• કોરોનામાં સિટીસ્કેન ક્યારે કરાવવું એનું માર્ગદર્શન આપતું વેબ પેજ બનાવ્યું
  • દર્દીઓ માટે સચોટ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ નક્કી કરવામાં એકસ રે અને ચેસ્ટ સિટી સ્કેન ખૂબ ઉપયોગી બને – પ્રો. ડો.ચેતન મહેતા
  • ટીમે ચોવીસે કલાક અવિરત અને સમર્પિત સેવાઓ આપી જે ખૂબ પ્રશંસનીય છે – ડો.બેલીમ ઓ.બી.

Watchgujarat. કોરોના કટોકટીમાં સયાજી હોસ્પિટલના લગભગ તમામ વિભાગોએ અવિરત સેવાઓ આપી છે અને દર્દીઓની જીવન રક્ષામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે જેમાં રેડિઓલોજી વિભાગનો પણ સમાવેશ થાય છે.

ખાસ વાત એ છે કે પ્રા. ડો.ચેતન મહેતાના વડપણ હેઠળ કાર્યરત આ વિભાગે સયાજીના કોરોના વિભાગમાં દાખલ અને જેમના એચ.આર.સી.ટી.ટેસ્ટ કરવા જરૂરી હતા તેવા તમામ દર્દીઓના વિનામૂલ્યે સિટીસ્કેન કર્યા હતા અને કોરોનાની બંને લહેરમાં અવિરત સેવાઓ આપી હતી જે હજુ ચાલુ જ છે.

કોરોનામાં સિટીસ્કેનની અનિવાર્ય આવશ્યકતા અંગે લોકોની મૂંઝવણના નિવારણ માટે આ વિભાગે માર્ગદર્શક વેબ પેજ પણ બનાવ્યું છે. કોરોનાના દર્દીઓને જેટલી ત્વરિત અને સમયસર સારવાર મળે એટલી સાજા થવાની ઝડપ વધે એવી લાગણી વ્યકત કરતાં પ્રો. ડો.ચેતન મહેતાએ જણાવ્યું કે, આ રોગના દર્દીઓ માટે સચોટ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ નક્કી કરવામાં એકસ રે અને ચેસ્ટ સિટી સ્કેન ખૂબ ઉપયોગી બને છે.

તેને અનુલક્ષીને રેડીઓલોજી વિભાગ દ્વારા સહ પ્રાધ્યાપક ડો.ભૌતિક કાપડિયાના નેતૃત્વ હેઠળ ખાસ ટીમ કાર્યરત કરવામાં આવી અને આ ટીમે કટોકટીના સમયમાં નિરંતર સેવાઓ આપી છે.કોરોના સારવારના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે આ ટીમે ચોવીસે કલાક અવિરત અને સમર્પિત સેવાઓ આપી જે ખૂબ પ્રશંસનીય છે.

આ વિભાગે કૉવિડ કટોકટીમાં ૨૭૮૦૦ થી વધુ દર્દીઓના ડિજીટલ એક્ષ રે કાઢ્યા છે.કોરોનાથી દર્દીના ફેફસાંને થયેલા નુકશાનનું તારણ સચોટ સારવાર માટે જરૂરી બને છે.વિભાગે કોરોના ટોચ પર હતો તેવા સમયે દૈનિક ૩૦ થી ૪૦ દર્દીઓના એચ આર.સી.ટી. ચેસ્ટ કરીને લગભગ ૧૦ મિનિટમાં રિપોર્ટ આપી ત્વરિત સારવાર સરળ બનાવી છે.

કોવિડના રોગમાં સિટી સ્કેન ક્યારે કરાવવું, કરાવવું કે ન કરાવવું, સિટી સ્કેનનો સ્કોર શું સંકેત આપે છે આ બાબતમાં ખૂબ મૂંઝવણ પ્રવર્તે છે.તેને અનુલક્ષીને આ વિભાગના તબીબોના માર્ગદર્શન હેઠળ અત્રે ત્રણ વર્ષથી કાર્યરત રેસીડેંટ ડો.સચિને ખૂબ ઉપયોગી માર્ગદર્શક વેબ પેજ www.bmcradiology.blogspot.com બનાવીને અનોખું યોગદાન આપ્યું છે.આ વેબ પેજ સામાન્ય માણસને સમજાય તેવી ભાષામાં સરળ માર્ગદર્શન આપે છે.

ખાનગી સંસ્થાઓ એચ.આર. સી.ટી. ચેસ્ટ નો રૂ.૨૫૦૦ જેટલો ચાર્જ વસૂલ કરે છે અને દર્દીઓને રિપોર્ટ માટે રાહ જોવી પડે છે ત્યારે આ વિભાગ દ્વારા ખાનગી દર્દીઓને રૂ.૧૧૫૦ ના રાહત દરે આ ટેસ્ટની સેવા આપવામાં આવે છે અને રિપોર્ટ ૧૦ મિનિટમાં આપવામાં આવે છે.

આ વિભાગમાં સોનોગ્રાફી પણ કરવામાં આવે છે.કોરોનાની સારવારમાં જો કે તેની જૂજ જરૂર પડે છે.ખાસ કરીને નિકટ ભૂતકાળમાં કોઈ દર્દીએ પેટ કે શરીરના અંગની સર્જરી કરાવી હોય અને પછી કોરોના પોઝિટિવ થયાં હોય ત્યારે અને કોરોના પોઝિટિવ બાળ દર્દીના નાજુક અવયવોની સ્થિતિ જાણવા જૂજ કિસ્સાઓમાં સોનોગ્રાફી કરવી પડે છે.કોમ્પેક્ટ અને પોર્ટબલ સોનોગ્રાફી ઉપકરણો ઉપલબ્ધ હોવાથી તેમાં સરળતા રહે છે.

કોવિડ સામેની લડાઇ એ સામૂહિક પડકાર છે.તમામ વિભાગોનું સંકલન અને ટીમ વર્ક રોગીઓના જીવન બચાવે છે.આ સહિયારી લડતમાં સયાજીનો રેડીઓલોજી વિભાગ કર્તવ્ય પરાયણતા સાથે યોગદાન આપી રહ્યો છે.

મ્યુકરના નિદાનમાં રેડીઓલોજી વિભાગનું સક્રિય યોગદાન : એમ.આર.ઇ.ની મંજુરી થી રોગ નિદાન ક્ષમતા વધુ સતેજ બનશે

કોરોના પછી મ્યુકર માઈકોસિસની મહામારી ત્રાટકી છે.સયાજી હોસ્પિટલનો રેડીઓલોજી વિભાગ તેના નિદાન અને સારવારમાં સક્રિય યોગદાન આપી રહ્યો છે. આ વિભાગે અત્યાર સુધીમાં અંદાજે ૭૦ થી ૮૦ સિટીસ્કેન અને ૨૦૦ થી ૨૫૦ એક્સ રે કરીને આ રોગની સચોટ ઓળખ કરવામાં અગત્યની મદદ કરી છે.

રાજ્ય સરકારે આ વિભાગની રોગ નિદાન ક્ષમતાને વધુ સતેજ બનાવવા તાજેતરમાં જ અતિ અદ્યતન એમ. આર.આઇ.યંત્ર વિભાગ માટે મંજૂર કર્યું છે.આ લેટેસ્ટ યંત્ર વિભાગના રોગ નિદાન શસ્ત્રોના ભાથામાં એક વેધક હથિયાર બનશે અને ખાસ કરીને જેમને ખાનગી મોંઘી સુવિધા પરવડતી નથી એવા ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન બનશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud