• વડોદરા શહેર પોલીસની હાઇટેક સેવાની દિશામાં નવી પહેલ
  • શી ટીમની પોલીસ મહિલાઓને સાયબર છેતરપિંડી અને ગુનાઓ અટકાવવાની તાલીમ આપવામાં આવી
  • સાયબર ક્રાઇમને લગતો કોઈ કેસ બને ત્યારે સત્વરે ક્યા પગલાઓ હાથ ધરવા,  આવા કેસ ન બને તે માટે અગમચેતી સ્વરૂપ કયા પગલાં લેવા અંગે સમજ આપી

Watchgujarat. વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ દ્વારા શહેરના દરેક પોલીસ સ્ટેશન દીઠ શી ટીમ કાર્યરત કરવામાં આવી છે. શી ટીમ દ્વારા સંવેદનશીલતા અને માનવીય અભિગમ સાથે અનેકવિધ પ્રોજેક્ટ પર કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં શી ટીમ દ્વારા કોરોનાની બીજી ઘાતક લહેરમાં સરાહનીય કામગીરી કરવા સાથે હાલમાં કોવિડ રસીકરણમાં પણ શી ટીમ દ્વારા દરેક પોલીસ મથક વિસ્તારમાં શાકભાજીની લારીવાળા,ફેરિયા વેન્ડરનું મહત્તમ રસીકરણ થાય તે માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.

હાલના આધુનિક અને ટેક્નોલોજીના યુગ વિપુલ પ્રમાણમાં બનતા સાયબર કેસની રોક – થામ માટે શહેર  પોલીસ કમિશનર  તથા  અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

જેના ભાગરૂપે  પ્રતાપ નગર પોલીસ મુખ્ય મથક ખાતે શી ટીમ  કર્મચારીઓને સાયબર ક્રાઇમને લગતા બનાવો જેવા કે સોશ્યલ મિડિયામાં ફેક એકાઉન્ટ દ્વારા થતી છેતરપિંડી,  સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવું, ઓનલાઇન શોપીંગમાં થતી છેતરપિંડી, ખાસ કરીને યુવતીઓ, મહિલાના ફોટાને મોર્ફ કરી આપત્તિજનક, અશ્લીલ ,ફોટો, વિડીયો બનાવવા, અપલોડ કરી  દેવા, OLX (વસ્તુ લે વેચ માટે ઉપલબ્ધ એપ)પર થતી છેતરપિંડી, મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી આવતી વિવિધ ઓફરો, લીંકો, વગેરે ઓપન કરતા નોકરી ,લોન ,વીમો, જીએસટી, ઇન્કમટેક્સ,ઇન્કમટેક્સ રિટર્ન, વગેરેને લગતા છેતરપિંડીના કેસો, ફેક મેટ્રીમોનિયલ સાઇટ કે મેટ્રીમોનિયલ સાઇટ પર ફેક આઈડી દ્વારા થતાં ઠગાઈના કેસ, રેન્સમવેર હુમલો જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવા સાથે અન્ય  સાઇબર ક્રાઇમ ગુનાઓ કેવી રીતે રોકી શકાય તે બાબતે સેમિનારમાં વિવિધ સાઈબર એક્સપર્ટ દ્વારા શી ટીમના તમામ કર્મચારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સાઇબર ક્રાઇમને લગતો કોઈ કેસ બને ત્યારે સત્વરે ક્યા પગલાઓ હાથ ધરવા,  આવા કેસ ન બને તે માટે અગમચેતી સ્વરૂપ કયા પગલાં લેવા અંગે સમજ આપવામાં આવી હતી.

શહેર પોલીસ કમિશનરશ્રી શમશેર સિંઘ દ્વારા શી ટીમને સાઇબર ક્રાઇમને લગતા  કેસ અંગે જાણકારી આપવા સાથે  ખાસ કરીને મહિલા અને બાળકો સાથે બનતા સાયબર બ્લેકમેલીંગ, સાઇબર બૂલીને લગતા કેસો શી ટીમ કર્મચારીઓએ  સંવેદનશીલતા સાથે કઈ રીતે હેન્ડલ કરવા, ભોગ બનનારનું કઈ રીતે કાઉન્સિલિંગ કરવું જે અંગે  સમજ આપવામાં આવી હતી.

તેમણે દરેક શી ટીમ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલાઓ, યુવતીઓનું ગ્રુપ બનાવવા તથા સમયાંતરે સાયબર  એક્સપર્ટની મદદથી ઓનલાઈન  સેમિનાર યોજવો કે જેના દ્વારા  સાયબરના બનતા કેસ અંગે જનજાગૃતિ ફેલાય તે અંગે પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.

સાયબર તાલીમ સેમિનાર દરમિયાન શહેરના કર્મચારીઓને હાલમાં બદલાતા સમય સાથે પડકાર રૂપ બનતા સાયબર ક્રાઇમને લગતા વિવિધ કેસો કઈ રીતે હેન્ડલ કરવા, કેવી રીતે લોકોમાં જાગૃતતા લાવવી, ભોગ બનનારનું  સંવેદનશીલતા સાથે કઈ રીતે કાઉન્સિલિંગ કરવું, વગેરે અંગે  વિસ્તૃત માર્ગદર્શન  પ્રાપ્ત થતાં  કર્મચારીઓમાં નવી ઊર્જા સાથે આત્મવિશ્વાસનો સંચાર થયો છે. આ સેમિનારમાં પોલીસ અધિકારીઓ અને કર્મીઓએ ભાગ લીધો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud