• સ્થાનિકો, એજન્સીઓ, અધિકારીઓ, કર્મચારીઓ માટે ઇલક્ટ્રિક વાહનો ખરીદવાની, સાધન-સહાય સહિતની પ્રાથમિક ઝલક
  • ઇ-રીક્ષા ચલાવનાર કંપનીએ SOUADTGA વિસ્તારમાં ઓછામાં ઓછી 50 રીક્ષા પ્રારંભે ચલાવવાની રહેશે.
  • લાભાર્થીએ આ વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલનાં વાહનો ન ચલાવવાની બાંહેધરી આપવાની રહેશે
  • મહિલા ચાલકને કેવડીયા ખાતેનાં સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર ખાતે વાહન ચલાવવાની વિધિસરની નિ:શુલ્ક તાલીમ
  • ઇ-વાહનનો મેઇનટેનન્સ વર્કશોપ તથા ચાર્જિંગ સ્ટેશન પણ ઊભા કરાશે

Watchgujarat. વિશ્વ પર્યાવરણ દિવસે રાષ્ટ્ર જોગ સંબોધનમાં વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીએ વિશ્વની વિરાટ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થળ કેવડિયાને દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ શહેરની જાહેરાતના બીજા દિવસે જ SOU ઓથોરિટી દ્વારા ઇ-વાહનો અંગેની પરિયોજનની પ્રાથમિક ઝલક જાહેર કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખંડ ભારતના ઘડવૈયા ભારતરત્ન, લોખંડી પુરુષ, સરદાર સાહેબને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા તેમજ આવનાર પેઢી ભારત નિર્માણમાં સરદાર સાહેબે આપેલ યોગદાનને યાદ કરીને ગૌરવની લાગણી અનુભવે તે માટે દુનિયાની 182 મીટર સૌથી ઊંચી પ્રતિમા SOU કેવડિયામાં સ્થાપિત કરી છે.

સાથે સાથે ઇકો ટુરીઝમના વિકાસ થકી આ સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજિક આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પ અમલમાં મુક્યા છે. તેના કારણે આજે આ સ્થળ વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે. સાથે સાથે સ્થાનિકોને વિવિધ રોજગારી આપવાનું ઉદાહરણરૂપ કાર્ય પણ થયું છે.

SOU પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તેમ PM નરેન્દ્ર મોદીની દૂરંદેશી ભરી નીતિ રહી છે. આ દિશામાં વધુ એક અજોડ કદમ ઉઠાવતા, આ વિસ્તારમાં પ્રદૂષણ ઓછું થાય તેવા સહિયારા પ્રયાસોનાં ભાગરૂપે બેટરી સંચાલીત વાહનો ચલાવવાનો નિર્ધાર PM મોદીજીએ વિશ્વ પર્યાવરણ દિને વ્યક્ત કર્યો છે. તેને સાકાર કરવા માટે ઉચિત સબસીડી પણ આપવામાં આવશે.

વડાપ્રધાનના આ નિર્ણયથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર સમગ્ર દેશમાં માત્ર ઇલેક્ટ્રિક વેહિકલ ધરાવતો પ્રથમ વિસ્તાર બનશે. આ સમગ્ર યોજના SOUADTGA વિસ્તારમાં તબક્કાવાર લાગુ કરાશે અને જાહેર કરાયેલા વિસ્તારમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનો ફેરવી શકાશે.

સ્થાનિકોને દ્રી-ચક્રી ઇ-વાહન ખરીદવા GEDA ની સહાય સાથે SOU તરફથી પણ સબસીડી

કેવડિયા ઇ-સિટીમાં પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાતી બસો પણ ડિઝલના બદલે ઇલેક્ટ્રિક બસો વપરાશે. SOU વિસ્તારનાં રહેવાસી પુખ્ત વયના વ્યક્તિને દ્રી-ચક્રી ઇ-વાહન ખરીદવા સહાય આપવામાં આવશે. દ્વિચક્રી વાહનના લાભાર્થીને GEDA દ્રારા આપવામાં આવતી સહાય ઉપરાંત SOU તરફથી પણ ઉચિત સબસીડી મળશે.

ઇ-સિટીમાં કર્મચારીઓ-અધિકારીઓ માટે પણ સબસીડી-લોન યોજના લાગુ

SOUADTGAનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે પણ આ યોજના લાગુ કરાશે, લાભાર્થી કર્મચારી માટે સબસીડી સિવાયની બાકીની રકમ ચૂકવવાની રહેશે. અથવા લોન લેશે તો સરળ હપ્તામાં પગારમાંથી કપાત કરવાની સુવિધા આપવામાં આવશે.

સ્થાનિક રીક્ષા ચાલકો અને મહિલાઓને રોજગારી માટે ઇ-રીક્ષામાં પહેલું પ્રાધાન્ય

લાભાર્થીએ આ વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલનાં વાહનો ન ચલાવવાની બાંહેધરી આપવાની રહેશે. ઇ-રીક્ષા માટે ચાલકની પસંદગીમાં SOU વિસ્તારની મહીલાઓ અને હાલના રીક્ષાચાલકોને રોજગારી મળી રહે તે માટે પહેલું પ્રાધાન્ય રહેશે.

ઇ-રીક્ષા ચલાવનાર કંપનીએ OLA-UBER ની જેમ સ્માર્ટ મોબાઈલ એપ વિકસાવવી પડશે, જેમાં વિવિધ અંતર, સ્થળો અને ભાડાનો ઉલ્લેખ

ઇ-રીક્ષા ચલાવનાર કંપનીએ SOU વિસ્તારમાં ઓછામાં ઓછી 50 રીક્ષા પ્રારંભે ચલાવવાની રહેશે. ઇ-રીક્ષા ચલાવનાર કંપનીએ આ માટે સ્માર્ટ મોબાઈલ એપ જેવી OLA અને UBER ની છે તેવી વિકસાવવાની રહેશે. જેમાં વિવિધ પ્રવાસીય સ્થળો અને અંતર અને નિયત ભાડા સહિતનો ઉલ્લેખ હશે.

ઇ-વાહનો મેઇન્ટેનન્સ વર્કશોપ અને ચાર્જિંગ સ્ટેશન પણ ઉભા કરાશે, મહિલાઓને નિઃશુલ્ક તાલીમ

મહિલા ચાલકને કેવડીયા ખાતેનાં સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર ખાતે વાહન ચલાવવાની વિધિસરની તાલીમ નિ:શુલ્ક આપવામાં આવશે. ઇ-વાહનનો મેઇનટેનન્સ વર્કશોપ તથા ચાર્જિંગ સ્ટેશન પણ ઊભા કરાશે. કેવડિયા ખાતે પ્રદુષણ ફેલાવતા કોઈ ઉદ્યોગો નથી, બે જળ વિદ્યુત મથકો છે જે વિપુલ પ્રમાણમાં પર્યાવરણીય મિત્ર જેવી વિદ્યુત ઉત્પન્ન કરે છે.

આ વિસ્તારને માત્ર ઇલેક્ટ્રિક વેહિકલ માટે આરક્ષિત કરાતાં હવા અને અવાજનું પ્રદુષણ ઘટશે અને આ અજોડ પ્રવાસન સ્થળની યશકલગીમાં એક પીછું ઉમેરાશે. એટલું જ નહીં પણ ભારતના અને વિશ્વના વિવિધ સ્થળોએથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ વ્યવસ્થા નિહાળીને પર્યાવરણની જાળવણી માટે વધુ સજાગ અને પ્રોત્સાહિત બનશે અને અહીંથી એ સંદેશો લઈને પરત જશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud