• કોરોના દર્દીની મદદે આવ્યા નવી સિવિલ કોવિડ હોસ્પિટલના સિક્યુરીટી ગાર્ડ હુસૈન યુસુફ સાલેહ
  • મારા લોહીથી કોઇને નવજીવન મળ્યું એની ખુશી છે: સિક્યુરીટી ગાર્ડ હુસૈન

#Surat - માનવતાની મહેંક : તાત્કાલિક જરૂર પડતાં સિક્યુરીટી ગાર્ડે ઈમરજન્સીમાં રક્ત આપી માનવીય સંવેદનાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું

WatchGujarat. હાલ કોવિડ-19ની પરિસ્થિતિને કારણે હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સાથે અન્ય બિમારીથી પિડીત દર્દીઓને લોહીની જરૂરિયાત વધી રહી છે, ત્યારે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં માનવતા મહેકાવતો એક કિસ્સો સામે આવ્યો છે. માનવતા હજુ જીવંત છે એનું ઉત્તમ ઉદાહરણ સિવિલના સિકયુરીટી ગાર્ડે પુરૂ પાડ્યું છે. સિવિલમાં કોરોના પોઝિટીવ એક દર્દીને તાત્કાલિક લોહી જરૂર પડી. દર્દીનું હિમોગ્લોબિન બે ટકા થઇ ગયું હતું. તબીબો અને પરિવાર ઝડપભેર ક્યાંકથી બ્લડ મળે એવા પ્રયત્ન કરી રહ્યા હતા એ સમયે નવી સિવિલના 35 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ હુસૈન યુસુફ સાલેહે જણાવ્યું કે, ‘મારૂ રક્ત મેચ થતું હોય તો હું આપવા તૈયાર છું.’ ડોક્ટરે તેમનું બ્લડ ચેક કરી સંમતિ આપતાં તરત જ રક્તદાન કરી કોરોના દર્દીનો જીવ બચાવ્યો હતો. પોતાની ફરજની સાથે દર્દીઓની સેવામાં પણ પોતાનું યોગદાન આપનારા સિક્યુરિટી ગાર્ડની ભાવનાને સલામ છે.

નવી સિવિલ કેમ્પસમાં સ્ટેમસેલ બિલ્ડીંગની કોવિડ-19 હોસ્પિટલના ગેટ પર ફરજ બજાવતા સુરક્ષાકર્મી હુસૈન યુસુફ સાલેહ જણાવે છે કે, ‘કોરોનાના સંક્રમણના પ્રારંભથી જ કોવિડ-19 હોસ્પિટલમાં સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યો છું. કોરોનાની વિકટ પરિસ્થિતિને નજીકથી નિહાળી છે. દર્દીઓના સગાવ્હાલાઓની દોડધામ અને તેમની વ્યથાનો હું સાક્ષી રહ્યો છું. હોસ્પિટલની સુરક્ષા જ નહિ, પણ જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિજનોની સેવા કરવાનો મોકો મળ્યો છે. જેથી કોઈ પણ દર્દીને મારાથી થઈ શકે એટલી મદદ કરી છે. આજે સવારે જ્યારે ડ્યુટી પર હાજર હતો એ સમયે કડોદરાથી આવેલા કોરોના સંક્રમિત દર્દી કિશન લુહારનો પરિવાર પોતાના સ્વજન દર્દી માટે લોહી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો હતો.

સિવિલના તબીબો પણ જુદી જુદી બ્લડબેંકમાં તપાસ કરી રહ્યા હતા. પરિવારજનો ચિંતાતુર હોવાથી મેં એમને ‘શું થયું ?’ એમ પુછયું, તો દર્દીના પિતા લક્ષ્મણભાઈ લુહારે કહ્યું કે, ‘મારો 32 વર્ષીય દીકરો કિશન કોરોના પોઝીટીવ છે, અને કોવિડ વોર્ડમાં એની સારવાર થઇ રહી છે. ફરજ પરના ડોક્ટરે બ્લડની જરૂર હોવાનું કહેતા અમે રક્તની જોગવાઈ માટે સંપર્ક કરી રહ્યાં છીએ. મેં તરત જ હોસ્પિટલમાં જઈ મારૂ લોહી ચેક કરી મેચ થાય તો લઈ લેવા જણાવ્યું. મારૂ રક્ત દર્દીને ચાલે એમ હોવાથી તરત એક યુનિટ બ્લડ આપ્યું હતું. મારા બ્લડથી એક જીવ બચ્યો એનો મને ખુબ આનંદ છે. કોઈ પણ દર્દીઓને બ્લડની જરૂર પડશે હું હંમેશા તૈયાર છું એમ હુસૈન ઉત્સાહથી જણાવે છે.

સિવિલ હોસ્પિટલના ચીફ સિક્યુરિટી ઓફિસર હરેન ગાંધીએ જણાવ્યું કે, ‘અમે સિવિલના તમામ સિક્યુકરીટી ગાર્ડને ફરજની સાથે માનવીય સંવેદના સાથે કામ કરવાની તાલીમ આપી છે. માત્ર સિક્યુરીટીના હેતુથી નહિ, પણ કોવિડના દર્દીઓ, તેના પરિવારજનોને જરૂર પડ્યે મદદ કરવાની તત્પરતા દાખવવી એ આપણી નૈતિક ફરજ છે એવું અમે સતત ધ્યાનમાં રાખીએ છીએ. આજે માનવતાની જીવતીજાગતી મિસાલ હુસૈન યુસુફ સાલેહે પૂરી પાડી છે. આગામી સમયમાં તમામ સિક્યુરિટી ગાર્ડસ, સિક્યુરિટી સ્ટાફ દ્વારા શહેરમાં રક્તની અછતને પહોંચી વળવા અને રક્તની જરૂરિયાત ધરાવતાં દર્દીઓને મુશ્કેલી ન સર્જાય એ હેતુથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરીશું.

સાચે જ, સિક્યુરીટી ગાર્ડ જેવા અદના કર્મચારીના હ્રદયમાં પણ માણસાઈનો દીવો પ્રગટતો હોય છે એનું તાદ્રશ્ય ઉદાહરણ નવી સિવિલના પરિસરમાં જોવા મળ્યું.

More #સિક્યુરીટી #Guard #donated #blood-in-emergency #Surat #Civil Hospital #Gujaratinews #Watchgujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud