• શાળા અને કોલેજ કે ટ્યુશન ક્લાસમાં એક પણ પોઝિટિવ કેસ આવે તો તે સંસ્થાને 14 દિવસ માટે બંધ કરવી : મનપા કમિશ્નર
  • માસ્ક નહીં પહેરનાર સામે દંડ વસુલવાની કામગીરી વધુ આક્રમક બનશે અને જરૂર પડ્યે પોલીસ ફરિયાદ પણ કરાશે : મનપા કમિશ્નર
  • રાજકારણીઓ સામે ઘૂંટણ ટેકવી દેનાર મહાનગરપાલિકા હવે સુરતની પ્રજા પાસે આકરો દંડ વસૂલી ને ખિસ્સા ખંખેરશે

WatchGujarat સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન પૂરું થયાના બીજા જ દિવસે મનપાએ વૈશ્વિક મહામારી કોરોનાની કામગીરી આક્રમક રીતે શરૂ કરી છે. મહાનગર પાલિકા કમિશ્નરે તમામ ઝોનના કર્મચારીઓને આદેશ આપીને માસ્ક નહિ પહેરનાર વ્યક્તિ વિરુદ્ધ દંડ વસૂલવાની કામગીરી સઘન બનાવવા સૂચના આપી છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ સતત કોરોનાના કેસ માં ઘટાડો જોવા મળ્યો હતો. જેને કારણે મહાનગરપાલિકાની કોરોનાને લગતી કામગીરી પણ ધીમી પડી ગઇ હતી. ત્યારે ચૂંટણીની જાહેર સભા પ્રચાર અને રેલીને કારણે ફરી કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. પરિણામે મહાનગરપાલિકાએ ફરી એકવાર લોકો સામે આક્રમક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.

મહાનગરપાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીએ તમામ ઝોનના કર્મચારીઓને સૂચના આપી છે કે આગામી બે દિવસમાં કોરોના અટકાવવા માટેની કામગીરી વધુ સઘન બનાવાશે. તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે કે, શાળા અને કોલેજ કે ટ્યુશન ક્લાસમાં એક પણ પોઝિટિવ કેસ આવે તો તે સંસ્થાને 14 દિવસ માટે બંધ કરાવી દેવાશે.

આ ઉપરાંત માસ્ક નહીં પહેરનાર સામે પણ દંડ વસુલવાની કામગીરી વધુ આક્રમક બનાવાશે અને જરૂર પડ્યે પોલીસ ફરિયાદ પણ કરાશે. જાહેર સ્થળોમાં લોકો ભેગા થાય તો સંક્રમણ થવાની શક્યતા વ્યક્ત કરતી મહાનગરપાલિકાએ આગામી દિવસોમાં કોરોના નિયંત્રણ માટેની ગાઇડ લાઇનનો કડકાઇથી અમલ કરવા માટે ની સૂચના આપી છે.

ચૂંટણી પૂરી થતાની સાથે જ મહાનગરપાલિકાએ કોરોનાની કામગીરી આક્રમક બનાવવાનો નિર્ણય કરતા પાલિકાના આ નિર્ણય સામે આગામી દિવસોમાં વિરોધ થઇ શકે છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ કોરોના ની ગાઇડ લાઇનનો સંપૂર્ણ ભંગ કર્યો છે પરંતુ તેની સામે મહાનગરપાલિકા કોઈ કામગીરી કરી શકી નથી. રાજકારણીઓ સામે ઘૂંટણ ટેકવી દેનાર મહાનગરપાલિકા હવે સુરતી પ્રજા પાસે આકરો દંડ વસૂલી ને ખિસ્સા ખંખેરી લેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud