્યું છે, ભારતે હજારો જવાનો ખોયા છે, માતાઓએ પોતાના લાલ ગુમાવ્યા છે. ભારતે આતંકવાદને હંમશા પોતાની એકતા અને દ્રઢ્ઢ ઇચ્છા શકિતથી મુકાબલો કર્યો છે અને હરાવ્યો છે

દેશહિતમાં આપણા સુરક્ષા દળોના મનોબળ માટે પોતાના સ્વાર્થ માટે આવી રાજનીતિ ન કરે – PM મોદી

પીએમ મોદીએ કડક શબ્દોમાં જણાવ્યું કે, પુલવામા હુમલામાં જે સૈનિકો શહીદ થયા તે અર્ધસૈનિક દળના જ હતા. દેશ કયારેય આ ભૂલી નહીં શકે ત્યારે કેટલાક લોકો આ હુમલામાં પણ પોતાનો રાજનીતિક સ્વાર્થ છોડ્યો ન હતો. દેશ ભૂલી નથી શકતો કે, એ લોકોની ખરાબ રાજનીતિ ચરમ સીમા પર હતી. ત્યારે હું વિવાદોથી દૂર રહીને તમામ આરોપોનો સામનો કરતો રહ્યો, મારી અંદર વીર શહીદો માટે દુખ હતું. પાડોશી દેશે જે રીતે હકીકત સ્વીકારી છે, તેના પરથી જાણી શકાય આ લોકો કઇ હદ સુધી જઇ શકે છે. આગ્રહ કરું છું, દેશહિતમાં આપણા સુરક્ષા દળોના મનોબળ માટે પોતાના સ્વાર્થ માટે આવી રાજનીતિ ન કરે.

કેવડિયામાં પ્રકલ્પો નિહાળી રહ્યો હતો ત્યારે અહીંની દીકરીઓ ગાઇડ બનીને મને બધુ સમજાવતી હતી- PM મોદી

એકતા પરેડ બાદ પીએમ મોદીએ સરદાર પટેલને સંબોધતા જણાવ્યું કે, દેશની સેંકડો રિયાસતોને એક કરીને દેશની વિવિધતાને આઝાદ ભારતની શકિત બનાવીને હિન્દુસ્તાનને વર્તમાન બનાવ્યો. સરદાર પટેલે અનેક રજવાડોને એક કર્યા. કેવડિયા દુનિયાના નકશા પર એક પ્રયર્ટન સ્થળ તરીકે વિકાસ પામશે. જેનાથી સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળશે. તેમણે ગઇકાલની વાત કરતા જણાવ્યું કે, કાલે જયારે હું કેવડિયામાં પ્રકલ્પો નિહાળી રહ્યો હતો ત્યારે અહીંની દીકરીઓ ગાઇડ બનીને મને બધુ સમજાવતી હતી. ત્યારે મારું માથુ ઉંચુ થઇ ગયુ.

પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં તેમણે, ભારતમાતાની જયનો જયદ્યોષ કરાવ્યો, એક હાથ ઉપર કરાવીને સરદાર સાહેબને યાદ કરાવીને ભારત માતાની જય બોલાવી હતી. તેમણે ત્રણવાર ભારતમાતાની જય બોલાવી. પોલીસ દીકરા દીકરીઓનાં નામ – ભારતમાતાની જય, કોરોના વોરિયર્સના નામે -ભારતમાતાની જય, આત્મનિર્ભરતાના સંકલ્પને સિધ્ધ કરનાર કોટી કોટી લોકોના નામે ભારતમાતાની જય બોલાવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud