• વડોદરાના મકરપુરા પાસે આવેલ સિમેન્સ કંપની માંથી વર્ષ 2017માં નિવૃત્ત થયા બાદ પરિવાર સાથે  જીવન પસાર કરી રહ્યા છે
  • અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને આધેડને સારી નોકરી અપાવવાની વાત કરી ઝાંસામાં લીધા
  • ભેજાબાજે લિંક મોકલીના આધેડની પર્સનલ ડીટેલ્સ મોકલી
  • એચડીએફસી બેન્ક એકાઉન્ટમાંથી ધડાધડ રૂપિયા 9 લાખ ઉપડી જતા નિવૃત્ત આધેડ ચોંકી ઊઠયા

Watchgujarat. છેલ્લા પાંચ વર્ષથી નિવૃત્ત જીવન જીવતા આધેડને નોકરીની લાલચ આપી ઓનલાઇન રૂ. 9 લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજ સામે સાઇબર ક્રાઇમમા ફરિયાદ નોધાઇ છે. નોકરી કરવાની લાલચમાં જિંદગીની બચત ગણતરીની મિનીટોમા ગુમાવનાર આધેડની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વડોદરાના હરણી વારસિયા રિંગ રોડ ઉપર એ. 23 કમળાબા કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં 64 વર્ષીય બાલકૃષ્ણ રામજીભાઈ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. મકરપુરા પાસે આવેલ સિમેન્સ કંપની માંથી વર્ષ 2017માં નિવૃત્ત થયા બાદ પરિવાર સાથે  જીવન પસાર કરે છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તારીખ 7. 1. 2021 ના રોજ બાલકૃષ્ણભાઈના મોબાઈલ પર મનિષ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. મનિષે તેઓને સારી જગ્યાએ સારા પગારે નોકરી અપાવવાની વાત કરી હતી. નિવૃત્ત જીવન જીવતા બાલકૃષ્ણ ભાઈએ સમય પસાર થવા સાથે આવક થાય તે માટે ભેજાબાજ મનીષ સાથે ફોન પર નોકરી મેળવવા માટે વાત કરી હતી.

દરમિયાન ભેજાબાજ મનીષે બાલકૃષ્ણભાઈને નોકરીના રજીસ્ટ્રેશન માટે રૂપિયા 25 ભરવા પડશે તેમ જણાવ્યું હતું. તે માટે ભેજાબાજે એક લીંક મોકલી હતી. પરંતુ બાળકૃષ્ણભાઈથી આ લિંક ન ખુલતા તેમણે ભેજાબાજને ફોન કર્યો હતો. ભેજાબાજે  જણાવ્યું હતું કે, કોઈ વાંધો નહીં તેમ જણાવી બાળકૃષ્ણભાઈ પાસે નામ, સરનામું, પાનકાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર સહિતની વિગતો મેળવી હતી. વિગતો મેળવ્યા બાદ ભેજાબાજે એની ડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવ્યું હતું.

ભેજાબાજના કહેવાથી બાળકૃષ્ણભાઇએ એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી હતી. તે બાદ ભેજાબાજે તેઓ પાસે ઓટીપી નંબર માગતા બાળકૃષ્ણભાઇએ નોકરીની લાલચમાં આવીને ઓટીપી નંબર પણ આપી દીધા હતા. ઓટીપી નંબર આવ્યા બાદ ભેજાબાજ મનિષે બાલકૃષ્ણભાઈને જણાવ્યું કે બીજા દિવસે તમારું ફરી વખત ઇન્ટરવ્યુ લઇશ. તેમ જણાવી ફોન કાપી નાખ્યો હતો.

જો કે, ભેજાબાજ મનીષ પાસે ઓટીપી નંબર આવ્યા બાદ ગણતરીની મિનિટોમાં બાલકૃષ્ણભાઈના એચડીએફસીના એકાઉન્ટમાંથી રૂપિયા 82000, રૂપિયા 1 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. ઉપરાંત રૂપિયા 3.50 લાખની જમ્બો અને બીજી રૂપિયા 3 લાખની ઇન્સ્ન્ટ લોન લઈ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. એચડીએફસી બેન્ક એકાઉન્ટમાંથી ધડાધડ રૂપિયા 9 લાખ  ઉપડી જતા નિવૃત્ત બાલકૃષ્ણભાઈ પ્રજાપતિ ચોંકી ઊઠયા હતા.

દરમિયાન તેઓએ સાયબર ક્રાઇમમાં ભેજાબાજ મનીષ નામના વ્યક્તિ સામે રૂપિયા 9 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud