• પોલીસ અને ભુમાફીયાની મીલીભગતથી ત્રાસેલા અગ્રણીએ આત્મહત્યા કરી 
  • જુ ભરવાડ અને ભાવશે સવાણી ભરૂચથી સુરત તરફ આવતા હોવાની મળેલી બાતમીના આધારે બન્ને આરોપીઓને અંક્લેશ્વર હાઈ વે પરથી પકડી પાડ્યા
  • મામલાની તપાસ કરનાર ડીસીપીએ મૃતકના સંતાનોનાં ઉપરાંત રાંદેર પોલીસના કર્મીઓના નિવેદનો નોંધ્યા

સુરત-પાટીદાર આગેવાન દુર્લભ પટેલને આત્મહત્યા તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રાંદેર પોલીસ મથકના PI લક્ષ્મણસિંહ બોડાણા સહિત ચાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે 10 આરોપી પૈકી બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. જેમાં રાજુ ભરવાડ અને ભાવેશ સવાણીનો સમાવેશ થાય છે. જ્યારે હજુ 8 આરોપીઓ પકડથી દૂર છે.

આરોપીઓ ભરૂચથી આવતા પકડાયા

આરોપી રાજુ ભરવાડ અને ભાવશે સવાણી ભરૂચથી સુરત તરફ આવતા હોવાની મળેલી બાતમીના આધારે બન્ને આરોપીઓને અંક્લેશ્વર હાઈ વે પરથી પકડી પાડવામાં આવ્યાં છે. હાલ બન્ને આરોપીઓના કોરોના ટેસ્ટ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે. સાથે જ પોલીસે જણાવ્યું કે આ કેસના અન્ય આરોપીઓને પણ ઝડપથી પકડી લેવામાં આવશે.

PI સહિત ચાર કર્મી સસ્પેન્ડ

24 કરોડની પીસાદની જમીનમાં કબજો કરવા માટે બિલ્ડરોના ઈશારે પીઆઈ બોદાણા તેના પોલીસકર્મીઓ સાથે જમીનમાં સોપારી ફોડવા માટે બારોબાર ખેલ કરવા ગયા હતા. ખેડૂત દુર્લભભાઈ અને તેના પુત્રોને પોલીસે ધમકાવ્યા હતા. જેના કારણે દુર્લભભાઈને આપઘાત કરવાની નોબત આવી હતી. આ કેસમાં માંડવી પોલીસમાં રાંદેર પીઆઈ બોડાણા સહિત ચારેય પોલીસકર્મી સહિત 10 જણા સામે ગુનો નોંધ્યો હતો. પીઆઈ સહિત 4 કર્મીઓની સામે ગુનો દાખલ થતા પોલીસ કમિશનરે ઈન્કવાયરી ઝોન-4ના ડીસીપીને સોંપી હતી. જેમાં ડીસીપીએ મૃતકના સંતાનોનાં ઉપરાંત રાંદેર પોલીસના કર્મીઓના નિવેદનો નોંધ્યા હતા. જેમાં ચારેયની સંડોવણી હોય એવું બહાર આવ્યું હતું. ઈન્કવાયરીનો રિપોર્ટ ડીસીપીએ પોલીસ કમિશનરે સુપરત કર્યો હતો. જેના આધારે સીપીએ રાંદેર પોલીસના પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા, ઉધના પોલીસનો કોન્સ્ટેબલ વિજય શિંદે, રાંદેર પીઆઈ રાઇટર કિરણ સિંઘ અને રાંદેરનો પોલીસનો કેશિયર અજય બોપાલાને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં સન્નાટો વ્યાપી ગયો હતો.

આરોપી પાસેથી જપ્ત કરવામાં આવેલો મુદ્દા માલ

બેંકના ટ્રાન્ઝેકશનોથી અનેક રાજ ખુલશે

આત્મહત્યા કરનાર દુર્લભભાઈ અને કિશોર કોશિયા વચ્ચે વિવાદ થતા વેસુ વિસ્તારમાં ઓફિસમાં બેસતી ટોળકી સક્રિય થઈ હતી. આ ટોળકીએ રાંદેર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર લક્ષ્મણ બોડાણાને આ કામ સોંપ્યું હતું. બોડાણાએ દુર્લભભાઈને બહુજ ત્રાસ આપ્યો હતો. ટોળકી સાથે સંકળાયેલા લોકો પાસેથી મળતી માહિતી અનુસાર બોડાણાએ આ કામ કરવાના એડવાન્સમાં 15 લાખ રૂપિયા લીધા હોવાની ચર્ચા છે. જિલ્લા પોલીસ તપાસ કરે તો આ ટોળકીનો પર્દાફાશ થઈ શકે છે. આરોપીઓના બેંક વ્યવહારોની તપાસ શરૂ કરાય છે. એસઆઈટીએ શહેરની તમામ બેંકોની મુખ્ય શાખાઓને લેખિતમાં જાણ કરી છે. જેનાથી આરોપીઓના બેંકના ટ્રાન્જેકશનો બાબતોના પણ અનેક રાજ ખુલશે.

આરોપીઓને પકડવા ટીમો રવાના

આરોપીઓને પકડવા માટે રાત-દિવસ ગમે ત્યારે તેના ઘરે છાપો મારી રહી છે. સાથે સંબંધીઓને ત્યાં તપાસ કરી રહી છે. પરિવારના સભ્યોના પણ પોલીસ નિવેદનો લઈ રહી છે અને આરોપી ક્યા છે તે બાબતે તપાસ કરી રહી છે. આરોપીઓ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં હોય તેવી આશંકાને પગલે ટીમો બહારગામ પણ રવાના કરાઇ છે. ફરિયાદી અને સાહેદોનું કોર્ટ સમક્ષ 164નું નિવેદન લેવા માટેની પણ પ્રોસેસ કરવામાં આવશે.

લોકેશન ટ્રેસ ન થાય તે માટે આરોપીના ફોન બંધ

બીજી તરફ ગુનો દાખલ થતા તમામે મોબાઇલ બંધ કરી દીધો છે. છેલ્લું લોકેશન સુરતનું મળ્યુ હતું. બિલ્ડર રાજુ ભરવાડ, હેતલ દેસાઈ, કિશોર કોશિયા કનૈયા નરોલા, ભાવેશ સવાણી, રાંદેર પીઆઈ બોડાણા, વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, રાઇટર કિરણ સિંઘ અને રાંદેરનો કેશિયર અજય બોપાલાનું છેલ્લું લોકેશન સુરત આવતું હતું, કેમ કે પોલીસ મોબાઇલ ચાલુ કરશે તો લોકેશન આધારે શોધી નાખશે તે પહેલા તમામ આરોપીએ ગુનો નોંધાયો તે દિવસથી મોબાઇલ સ્વિચ ઓફ કરી નાખ્યા હતા.

પીસાદની જમીન વિવાદનું કેન્દ્ર

પાટીદાર અગ્રણી દુર્લભ પટેલ આત્મહત્યા કેસમાં વિવાદનું કેન્દ્ર બનેલી પીસાદની હજાર વાર જેટલી જમીનના ભાવ સતત વધતાં ગયા હતા. બીજી તરફ ITની નોટિસ અને ચેકથી ચૂકવવાની થતી રૂપિયા ત્રણ કરોડની રકમ મામલે વિવાદ સતત વધતો જ રહ્યો હતો. જે અંતે દુર્લભ પટેલને આત્મહત્યા સુધી પ્રેરી ગયો હતો. અલબત્ત, પોલીસ તપાસ ચાલી રહી હોય આવનારા સમયમાં જમીન વિવાદમાં અત્યાર સુધી છુપા રહેલાં અનેક રહસ્ય પરથી પડદાં ઉંચકાઈ શકે છે. જમીનનો સોદો થયો ત્યારે અને હાલ બજાર કિંમતમાં 20 કરોડ જેટલો ઉછાળો આવ્યો છે.જેના કારણે આરોપીઓના ત્રાસથી દુર્લભભાઈએ આપઘાત કર્યો હતો.

આરોપીઓ પોલીસ પકડથી દૂર

બિલ્ડર રાજુ ભરવાડ, હેતલ દેસાઈ, કિશોર કોશિયા, કનૈયા નરોલા, ભાવેશ સવાણી, રાંદેર પીઆઈ બોડાણા, ઉધનાનો કોન્સ્ટેબલ વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, રાંદેરનો રાઇટર કિરણ સિંઘ અને રાંદેરનો કેશિયર અજય બોપાલા શોધવા માટે એસઆઈટીની 4 ટીમોએ તપાસ શરૂ કરી છે.પરંતુ એકપણ આરોપી મળી આવ્યા ન હતા. આરોપીઓને ભગાડવામાં પડદા પાછળ કેટલાક પોલીસકર્મીઓ કામ કરતા હોવાની આશંકા છે. જેના કારણે આરોપી પોલીસના હાથમાં આવતા નથી. બીજી એવી પણ વાત છે કે આરોપીઓ પહેલા આગોતરા માટેની તૈયારી કરી રહ્યા હોવાની વાત છે અને તેમાં કંઈ ન થાય તો પોલીસમાં હાજર થઈ શકે તેવી શક્યતા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud