• આર્થિક મુશ્કેલીના કારણે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન
  • મૃતકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું
  • પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો

WatchGujarat. વડોદરા શહેરમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા વેપારીએ રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ મામલાની જાણ પોલીસને થતાં તેઓએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તેમજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ન્યુ સમા વિસ્તારમાં આવેલા ગોપીનાથ એવન્યુ પાસે સહયોગ ટેનામેન્ટમાં સુનિલભાઈ ગંગાધર નાયર(ઉ.51) તેમના પરિવાર સાથે રહેતા હતા. તેઓ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા હતા. તેમને પોતાનની ઓફિસ ઘરમાં જ બનાવીને ધંધો ચલાવતા હતા. તેમને રાત્રિ દરમિયાન બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આજે સવારે સુનિલભાઈને તેમના રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેમના પત્ની તથા સંતાનો ચોંકી ઉઠ્યા હતા. આ બનાવને પગલે તેમના પરિવારમાં શોકનું વાતાવરણ વ્યાપી ગયું હતું.

આ ઘટનાની જાણ થતાં જ પાડોશમાં રહેતા લોકો અને અન્ય રહીશો સુનિલભાઈના ઘરે દોડી આવ્યા હતા. ત્યાર બાદ બનાવ અંગે સમા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં સુનિલભાઈએ ધંધાની મંદીના કારણે ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું હોવાની શક્યતો સેવાઈ રહી છે. પોલીસે આ ઘટનાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આપઘાતનું સાચું કારણ પોલીસની આગળની તપાસ બાદ જ જાણવા મળશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે દેશભરમાં લોકડાઉન થયા બાદ ઘણા લોકોનો ધંધો પડી ભાંગ્યો હતો. લોકડાઉન બાદ અનલોકમાં પણ અનેક ધંધાઓમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. એવામાં ઘણા બધા વેપારીઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સાથે જ આર્થિક સંકડામણમાં આવી રહ્યા છે. સુનિલભાઈ સાથે પણ આવું જ કંઈક બન્યું હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud