• મતદાન બાદ ઇવીએમ મશીનને પોલીટેકનીક કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મુકાયા
  • જિલ્લા કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું
  • મંગળવારે તબક્કાવાર રીતે મતગણતરી હાથ ધરાશે
  • ઉમેદવારોના સમર્થકો, કાર્યકરો તેમજ નગરજનો ચૂંટણીના પરિણામ જોઇ શકે તે માટે ગેટ પાસે LED સ્ક્રીન લગાવવામાં આવશે

WatchGujarat. 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી 23 ફેબ્રુઆરીના રોજ પોલિટેકનિક કોલેજ ખાતે સવારે 8 કલાકથી હાથ ધરવામાં આવશે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગ રૂમમાં EVM મૂકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા મતગણતરી સ્થળ ફરતે અભેદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારે જિલ્લા ચૂંટણી અધિકારીએ મતગણતરીની સ્થળની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર-1, 4, 7, 10, 13 અને 16ના પરિણામો આવશે. કોલેજ બહારથી નગરજનો પરિણામ જોઇ શકે તે માટે સ્ક્રીન મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગરૂમમાં ત્રિસ્તરીય લોખંડી બંદોબસ્ત

21 ફેબ્રુઆરીના વડોદરા મહાનગરપાલિકાના 19 ઇલેક્શન વોર્ડની 76 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણી બાદ તમામ EVM ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલિટેકનિક કોલેજમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં બનાવવામાં આવેલા વિશેષ સ્ટ્રોંગરૂમમાં EVM મૂકવામાં આવ્યા હતા. તે સાથે બેલેટ પેપરથી મતદાન કરેલી પેટીઓ પણ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી હતી. આવતીકાલે 23 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવશે. પોલિટેકનિક કોલેજમાં રાખવામાં આવેલા EVM રાખવામાં આવ્યા હોવાથી કોલેજ ફરતે ત્રિસ્તરીય લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં બંધુકધારી પોલીસ જવાનોને મુખ્ય ગેટ ઉપર, સ્ટ્રોંગ રૂમની અંદર પેરામિલેટ્રી ફોર્સ અને સ્ટ્રોંગરૂમમાં CCTVથી સજ્જ કરી દેવામાં આવ્યા છે.

ચૂંટણી અધિકારીએ સ્ટ્રોંગરૂમની મુલાકાત લીધી

સવારે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે પોલિટેકનિક ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. તેમની સાથે ડી.સી.પી. દીપક મેઘાણી પણ જોડાયા હતા અને બંદોબસ્ત અંગેની સમીક્ષા કરી હતી. સ્ટ્રોંગ રૂમની બહાર પેરા મિલીટ્રી ફોર્સના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટ્રોંગરૂમમાં CCTV લગાવવામાં આવ્યા છે. પોલિટેકનિક કોલેજના સ્ટ્રોંગરૂમ સુધી અભેદ્ય પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આવતીકાલે 3 તબક્કામાં મત ગણતરી થશે

વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલે મતગણતરીની તૈયારી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા મત ગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સવારે 9 કલાકે મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નંબર-1, 4, 7, 10, 13 અને 16ના પરિણામો આવશે. ત્યાર બાદ બીજા રાઉન્ડમાં વોર્ડ નંબર 2, 5, 8, 11, 14 અને 17ના પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે ત્રીજા રાઉન્ડમાં વોર્ડ નંબર- 3,6, 9, 12, 15, 18 અને 19ના પરિણામ જાહેર કરવામાં આવશે. ઉમેદવારોના સમર્થકો, કાર્યકરો તેમજ નગરજનો ચૂંટણીના પરિણામ જોઇ શકે તે માટે ગેટ પાસે LED સ્ક્રીન લગાવવામાં આવશે. તેમજ સમયાંતરે પરિણામની જાહેર માટે લાઉડ સ્પિકરો મૂકવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud