• આપણે આંગળીના ટેરવેથી મનઇચ્છિત વસ્તુ, અથવા વિસ્તારની માહિતી તથા સેવાઓ મેળવી શકીએ છીએ
  • અજાણ્યા નંબર પરથી કૈસે હો, મેં આપકી ફ્રેન્ડ હું, મેં આપકો કુછ દીખાના ચાહતી હું, ચલો વિડીયો કોલ કરતે હૈ, જેવા મેસેજ મોકલવામાં આવે છે
  • સરપ્રાઇઝ આપવાનું કહીને વ્યક્તિને વિડીયો કોલ કરવા માટે પ્રેરવામાં આવે છે
  • શહેરના એક યુવાન પાસેથી વિડીયો ચેટ બાદ સ્ક્રિન રેકોર્ડ કરીને બદનામ કરવાની ધમકી આપીને પૈસા પડાવવામાં આવ્યા
  • લાંબા સમયથી આ રીતે ગઠિયાઓ લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. અને લોકો શર્મના માર્યા ફરિયાદ કરવાનું ટાળે છે – મયુર ભુસાવળકર, સાયબર એક્સપર્ટ

Watchgujarat. ઇન્ટરનેટ યુગમાં ઓનલાઇન ઠગાઇ કરવા માટે સાયબર માફિયાઓ અવનવા કિમીયાઓ અપનાવતા હોય છે. ત્યારે હવે સાયબર માફિયાઓએ નવો ઉપાય અજમાવીને લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. લોકોને અજાણ્યા નંબર પરથી પહેલો મેસેજ HI, BABY કરીને તેમની સાથે મિત્રતા કેળવવાનો પ્રયાસ કરે છે. અને તેમની સાથે ઓનલાઇન નજદીકી કેળવીને તેમની પાસેથી પૈસા પડાવે છે. સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરના મતે સાયબર માફિયાઓ હવે અવનવા ઉપાયો અજમાવીને લોકો સાથે ઠગાઇ કરી રહ્યા છે.

આપણે ઇન્ટરનેટના યુગમાં જીવી રહ્યા છે. હવે આપણે આંગળીના ટેરવેથી મનઇચ્છિત વસ્તુ, અથવા વિસ્તારની માહિતી તથા સેવાઓ મેળવી શકીએ છીએ. રોજિંદા જીવનમાં ઇન્ટરનેટના વધતા જતા પ્રભાવ વચ્ચે હવે લોકોને એક અથવા બીજી રીતે છેતરી રહ્યા છે. અને એક અથવા બીજી રીતે તેમને વર્ચ્યુઅલ (ઓનલાઇન) માયાજાળમાં ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવી રહ્યા છે.

વડોદરા શહેરમાં તાજેતરમાં સાયબર ગઠિયાઓ દ્વારા નવો કિમીયો અજમવીને પૈસા પડાવવામાં આવી રહ્યા છે. નવા કિમીયામાંથી છેતરાતા બચેલા જાગૃત નાગરીકે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારા મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી HI, BABY કરીને મેસેજ આવ્યો હતો. જો કે અજાણ્યા નંબર પરથી મેસેજ આવતા મેં ધ્યાન આપ્યું ન હતું. તેમ છતા અજાણ્યા નંબર પરથી કૈસે હો, મેં આપકી ફ્રેન્ડ હું, મેં આપકો કુછ દીખાના ચાહતી હું, ચલો વિડીયો કોલ કરતે હૈ, જેવા મેસેજ આવ્યા હતા. જો કે, હું સાયબર ફ્રોડથી વાકેફ હોવાને કારણે કોઇ પણ સવાલનો સીધો જવાબ આપ્યો ન હતો.

વધુમાં જાગૃત નાગરીકે ઉમેર્યું કે, ત્યાર બાદ અજાણી વ્યક્તિએ મને મેસેજમાં કહ્યું કે, તે મને કોઇ સરપ્રાઇઝ આપવા માંગે છે. અને તેની માટે મારે ઓનલાઇન વિડીયો કોલ કરવો પડશે. હું તેની ચાલબાજી સમજી ગયો હતો. મેં અજાણ્યા નંબરને બ્લોક કરીને વાતનો અંત આણી દીધો હતો. જો કે, હું નસીદાર હતો. પરંતુ મારા અનેક મિત્રોએ આ રીતે નાની મોટી રકમ ગુમાવી હતી.

HI, BABY મેસેજ બાદ વિડીયો ચેટનું સ્ક્રિન રેકોર્ડીંગ કરીને પૈસા પડાવ્યા

જાગૃત નાગરીકે જણાવ્યું કે, હું તો બચી ગયો, પરંતુ મારો મિત્ર ફસાઇ ગયો હતો. તેને આ રીતે મેસેજ આવ્યા બાદ તેણે વાત ચાલુ કરી હતી. ધીરે ધીરે મેસેજમાં વાત આગળ વધ્યા બાદ બંને લોકો વિડીયો ચેટ ચાલુ કરી દીધી હતી. વિડીયો ચેટ બાદ સ્ક્રિન રેકોર્ડ કરીને મારા મિત્રને બદનામ કરવાની ધમકી આપીને પૈસા પડાવવામાં આવ્યા હતા. તમામ લોકોએ સતર્ક રહેવું જોઇએ.

વિવિધ ડેટા પોઇન્ટ્સ પરથી નંબર લઇને સાયબર માફિયાઓ લુંટ ચલાવે છે

સાયબર એક્સપર્ટ અને થ્રેટ એનાલીસ્ટ મયુર ભુસાવળકરે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, સાયબર માફિયાઓ વિવિધ ડેટા પોઇન્ટ્સ જેમ કે, ફેસબુક, ગુગલ ફોર્મ સહિતના માધ્યમોમાં શેર થયેલા મોબાઇલ નંબરોનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ તેમની સાથે નિકટતા કેળવીને તેમને ફસાવવામાં આવી રહ્યા છે. લાંબા સમયથી આ રીતે ગઠિયાઓ લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે. અને લોકો શર્મના માર્યા ફરિયાદ કરવાનું ટાળે છે.

સાયબર માફિયાઓથી બચવા શું કરવું જોઇએ

સાયબર એક્સપર્ટ અને થ્રેટ એનાલિસ્ટ મયુર ભુસાવળકરે સાયબર માફિયાઓથી બચવા માટેના નીચે જણાવેલા ઉપાયો સુચવ્યા હતા.

1) જયારે  કોઈ બિનપરિચિત વ્યક્તિ પ્રથમ વખત તમારો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરે અને યેનકેન પ્રકારે તમારી સાથે વાતચીત કરવાનો કે અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ થકી તમારા સુધી પોંહચવાનો પ્રયત્ન કરે તો સાવધ થવું  જરૂરી છે.

2) ઓનલાઇન કોઈ પણ ત્રાહિત વ્યક્તિ તમારા કામોની, તમારા શરીરની સતત પ્રશંસા કરે તો તે તમને ફસાવવા માટેની ઈ-માયાજાળ હોઈ શકે છે.

3) બને ત્યાં સુધી પોતાની સોશ્યિલ મીડિયા પ્રોફાઈલ લોક રાખવી અત્યંત જરૂરી છે.

4) પોતાની અંગત માહિતી કયારેય કોઈપણ પબ્લિક ડોમેઈન માં ન મુકવી જોઈએ.

5) પર્સનલી ઓળખતા તેમજ પરિચિત વ્યક્તિઓ સાથેજ ઓનલાઇન વ્યવહારો હિતાવહ છે.

6) પોતાની પસંદ ના-પસંદ યાદીને ક્યારેય ઓનલાઇન કે કોઈ ચેટમાં જાહેર કરવી જોઈએ.

7)  બિનપરિચિત વ્યક્તિ સાથે ક્યારેય પણ કરેલ વિડીયો કોલ મોટી આફત નોતરી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud