• માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં એક સગીરા ફિલ્મોમાં એક્ટ્રેસ બનવા માટે ઘર છોડી ભાગી
  • સગીરાના પિતાએ પોલીસને જણાવ્યું, દીકરીને અભિનેત્રી બનવાનો શોખ હોવાથી અને તે બાબતનું પોતાનું સપનું પૂરું કરવા માટે તે ત્રણ પાનાની ચીઠી ઘરે મૂકીને જતી રહી છે
  • પોલીસે સગીરાનાં ફોટોગ્રાફ્સ તેમજ ઘરેથી નીકળતા સમયે કયા પ્રકારના કપડાં પહેર્યા સહિતની વિગતો એકત્ર કરી તપાસ ચાલુ કરી
  • સગીરાને વિરમગામ રેલ્વે સ્ટેશન ખાતે રેલવે પોલીસની મદદથી સગીરાને શોધી કાઢવામાં આવી

WatchGujarat. શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરની એક સગીરાએ બૉલીવુડની હિરોઈન બનવા માટે 3 પાનાની ચિઠ્ઠી લખી મુંબઈની વાટ પકડી હતી. જો કે આ અંગે તેણીનાં પિતા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગણતરીની કલાકોમાં વિરમગામ સ્ટેશન ખાતેથી શોધી કાઢી તેના પરિવારને સોંપી હતી. સગીરાનું તેના પરિવાર સાથે સુખદ મિલન થતા જ સૌકોઈએ રાહતનો શ્વાસ લીધો છે.

જાણવા મળતી વિગત મુજબ માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં એક સગીરા ફિલ્મોમાં એક્ટ્રેસ બનવા માટે ઘર છોડી ભાગી હતી. સગીરાના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, તેમની સગીર વયની દીકરી ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહી છે. દીકરીને અભિનેત્રી બનવાનો શોખ હોવાથી અને તે બાબતનું પોતાનું સપનું પૂરું કરવા માટે તે ત્રણ પાનાની ચીઠી ઘરે મૂકીને જતી રહી છે. સગીરાના પિતાની રજૂઆતને ગંભીરતાથી લઇ માલવિયાનગર પોલીસ દ્વારા સગીરાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે સગીરાનાં ફોટોગ્રાફ્સ તેમજ ઘરેથી નીકળતા સમયે કયા પ્રકારના કપડાં પહેર્યા છે. તો સાથોસાથ સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી અને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ખાનગી ટ્રાવેલ્સની ઓફીસ વગેરે સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, સગીરા સૌરાષ્ટ્ર મેલમાં બેસીને મુંબઈ જઈ રહી છે.

આ ટ્રેઇન અંગે તપાસ કરતા તે વિરમગામ પહોંચનાર હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને વિરમગામ રેલ્વે સ્ટેશન ખાતે રેલવે પોલીસની મદદથી સગીરાને શોધી કાઢવામાં આવી હતી. અને માલવિયાનગર પોલીસને સોંપી દેવામાં આવી હતી. આમ, પોલીસની મદદથી ગણતરીની કલાકોમાં સગીરા અને તેના પરિવારનું સુખદ મિલન થયુ છે. જેને લઈને ભોગ બનનારનાં પરિવારે પોલીસનો આભાર વ્યકત કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud