• મોડી સાંજે કમાટીબાગમાં પ્રવેશ નહીં મળતા ત્રણ શખ્સોની કરતૂત
  • બોટલમાં પેટ્રોલ લાવી ગેટ પર છાંટી અને આગ ચાંપી
  • પોલીસે CCTVની મદદથી ત્રણેય શખ્સોની શોધખોળ શરૂ કરી

WatchGujarat શહેરના કમાટી બાગમાં મોડી રાત્રે પ્રવેશ બાબતે સિક્યુરિટી ગાર્ડ સાથે રકઝક કર્યા બાદ બુલેટ પર આવેલા ત્રણ યુવાનોએ એન્ટ્રી ગેટ નં. 2 પર લગાવેલ કોરોના ગાઈડ લાઈનના પોસ્ટર પર પેટ્રોલ છાંટી આગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાના પગલે સિક્યુરિટી ગાર્ડ બુમાબમ કરતા ત્રણે યુવાનો બુલેટ પર નાસી છૂટયા હતા. પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના ફેફસા ગણતા કમાટીબાગને ગત રાત્રે અવારા તત્વોદ્વારા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કમાટીબાગમાં પ્રવેશવા બાબતે સિક્યુરિટી ગાર્ડ સાથે થયેલી તકરાર બાદ ગેટ પર પેટ્રોલ છાંટી આગ લગાવવાનો પ્રયાસ થયો હતો. મંગળવારે સાંજે 7 વાગ્યે 1 શખ્સ કમાટીબાગના ગેટ નં 2 પાર આવી પહોંચ્યો હતો અને તેણે અંદર પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે કોરોનાની ગાઈડલાઇનના કારણે સિકિયોરિટી ગાર્ડે તે શખ્સને રોક્યો હતો. અને કમાટીબાગ બંધ છે તેમ જણાવ્યું હતું. ત્યારે તે શખ્સ ત્યાંથી જતો રહ્યો હતો.

થોડીવારબાદ તે શખ્સ લોખંડની પાઇપ લઇ અન્ય બે સાથી મિત્રો સાથે બુલેટ પર ફરી કમાટીબાગના ગેટ નંબર 2 પાસે ધસી આવ્યો હતો. અને “બાગ બંધ હૈ તો તુ બહાર નિકલ તુજે દિખતા હું”ની સિક્યુરિટી ગાર્ડને ધમકી આપવા લાગ્યા હતા. બાગ બંધ થઇ ગયો હોય સિક્યુરિટીએ તેઓને પ્રવેશ આપ્યો ન હતો જેથી ગાળાગાળી કરી ધમકીઓ ઉચ્ચારી ત્રણેય શખ્સોએ હાથમાં રહેલી પેટ્રોલની બોટલ માંથી સિક્યુરિટી ગેટ પર અને કોરોના ગાઇડલાઇનના પોસ્ટર પર પેટ્રોલ છાંટી આગ ચાપી દીધી હતી. ઘટનાને પગલે એક તબક્કે નાસભાગ મચી હતી. સિક્યુરિટી ગાર્ડે બુમાબુમ કરતા હુમલાના નિષ્ફળ પ્રયાસ બાદ ત્રણેય શખ્સો ત્યાંથી બુલેટ પર નાસી છૂટ્યા હતા.

ઘટનાને પગલે પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે વડોદરા મહાનગર સેવાસદનના દબાણ શાખા સુપરવાઈઝર પ્રકાશ હીરાજીરાવ કદમની ફરિયાદના આધારે સાર્વજનિક મિલ્કતોને નુકશાન પહોચાડનાર ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી CCTVની મદદથી શોધખોળ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud