• હીરાભાઇ ત્રિકમભાઇ પરમાર બિમાર હોવાને કારણે તેઓને પાદરાના સરકારી દવાખાને અને ત્યાર બાદ ગોત્રી હોસ્પિટલ લઇ જવાયા
  • આખરે વૃદ્ધને ધીરજ હોસ્પિટલમાં દાખલ કરાયા, બીજા દિવસે શ્વાસમાં તકલીફ પડતી હોવાનો ફોન કોલ આવ્યો
  • વૃદ્ધનું મૃત્યુ થતા પરિવારજનોને મોડી રાત્રે દેહ આપવામાં આવ્યો
  • હોસ્પિટલ દ્વારા મોકલવામાં આવેલા ફોટામાં દેખાતા વ્યક્તિની માળા અને દાંત અલગ તરી આવતા હોસ્પિટલની લાપરવાહીનો ભાંડો ફુટ્યો
  • આખરે પરિવારે મામલાની તપાસ માટે વાઘોડિયા પોલીસની મદદ માટે માંગ કરી

WatchGujarat. કોરોના કાળમાં સર્જાયેલી સ્થિતીમાં હોસ્પિટલ વહીવટી તંત્રની અનેક અવ્યવસ્થાઓ સામે આવી હતી. તેવા સમયે ધીરજ હોસ્પિટલમાં અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ધીરજ હોસ્પિટલ તંત્ર દ્વારા તાજેતરમાં એક વૃદ્ધ કોરોના દર્દીના મૃતદેહનો પરિજન સિવાયના અન્યની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલ તંત્ર તરફથી મોકલવામાં આવેલા ફોટો અન્ય વ્યક્તિનો જણાતા પરિવારજનોએ સમગ્ર મામલે પોલીસ તપાસની માંગ કરી હતી.

ધીરજ હોસ્પિટલમાં સર્જાયેલી ચોંકાવનારી ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, હીરાભાઇ ત્રિકમભાઇ પરમાર બિમાર હોવાને કારણે તેઓને પાદરાના સરકારી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને વધુ સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેઓનો રેપીડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

29/04/21 ના દિવસે ધીરજ હોસ્પિટલમાં હીરાભાઇને દાખલ કર્યા હતા. અને આ સંબંધિત તેઓની ફાઇલ પણ બનાવવામાં આવી હતી. ત્યાર બાદ ધીરજ હોસ્પિટલના સંચાલકોએ પરિવારજનોને અંદર જવા માટે મંજૂરી આપી ન હતી. અને વૃદ્ધને ઓક્સિજન પર રાખ્યા હોવાનું જણાવ્યું હતું.

દાખલ કર્યાના બીજા દિવસે 1 વાગ્યાની આસપાસ ધીરજ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, તમારા દાદાને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આથી ગળામાં પાઇપ નાંખવી પડશે. અને તે અંગેની મંજૂરી માંગવામાં આવી હતી. પરિવારજનોએ મંજુરી આપી હતી. જો કે, ત્યાર બાદ ધીરજ હોસ્પિટલના સંચાલકોએ કોઇ માહીતી આપી ન હતી. કે પરિવારજનોને વૃદ્ધ પાસે જવા દીધા ન હતા.

30/04/2021 ના રોજ બપોરે 4 વાગ્યે ધીરજ હોસ્પિટલમાંથી ડોક્ટરનો ફોન દર્દીના પરિજન પર આવ્યો હતો. અને જણાવ્યું હતું કે, તમારા દાદાને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હ્રદય ધીમું પડવા લાગ્યું છે. ત્યાર પછીની સ્થિતી તમને છોડી વારમાં જણાવવામાં આવશે. ત્યાર બાદ અડધો કલાક પછી પરિજનનો ફોન કરીને જણાવ્યું કે, તમારા દાદાનું હ્રદય બંધ પડી ગયું છે. અને મસાજ કરીને ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એકાએક આવા સમાચાર મળતા પરિજનોમાં ચિંતા વ્યાપી હતી. ત્યાર બાદ 10 મિનિટ બાદ વધુ એક વખત તમારા દાદાનું હ્રદય ચાલુ કરવા માટે પુરતો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનું હ્રદય બંધ પડી ગયું હોવાનું જણાવ્યું હતું.

વૃદ્ધના અવસાન બાદ પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પાસેથી RT-PCR રિપોર્ટ માંગ્યો હતો. પરંતુ હોસ્પિટલ તંત્રએ રિપોર્ટ આપ્યો ન હતો. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીના અન્ય પરિજનના વોટ્સએપ પર વૃદ્ધનો ફોટો મોકલવામાં આવ્યો હતો. જો કે મોબાઇલ બઁધ હોવાને કારણે તેમનો ફોટો જોઇ શકાયો ન હતો. વૃદ્ધનો દેહ રાત્રીના સમયે બોડીબેગમાં મુકીને આપ્યો હતો. પરિવારજનોએ વૃદ્ધનું મોઢું જોવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે હોસ્પિટલ સંચાલકોએ તેને નકારી કાઢી હતી. વૃદ્ધ વજનદાર હોવાને કારણે પરિવારજનોને શંકા ગઇ હતી કે આ કોઇ અન્ય વ્યક્તિનો મૃતદેહ હોઇ શકે છે. ત્યાર બાદ મૃતહેબનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો.

1 મે ના રોજ પરિવારમાં લગ્ન હોવાને કારણે મોબાઇલ ફોન ચાલુ કરતા હોસ્પિટલ તંત્ર દ્વારા વોટ્સએપ પર મોકલવામાં આવેલો ફોટો લોકોએ જોયો હતો. ફોટો જોતા તમામ પરિજનોએ અન્ય કોઇનો દેહ હોવાનું સ્વિકાર્યું હતું. હોસ્પિટલમાં મોકલવામાં આવેલા ફોટોમાં રૂદ્રાક્ષની માળા અને દાંત અલગ તરી આવ્યા હતા. તમામ ચકાસણી બાદ પરિવારજનો આશ્ચર્યમાં મુકાયા હતા. અને ડેડબોડીનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું તે અમારા પરિજન નથી, તો અમારા પરિજન ક્યાં ગયા તેવા સવાલો ઉઠ્યા હતા.

આખરે હીરાભાઇ ત્રિકમભાઇના પરિવારજનોએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પોતાના સ્વજનની ભાળ મેળવવવા માટે મદદ માંગતી અરજી કરી હતી. આમ, કોરોનાના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલોની અવ્યવસ્થા વધુ એક વખત ઉજાગર થઇ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud