(મૃતક નર્સ માધવીનો ભાઇ જય પઢીયાર)
  • સેનેટાઇઝરે જોતજોતામાં બધું ભડથુ કરી દીધું, હતભાગી માધવીના ભાઈના વિડીયોએ ICU માં લાઈટર આવ્યું ક્યાંથી સહિતના અનેક સવાલો સર્જ્યા
  • બહેન અને બીજા 17 લોકોને ન્યાય અપાવવા યોગ્ય તપાસ કરી હકીકત લાવવા ભાઈની એકમાત્ર તંત્ર પર આશ
  • હોસ્પિટલની પ્રતિષ્ઠતાનો સવાલ હોવાનું જણાવી ચાર્મી પર પ્રેશર લાવી 5 નંબરના વેન્ટીલેટરમાં સ્પાર્કથી આગનું જુઠાણું ફેલાવાયું
  • ઘટના સમયે માધવી, ફરીગા, ચાર્મી અને જયમીની કરીને 3 ટ્રેની નર્સ ICU માં હતી
  • લાઈટર ICU માં લઈને આવનાર અજાણી વ્યક્તિ કોણ, ટ્રેની નર્સને કોવિડમાં ડ્યુટી માટે પણ પ્રેશર કરાયાનો આક્ષેપ
  • ચાર્મીને દબાણ કરી વેન્ટીલેટરમાં સપાર્કનું કહેનાર ડો. હારીસ કોણ
  • ICU માં અંદર CCTV જ ન હોય તમામ હકીકતો હાલ FSL અને તપાસ પર અવલંબિત
  • ચાર્મી ગોહિલના શનિવારે વેન્ટીલેટરમાં સ્પાર્ક થયા અંગેનો વિડીયો બહાર આવ્યા બાદ માધવીના ભાઈના વિડીયોથી ખળભળાટ

watchgujarat. ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના કોવિડ સેન્ટરના ICU માં શુક્રવારે મધરાતે લાગેલી આગે 18 જિંદગીઓને કાયમ માટે મોતની ઘોર નિંદ્રામાં સમેટી લીધી છે. વેન્ટીલેટરમાં સંપર્કથી આગ લાગી હોવાની પ્રાથમિક તબક્કે અનુમાનો વચ્ચે આ ઘટનામાં જીવ ગુમાવનાર ટ્રેની નર્સ માધવીના ભાઈ જય પઢીયારના વિડીયોએ લોકોને હચમચાવી દઈ વિચાર કરતા કરી દીધા છે.

મૃતક માધવીના ભાઈ જયના વીડિયોમાં  આક્ષેપ કરતા કહેવામાં આવ્યું છે કે, બેડ નંબર 5 ના વેન્ટીલેટરમાં સ્પાર્ક થવાથી આગ લાગી ન હતી પરંતુ ICU વોર્ડમાં રહેલા લાઈટરે આ સમગ્ર અગ્નિકાંડ અને 18 માસુમોના મોતમાં યમદૂતની ભૂમિકા ભજવી છે, જે અંગે વિડીયો થકી નિષ્પક્ષ તપાસની માંગ સાથે તેની બહેન માધવી અને અન્ય 17  મૃતકોને પણ ન્યાય અપાવી સાચી હકીકત બહાર લવાઈ તેમ તે ઇચ્છી રહ્યો છે.

મૃતક માધવીના ભાઈના વિડીયો મુજબ ઘટનાની રાતે ICU માં ટ્રેની નર્સ ફરીગા, માધવી, ચાર્મી અને જયમીની હતા. સામાન્ય ડોકટર સહિતનો સ્ટાફ 1 થી 1.30 કલાકે રાતે નાસ્તો કરવા જતો હતો. જોકે એ દિવસે સ્ટાફ ICU ના દર્દીઓ અને ટ્રેની નર્સોને મૂકી 12.30 કલાક પહેલા નાસ્તો કરવા જતો રહ્યો હતો.

ICU માં ટેબલ પર લાઈટર હતું, જે લાઈટર ક્યાંથી આવ્યું તેવો સવાલ પણ જયમીની, ચાર્મી અને બન્ને મૃતક ટ્રેની નર્સો ને થયો હતો. માધવી, ફરીગા ખાતુન PPE કીટ પેહરી ICU માં હતી ત્યારે ચાર્મી અને જયમીની પણ ત્યાં આવ્યા હતા એ સમયે ત્યાં લાઈટર ફર્શ પર પડયુ હતું. લાઈટર ફર્શ પર પડતા જ સ્પાર્ક થયો હતો અને આગની ચિનગારી ઉડતા નજીક જ રહેલી ફરાગીની PPE કીટને ચપેટમાં લીધી હતી.

ICU માં સેનેટાઇઝરનો વધારે પડતો કરાયેલ ઉપયોગ અને દરેક બેડ પાસે રહેલા 3-3 બોટલોને લઈ આગ ઝડપભેર પ્રસરવા લાગી હતી. ફરીગાએ બૂમ પાડતા માધવી તેને બચાવવા દોડતા તેની પણ PPE કીટ આગમાં પકડાઈ ગઈ હતી.

બન્ને ટ્રેની નર્સ PPE કીટ પર પાણી છાંટી આગ ઓલવવાનો પ્રયાસ કરવા માટે બાથરૂમ તરફ દોડી હતી. આ જ સમયે આગના કારણે વીજ પુરવઠો પણ ઠપ થઈ જતા આગ વચ્ચે ICU માં અંધકાર છવાઈ ગયો હતો. જ્યારે જયમીની દરવાજા પાસે જ હોય તે આસાનીથી બહાર નીકળી ગઈ હતી.

ચાર્મી ગોહિલ છેલ્લા કેટલાય દિવસથી ICU માં ફરજ બજાવતી હોય તેને અંધારામાં આગ વચ્ચે બહાર જવાનો રસ્તો ખબર હોય તે બહાર નીકળવાનો પ્રયાસ જેમ તેમ કરીને કર્યો હતો. જેમાં પગમાં પહેરેલા ચપ્પલ આગમાં ચોંટી જતા તે ચપ્પલ ઉતારી બહાર જતા પગમાં આગથી દાઝી ગઈ હતી.

બહાર ચાર્મી અન્ય લોકોને ઘટનાની જાણ કરી મદદ મેળવવા ગઈ ત્યાં તો ICU માં રહેલા સેનેટાઇઝર, ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ સહિતના ઉપકરણોને લીધે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર ICU જોતજોતામાં ભડથું થઈ ગયો હતો.

બચાવ માટે પોલીસ અને લોકોએ કામગીરી હાથ ધરી હતી પણ તે પહેલા જ માધવી, ફરાગી સાથે અન્ય દર્દીઓ બળીને મૃત્યુને ભેટ્યા હતા. માધવીના ભાઈએ વિડીયો સવાલો ઉઠાવ્યા છે કે, તેણે અન્ય ટ્રેની નર્સ સાથે કરેલી વાત મુજબ ICU માં લાઈટર હતું અને લાઈટર પડતા જ સ્પાર્ક થયો અને આ હોનારત સર્જાઈ.

તો ICU માં લાઈટર આવ્યું ક્યાંથી, કોણ મૂકી ગયું હતું, કોનુ હતું. ઘટના બાદ ચાર્મીને કોઈ ડો. હારીસે હોસ્પિટલની રેપ્યુટશનનો સવાલ હોય વેન્ટીલેટરમાં સ્પાર્ક થવાથી PPE કીટ ચપેટમાં આવ્યા બાદ સેનેટાઇઝરથી વધુ ફેલાઈ હોવાનું કહ્યું હતું, જેના આધારે ચાર્મીએ હોસ્પિટલના દબાણમાં શનિવારે આવું જણાવ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

કેટલા દિવસોથી કોવિડ સેન્ટરમાં સેનેટાઇઝરનો જથ્થો ન હતો, માંગવા છતાં આવતો ન હતો અને ઘટનાના દિવસે જ આટલો બધો સેનેટાઇઝરનો જથ્થો ICU માં મૂકી દેવાયો તે અંગે પણ માધવીના ભાઈએ વિડીયોમાં સવાલ ઉઠાવ્યો છે.

આગ વેન્ટિલેટર નહિ પણ ICU માં કોઈ અજાણી વ્યક્તિ લાઈટર લાવી હતી અને તેના કારણે લાગી હોવાનું માધવીનો ભાઈ જણાવી આ ઘટનામાં તેની બહેન સહિત અન્ય 17 મૃતકોને ન્યાય અને આત્માની શાંતિ મળે તે માટે યોગ્ય તપાસ કરી સાચી હકીકત બહાર લાવવા માંગણી કરાઈ છે.

અન્ય એક ઓડિયોમાં પણ બચી ગયેલી નર્સે સ્વીકાર્યું કે આગ લાઈટરના કારણે લાગી હતી

માધવીને બહેને બચી ગયેલી નર્સ જોડે વાત કરતા તેમાં પણ ICU માં આગ લાઈટરના કારણે લાગી હોવાનું જણાય રહ્યું છે. સાથે જ વેન્ટિલેટરમાં સ્પાર્ક થયો અને આગ લાગી તેમ કહેવા તેમના પર પ્રેશર કરાયું હોવાનું આ નર્સ સ્પષ્ટ કહી રહી છે.

માધવીના ભાઈએ તેની સાથે હોસ્પિટલમાં કામ કરતી અને ઘટના સમયે હાજર બહેનની મિત્ર નર્સો જોડે વાત કર્યા બાદ વિડીયો થકી ન્યાયની કરી અપીલ

મૃતક માધવીના ભાઈએ આગનું સાચું કારણ જાણવા અને શુક્રવારની મધરાતે ICU વોર્ડમાં ખરેખર શું બન્યું હતું અને કોણ કોણ હતું સહિતના પોતાને મુંઝવતા સવાલો અને હકીકત જાણવા અન્ય ટ્રેની નર્સને ફોન કર્યો હતો. જેમાં બચી ગયેલી બન્ને નર્સે સાચી ઘટના અંગે માધવીના ભાઈ ને કહેતા હકીકત બહાર આવી રહી છે.

વિડીયો સાથે 3 ઓડિયો કલીપ પણ આગજની અને 18 લોકોના મોતમાં ICU માં લાઈટર ઘટનામાં કારણભુત હોવાનું કહી રહ્યા છે

માધવીના ભાઈ જયનો વિડીયો સાથે તેને તે સમયે હાજર નર્સ સાથે કરેલી વાતચીત અને મધવીની બહેને પણ કરેલી વાતચીતના 3 ઓડિયો પણ સામે આવ્યા છે. જેમાં વેલફેરના ICU માં અગ્નિકાંડ લાઈટરના કારણે થયો હોવાની વાત બહાર આવી રહી છે. ICU નું એક પણ દર્દી લાઈટર લઈ આવ્યું ન હતું કે તે હાલતમાં ન હતું, એકાએક ICU માં લાઈટરની હાજરીમાં અજાણી આવેલી વ્યક્તિનું લાઈટર હોય શકે તેમ અન્ય નર્સ અનુમાન લગાવી રહી છે. જોકે લાઈટર સહિતની આ તમામ બાબતો હવે તપસનો વિષય બની ગઇ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud